Abtak Media Google News

એપલ, સેમસંગ, વિવો અને ઓપો સહિતની કંપનીઓ માટે ડયુટી ક્રેડીટની રાહતોની વણઝાર: મેઈક ઈન ઈન્ડિયાને પ્રાધાન્ય આપવા વધુ એક ડગલુ

મેક ઈન ઈન્ડિયા થકી ભારતમાં વૈશ્ર્વિક કંપનીઓ ઉત્પાદન માટે પ્રોત્સાહિત થાય તે માટેના પગલા મોદી સરકારે લીધા હતા. ભારતમાંથી નિકાસ સતત વધે તેવું લક્ષ્ય સરકારનું છે. ચીનની જેમ ભારત પણ એકસ્પોર્ટ હબ બને તેના માટે ભારત સરકારે કર રાહતો આપવા સહિતના પગલા લીધા છે. તાજેતરમાં જ એપલ, સેમસંગ, હુઆઈ, વિવો અને ઓપો સહિતની મોબાઈલ કંપનીઓ ભારતમાં ઉત્પાદન વધારે તે માટે ડયુટી ક્રેડીટમાં રાહતો આપવાની નીતિ અપનાવાઈ હતી.

ભારતમાંથી સ્માર્ટ ફોનની નિકાસ વધે તે માટેના પગલા સરકારે લીધા છે. વર્તમાન સમયમાં ભારતમાંથી ૩ બીલીયન ડોલરના સ્માર્ટ ફોનની નિકાસ થઈ રહી છે. ૨૦૨૫ સુધીમાં આ નિકાસ વધીને ૧૧૦ બીલીયન ડોલરે પહોંચે તેવી ધારણા સરકારની છે. સરકાર મોબાઈલ ઉત્પાદક કંપનીઓને ડયુટી ક્રેડીટ સ્ક્રીપ વધારીને આપવા માંગે છે. આ એવું સર્ટીફીકેટ છે જે કસ્ટમ ડયુટીના પેમેન્ટ સમયે ઉપયોગમાં લઈ શકાય છે. એકંદરે કંપનીઓને રાહત થાય છે.

7537D2F3 19

આ મામલે સુત્રો પાસેથી મળતી વિગત મુજબ મોબાઈલ ઉત્પાદક કંપનીઓએ સરકાર પાસે ૮ ટકા જેટલી ડયુટી ક્રેડીટની માંગણી કરી હતી. જો કે, સરકાર ૬ ટકા સુધી આપવા તૈયાર છે. વર્તમાન સમયમાં મોબાઈલ ઉત્પાદકોને ૪ ટકા ડયુટી ક્રેડીટ સ્લીપ મળી રહી છે. જો કે, કેટલાક મોબાઈલ ઉત્પાદકો આ ક્રેડીટનો ગેરલાભ ન લે તે માટે સરકાર નિયમો કડક બનાવવા જઈ રહી છે. આ સ્કીમ માટેના ધારા ધોરણોમાં સરકાર ફેરફાર કરે તેવી શકયતા છે. જે મોબાઈલ કંપનીઓ ભારતમાં મોબાઈલનું ઉત્પાદન કરવાની સાથે જ સપ્લાય ચેઈનને વિકસાવશે અને ઈકો સીસ્ટમને પ્રાધાન્ય આપશે તે કંપનીઓને જ ડયુટી ક્રેડીટ સ્ક્રીપ્ટનો લાભ અપાશે તેવું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

થોડા સમય પહેલા સરકારે વર્તમાનની એમઈઆઈએસ યોજનાના સ્થાને નવી નીતિ ઘડવાનો નિર્ણય લીધો હતો. આ નીતિમાં નિકાસને વધુ પ્રાધાન્ય આપવામાં આવે તે પ્રકારની ચર્ચા થઈ હતી. આવતા વર્ષથી યોજનાની અમલવારી થશે. જો કે હજુ સુધી કેન્દ્રીય કેબીનેટની મંજૂરી મળી નથી. હાલ વર્લ્ડ ટ્રેડ ઓર્ગનાઈઝેશનના નિયમોને પણ ભારત ધ્યાનમાં રાખી રહ્યું છે. કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે સરકારની યોજનાઓના કારણે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના નિયમોનો ભંગ તો થતો નથી ને ? તેનું પણ સરકાર ધ્યાન રાખી રહી છે. હાલ મોબાઈલ ઉત્પાદન ક્ષેત્રે ભારતની હરિફાઈ ચીન અને વિએટનામ સહિતના દેશો સાથે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.