Abtak Media Google News

બ્લેક કલરના એક્ટિવા પર આવેલા શખ્સોએ મધરાતે પથ્થર મારી કાચ ફોડયાના સીસીટીવી ફુટેજ મળ્યા

 

અબતક,રાજકોટ

શહેરમાં કારના કાચ ફોડી વિકૃત આનંદ મેળવતી ગેંગ ફરી સક્રીય બની હોય તેમ ગત મધરાતે હાથખાનામાં પાર્ક કરેલી ભાજપ અગ્રણીની બે કાર સહિત ત્રણ કારના કાચ ફોડી નુકસાન કર્યાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી કાચ ફોડી બાગી છુટેલા શખ્સોની શોધખોળ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હાથીખાનામાં આવેલી રામ મઢી સામે રહેતા ગૌતમભાઇ નિર્મળભાઇ કાનગડ અને તેમના પાડોશી નિલેશભાઇ સોનીની કારના કાચ ફોડી નાખ્યા અંગેની હેમલભાઇ ભરતભાઇ કાનગડે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરના પૂર્વ મેયર ઉદયભાઇ કાનગડના પિતરાઇ અને રાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય ગૌતમભાઇ કાનગડે પોતાની જી.જે.3જેઆર. 5077 નંબરની ઇનોવા, નવી નકોર અમેજ કાર અને પાડોશી નિલેશભાઇ સોનીની જી.જે.3એચએ. 5891 નંબરની માઇક્રા કારના ગત મધરાતે અજાણ્યા શખ્સોએ કાચ ફોડી નાખ્યાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પી.આઇ. સી.જે.જોષી, પી.એસ.આઇ. જે.એમ.ભટ્ટ, એએસઆઇ ભરતસિંહ ગોહિલ, હારૂનભાઇ ચાનીયા અને વિરલભાઇ સહિતના સ્ટાફે સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથધરી છે.

પેલેસ રોડ પર જયરાજ પ્લોટ તરફથી બ્લેક કલરના એક્ટિવા ત્રણ શખ્સો રાતે 3.51 કલાકે ઘસી આવ્યા હતા. ત્રણેય શખ્સએ રસ્તામાંથી પથ્થર વિણીને ગૌતમભાઇ કાનગડની બે કાર અને નિલેશભાઇ સોનીની એક કારના કાચ પર પથ્થર મારી ફોડી નાખ્યા હતા તેમજ એક શખ્સે ઇનોવા કારના બોનેટ પર ડીસમીસ મારી કાણું પાડી ત્રણેય શખ્સો એક્ટિવા પર રામનાથપરા તરફ ભાગી ગયાના ફુટેજ મળ્યા હતા.પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી ભાગી છુટેલા શખ્સોની શોધખોળ હાથધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.