Abtak Media Google News

જામનગરના મોટા પાંચદેવડા ગામમાં ગયા મંગળવારે સહકારી મંડળીની રૃા.૧૮ લાખની રકમ ત્રણ બુકાનીધારી બાઈકસવારોએ છરીની અણીએ લૂંટી લીધી હતી તે કેસની તપાસ કરી રહેલી એલસીબીએ જૂનાગઢથી ત્રણ શખ્સોને પકડી લૂંટનો ગુન્હો ઉકેલ્યો છે. રૃા.૧૩ લાખ ૧૦ હજારની રોકડ સહિતનો મુદ્દામાલ ઝબ્બે લેવાયો છે. જ્યારે ટીપ આપનાર શખ્સની શોધખોળ કરવામાં આવી રહી છે.

કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામની જય કિશાન સેવા સહકારી મંડળીમાં ખેડૂતો દ્વારા જમા કરાવવામાં આવેલી પાક ધિરાણની રકમ રૃા.૧૮ લાખ નવાગામમાં આવેલી ડિસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંકમાં જમા કરાવવા માટે ગયા મંગળવારે બપોરે મંડળીના કર્મચારી હસમુખ ભીખુભાઈ રૃડકિયા પોતાના મોટરસાયકલ પર નીકળ્યા હતા ત્યારે મોટી વાવડીથી નવાગામ વચ્ચેના માર્ગ પર ત્રિપલ સવારીમાં આવેલા એક બાઈકે તેઓને આંતરી તેના પર રહેલા ત્રણ બુકાનીધારી શખ્સોએ હસમુખભાઈને છરી બતાવી મુક્કા વરસાવ્યા હતા અને રૃા.૧૮ લાખ ભરેલી બેગ લૂંટી લઈ પોતાનું મોટરસાયકલ મારી મૂક્યું હતું.

ત્યાર પછી આ બનાવની હસમુખભાઈએ જામનગર પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસ કાફલો દોડયો હતો. એલસીબીના સ્ટાફે તપાસનો દૌર હાથમાં લઈ લૂંટના સ્થળથી થોડે દૂર આવેલા એક પેટ્રોલપંપના સીસીટીવી ફૂટેજ નિહાળતા તેમાં લૂંટારૃઓનું બાઈક નજરે ચડયું હતું તેમાં આરોપીઓના કપડાનું વર્ણન મળ્યા પછી પોલીસે નાકાબંધી કરાવી હતી, પરંતુ તે પહેલા આ આરોપીઓ સરકી ગયા હતા.

આ બનાવની વિધિવત ફરિયાદ થયા પછી એસપી સેજુળે ગ્રામ્ય ડીવાયએસપી એચ.પી. દોશીના માર્ગદર્શન હેઠળ એલસીબીને તપાસ માટે આદેશ કરતા પીઆઈ ડોડિયાના વડપણ હેઠળ એલસીબીની જુદી જુદી ટૂકડીઓ રચવામાં આવી હતી તે ટૂકડીઓએ કેટલાક શંકાસ્પદ શખ્સોની પ્રવૃત્તિ પર બાજ નજર રાખી ગુન્હાનો ભેદ ઉકેલવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યાે હતો અને જામનગર, રાજકોટ તથા જૂનાગઢ જિલ્લામાં તપાસ લંબાવી હતી.

તે દરમ્યાન એલસીબીના નિર્મળસિંહ જાડેજા, વસરામભાઈ તથા કમલેશ રબારીને બાતમી મળી હતી કે, આ લૂંટના ત્રણ આરોપીઓ કાલાવડથી રાજકોટ તરફ જઈ રહ્યા છે જેના પગલે વોચમાં ગોઠવાયેલા એલસીબીના કાફલાએ નિકાવા-આણંદપર રોડ પરથી પસાર થયેલા જીજે-૧૧-એએમ ૨૨૧૭ નંબરના બાઈકને આંતરી તેના પર જઈ રહેલા જૂનાગઢના ઉપરકોટમાં રહેતા ઈરફાન હમીદ આરબ, જૂનાગઢના સુખનાથ ચોકમાં વસવાટ કરતા ઈમ્તિયાઝ ઈસુબ સીપાહી તથા હનીફ અમીન આરબ નામના ત્રણ શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરતા આ શખ્સોએ રૃા.૧૮ લાખની લૂંટની કબૂલાત આપી હતી.

આ શખ્સોને જામનગર ખસેડી પૂછપરછ કરાતા તેઓએ ગઈ તા.૧રની બપોરે ઉપરોક્ત લૂંટ કર્યાનું જણાવી તેમાં વપરાયેલું મોટરસાયકલ, ત્રણ મોબાઈલ, એક છરી અને લૂંટમાં ગયેલી રકમમાંથી રૃા.૧૩ લાખ ૧૦ હજારની રોકડ કાઢી આપી છે. એલસીબીએ કુલ રૃા.૧૩,૫૫,૧૦૦નો મુદ્દામાલ ઝબ્બે લઈ સઘન પૂછપરછ કરતા આ શખ્સોએ મોટા પાંચદેવડાના કિરીટ ખીમાભાઈ ડાંગર નામના શખ્સની ટીપ પરથી ઉપરોક્ત લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી છે. આજે પત્રકારો સમક્ષ ત્રણેય આરોપીઓને એસપી પી.બી. સેજુળે રજૂ કરી ઉપરોકત વિગતો આપી હતી અને કિરીટ ખીમા ડાંગરની શોધ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. આ શખ્સોને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરાઈ છે. કાર્યવાહીમાં પીઆઈ ડોડિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.એમ. લગારિયા, પીએસઆઈ વી.વી. વાગડિયા, સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઈ, બશીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, એચ.આર. જાડેજા, ભરત પટેલ, નાનજીભાઈ પટેલ, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ, મિતેશ પટેલ, નિર્મળસિંહ બી. જાડેજા, નિર્મળસિંહ એસ. જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, શરદ પરમાર, રામદેવસિંહ ઝાલા, દિલીપ તલાવડિયા, હરદીપ ધાધલ, કમલેશ ગરસર, પ્રતાપભાઈ ખાચર, દિનેશ ગોહિલ, લક્ષ્મણ ભાટિયા, એ.બી. જાડેજા, અરવિંદગીરી સાથે રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.