Abtak Media Google News

બપોર સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 19, વેસ્ટ અને ઇસ્ટ ઝોનમાં પાંચ-પાંચ મિલકતો સીલ: રૂા.80.40 લાખની વસૂલાત

અબતક, રાજકોટ

વર્ષોથી વેરા પેટે ફદીયુ પણ જમા ન કરાવનાર રીઢા બાકીદારો સામે કોર્પોરેશને લાલ આંખ કરી છે. ટેક્સની વસૂલાત કરવા માટે ખાસ રીક્વરી સેલ ઉભો કરવામાં આવ્યો છે. જે આજથી પૂરાજોશ સાથે કાર્યરત થઇ ગયો છે. આજે સવારથી ત્રણેય વોર્ડમાં બાકીદારો સામે હાર્ડ રિક્વરી શરૂ કરવામાં આવી હતી. બપોર સુધીમાં 29 મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. રૂા.80.40 લાખની વસૂલાત થવા પામી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે શહેરના વોર્ડ નં.4ના મોરબી રોડ પર મારૂતિનંદન ર્પાકમાં બે કોમર્શિયલ મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે વોર્ડ નં.7માં જીમ્મી ટાવરમાં કુલ 10 મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. વોર્ડ નં.12માં સહજાનંદ મારબલ પાસેથી રૂા.4.58 લાખનો વેરો વસૂલ કરવા માટે મિલકત સીલ કરી દેવામાં આવી હતી. વાવડી વિસ્તારમાં 4 ઇન્ડસ્ટ્રીયલમાં લેણાં પેટે બાકી નીકળતી રૂા.8.19 લાખની રકમ વસૂલ કરવા મિલકતો સીલ કરી દેવામાં આવી હતી.

વોર્ડ નં.13માં 150 ફૂટ રીંગરોડ પર આર.કે.પ્લોટમાં રૂા.10.46 લાખ વસૂલવા ત્રણ યુનિટ સીલ કરાયા, વોર્ડ નં.14માં મનશાતીર્થ એપાર્ટમેન્ટમાં રૂા.4.26 લાખનો બાકી વેરો વસૂલવા બે દુકાનો સીલ કરાઇ છે. આજે ટેક્સ રિક્વરી સેલ દ્વારા સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 19 મિલકતો સીલ કરવામાં આવી હતી અને રૂા.19.19 લાખની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે વેસ્ટ ઝોનમાં પાંચ મિલકતો સીલ કરવામાં આવતા રૂા.21.56 લાખ અને ઇસ્ટ ઝોનમાં પણ પાંચ મિલકતો સીલ કરવામાં આવી હતી અને રૂા.39.65 લાખની વસૂલાત કરવામાં આવી છે.

આ કામગીરી આસી.મેનેજર મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્સ ઇન્સપેક્ટર તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી.કમિશ્ર્નર કગથરા, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ સીલીંગ અને રીક્વરીની કામગીરી ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.