Abtak Media Google News

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરથી ‘બાળ’ વેકસીનેશન અભિયાનનો કરાવ્યો પ્રારંભ

દેશમાં કોરોનાના નવા વેરીઅન્ટ ઓમિક્રોનના વધતા સંક્રમણ વચ્ચે ૧૫-૧૮ વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ આજથી શરૂ થયું છે. રવિવારે રાત્રે ૯ વાગ્યા સુધીમાં કોવિન પોર્ટલ પર ૧૫-૧૮ વર્ષની વય જૂથના કુલ ૬,૭૯,૦૬૪ કિશોરોએ રસીકરણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ૧૫-૧૮ વર્ષના બાળકોને રસી આપવા માટે કોવિન પોર્ટલ/એપ પર રજીસ્ટ્રેશન ૧ જાન્યુઆરીથી શરૂ થયું છે.

દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૫ ડિસેમ્બરે ૧૫-૧૮ વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાનની જાહેરાત કરી હતી. આ પછી રસીકરણની તૈયારીઓ ઝડપી બની ગઈ. આ એક રાષ્ટ્રીય રસીકરણ અભિયાન છે, જે અંતર્ગત દેશભરના બાળકોને કોવિડની રસી આપવામાં આવશે. કોવિન એપ ઉપરાંત કોવિડ રસીકરણ કેન્દ્ર પર જઈને પણ રસી લઈ શકાય છે. આ દરમિયાન આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે. આ વય મર્યાદાના બાળકોને ભારત બાયોટેકની રસી કોવેક્સિન આપવામાં આવી રહી છે.

રસી લીધા પછી પણ બાળકોએ કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું પડશે. જે રીતે કેટલાક રાજ્યોમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે તે મુજબ બેદરકારીને કોઈ અવકાશ નથી. બાળકોએ સમજવું પડશે કે રસી લેવાથી સંક્રમણનું જોખમ ઓછું જરૂર થઈ ગયું છે. એવું નથી કે રસી લીધા પછી તેમને ક્યારેય કોરોના થશે જ નહીં.

આ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓ, પ્રમુખ સચિવો, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ઉપરાંત મુખ્ય સચિવો સાથે વાતચીત કરી. તેમણે  રસીકરણના દિશા નિર્દેશોના સંપૂર્ણ પાલન કરવા  પર ભાર મુક્યો છે.  તેમણે આ કેટેગરીના લાભાર્થીઓ માટે રસીકરણ ટીમના મેમ્બર્સને રસીકરણ કેન્દ્રની ઓળખ સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે.

રાજ્યમાં પણ આજથી ૧૫ થી ૧૮ વયના કિશોરોના રસીકરણનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના કોબામાંથી બાળકોના રસીકરણ મહાભિયાનનો શુભારંભ કરાવ્યો. ગાંધીનગર નજીક કોબાની જી ડી કોબાવાલા હાઈસ્કૂલથી રસીકરણનો આરંભ કરાવ્યો. મુખ્યપ્રધાન થોડીવારમાં સ્કૂલમાં પહોંચી ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના સામે સુરક્ષા કવચ રૂપી વેક્સિનેશન ડ્રાઈવની રાજ્યમાં શરૂઆત થવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું.

મહત્વનું છે કે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ૯૩ જેટલી શાળાઓમાં અંદાજે ૨૦ હજાર બાળકોને આ રસીકરણમાં આવરી લેવા આરોગ્ય કર્મીઓની ૫૦ ટીમ કાર્યરત રહેવાની છે. અભિયાનમાં પ્રથમ દિવસે જ ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની ૧૩ શાળાઓના પાંચ હજાર બાળકોને વેક્સિન ડોઝ આપવાનું મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગનું આયોજન છે.

રાજ્યમાં ૩ થી ૯ જાન્યુઆરી સુધી ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે ૧૫-૧૮ વર્ષના બાળકો અને યુવાનોને કોવિડ-૧૯ ને કોરોના વેક્સિન અપાશે. રાજ્યમાં કુલ આશરે ૩૫ લાખ બાળકોને રસી આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત અમદાવાદના જ અઢી લાખ જેટલા બાળકોને વેક્સિન આપવામાં આવશે.

નિષ્ણાંતોના મત મુજબ રસી લીધા પછી બાળકોને તાવ,  રસી લાગેલી છે તે હાથમાં દુખાવો અથવા સોજો આવવો સામાન્ય બાબત છે. મોટા ભાગના કિસ્સાઓમાં, તાવ એક દિવસમાં ઉતરી જાય છે. આ વિશે ચિંતા કરવાની જરૂર નથી. રસીકરણ પછી આ બધા લક્ષણો સામાન્ય છે. આવું ઘણા લોકોને થાય છે. જો કે, બાળકમાં એલર્જીના ગંભીર લક્ષણો દેખાઈ રહ્યા છે અને સતત ઉંચો તાવ રહે છે અથવા ચક્કર આવી રહ્યા હોય, તો આ સ્થિતિમાં ડૉક્ટરનો સંપર્ક કરો. જ્યારે પણ બાળકને રસી આપવામાં આવે ત્યારે ઓછામાં ઓછો અડધો કલાક રસીકરણ કેન્દ્રમાં જ રહો.

કોરોના સંક્રમણ 12 અઠવાડિયાની ટોચ પર: કેસમાં 181%નો રેકોર્ડબ્રેક વધારો

દેશમાં હવે કોરોના મહામારીની ત્રીજી લહેર શરૂ થવાના આરે હોય તેવું લાગી રહ્યું છે. હાલ દેશમાં સંક્રમીતોની સંખ્યામાં 181% નો અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. અગાઉના સાત દિવસની તુલનામાં રવિવારે સમાપ્ત થતા અઠવાડિયામાં વાયરસના કેસ લગભગ ત્રણ ગણા વધી ગયા છે. ભારતમાં સપ્તાહ દરમિયાન (27 ડિસેમ્બર-2 જાન્યુઆરી) લગભગ 1.3 લાખ નવા કેસ નોંધાયા હતા. જે 12 સપ્તાહના સૌથી વધુ કેસ છે.

અગાઉના સપ્તાહની સંખ્યા 46073 ની સરખામણીમાં જે વ્યંગાત્મક રીતે મે 2020 ના મધ્ય પછી સૌથી નીચી હતી. દેશમાં મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં ચેપમાં આ સૌથી તીવ્ર સાપ્તાહિક વધારો હતો. અગાઉનો સૌથી વધુ વધારો વર્ષ 2021ના એપ્રિલ 5 થી 11 સુધીમાં બીજી લહેર દરમિયાન 71% નોંધાયો હતો. રવિવારે સમગ્ર દેશમાં કોરોનાવાયરસના 33,703 નવા કેસો મળી આવ્યા હતા.

કોવિડ ડેટાબેઝ મુજબ અગાઉના દિવસની 27,747 ની ગણતરી કરતાં વધુ 21% વધારો થયો છે.  આવો તીવ્ર વધારો અન્ય દેશોમાં ઓમીક્રોનના સંક્રમણ અહેવાલો સાથે સુસંગત છે, જો કે નવા પ્રકારથી સંક્રમિત લોકોની ટકાવારીનો હજુ યોગ્ય અંદાજ લગાવવામાં આવ્યો નથી. આ અઠવાડિયે કેસોની સંખ્યા પણ ભારતમાં 4-10 ઓક્ટોબર પછી સૌથી વધુ જોવા મળી હતી. લગભગ ત્રણ મહિના પહેલા જ્યારે 1.37 લાખ કેસ નોંધાયા હતા.

ડરામણી ઝડપથી વધતો કોરોના: પશ્ર્ચિમ બંગાળમાં લગાવાયું ‘મિનિ લોકડાઉન’

પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. શનિવારે પણ રાજ્યમાં કોરોનાના 4512 નવા કેસ સામે આવ્યા. શુક્રવારે 3451  કેસ સામે આવ્યા હતા. કોરોનાના મામલામાં આવી ઝડપ જોઈ હવે મમતા સરકારે રાજ્યમાં ’મીની લોકડાઉન’ લગાવી દીધું છે. સોમવારે એટલે કે, 3 જાન્યુઆરીથી રાજ્યમાં સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, સ્પા, બ્યૂટી પાર્લર, ઝૂ અને એન્ટરટેઈનમેન્ટ પાર્ક સંપૂર્ણ બંધ રહેશે. રાજ્યના મુખ્ય સચિવ એચ કે દ્વિવેદીએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, રાજ્યની બધા પ્રાઈવેટ અને સરકારી ઓફિસ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે. તે ઉપરાંત બધી વહીવટી બેઠકો વર્ચુઅલ રીતે થશે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને શનિવારે સંક્રમણના 4512  કેસ નોંધાયા હતા, જે ગત દિવસની સરખામણીમાં 1061 કેસ વધુ છે.

એકલા કોલકાતામાં 2398 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં શુક્રવારે 3451 કેસ સામે આવ્યા હતા, જેમાં કોલકાતાથી 1954 કેસ હતા. બંગાળમાં સંક્રમણનો દર અગાઉના દિવસના 8.46 ટકાથી વધીને 12.02 ટકા થઈ ગયો છે. પશ્ચિમ બંગાળમાં ઓમિક્રોનના વધુ બે કેસ સામે આવ્યા છે, તે પછી રાજ્યમાં તેના કુલ કેસોની સંખ્યા 16 થઈ ગઈ છે. આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, એક સંક્રમિત ઓડિશાથી આવ્યો છે, જ્યારે અન્ય એક શખસ રાજ્યના ઉત્તર 24 પરગણા જિલ્લાના પેટ્રાપોલમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઓમિક્રોન સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. અધિકારીએ કહ્યું કે, બંને સંક્રમિતોની કોલકાતામાં સારવાર ચાલી રહી છે. આ બંને મામલાની સાથે જ રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિત લોકોની કુલ સંખ્યા 16 થઈ ગઈ છે.

પોષતું એ મારતું :એન્ટીબોડી આત્મઘાતી સાબિત થઈ રહ્યું છે!!

એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોરોનાવાયરસ ચેપ રોગપ્રતિકારક પ્રતિભાવને ઉત્તેજિત કરી શકે છે જે પ્રારંભિક ચેપ અને પુન:પ્રાપ્તિની બહાર સારી રીતે ચાલે છે પછી ભલે લક્ષણો હળવા હોય કે એસિમ્પટમેટિક હોય. આ સંશોધન ’જર્નલ ઑફ ટ્રાન્સલેશનલ મેડિસિન’માં પ્રકાશિત થયું છે. જ્યારે લોકોને વાયરસ અથવા અન્ય પેથોજેનથી ચેપ લાગે છે, ત્યારે તેમના શરીર એન્ટિબોડીઝ નામના પ્રોટીનને મુક્ત કરે છે જે બહારથી આવેલા પદાર્થોને શોધી કાઢે છે અને તેમને કોષો પર આક્રમણ કરતા અટકાવે છે. મહત્વપૂર્ણ બાબત તો એ છે કે, અમુક કિસ્સાઓમાં શરીર ઓટોએન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે જે સમય જતાં શરીરના પોતાના અંગો અને પેશીઓ પર હુમલો કરી શકે છે. સંશોધકોઓએ શોધી કાઢ્યું છે કે અગાઉ ચેપગ્રસ્ત થયેલા લોકો સંપૂર્ણપણે સ્વસ્થ થયા પછી છ મહિના

સુધી વિવિધ પ્રકારના ઓટોએન્ટિબોડીઝ ધરાવે છે.  આ અભ્યાસ પહેલા સંશોધકો જાણતા હતા કે કોવિડ -19 ના ગંભીર કેસ રોગપ્રતિકારક શક્તિને એટલો ભાર આપી શકે છે કે ઓટોએન્ટિબોડીઝ ઉત્પન્ન થાય છે. હવે એન્ટીબોડી આત્મઘાતી હુમલો કરી શકે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે જે ચિંતાનો વિષય છે.

મુંબઇ, દિલ્લી સહિતના મહાનગરોમાં કેસમાં ધરખમ વધારો: મૃત્યુદર નહીંવત

મહારાષ્ટ્રમાં રવિવારે ઓમિક્રોન વેરિયન્ટના 50 નવા કેસ મળ્યાં છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 500 ને પાર પહોંચી ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને 1698 થઈ ગયા છે. જેમાંથી 580 લોકો સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્રમાં 11,877 નવા કોરોનાને કેસ પણ નોંધાયા છે જેમાંથી 8036 કેસ એકલા મુંબઈના છે.

મુંબઈમાં નવા કેસમાં 27%નો વધારો થયો છે. જો કે, ગઈકાલે મહારાષ્ટ્રમાં એક પણ મોત થયા નથી. શનિવારે અહીં 6347 પોઝિટિવ કેસ મળ્યા હતા. તો દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 3194 કેસ નોંધાયા છે. શનિવારે અહીં કોરોનાના 2716 કેસ નોંધાયા હતા. હાલ રાજ્યમાં 42,024 કોરોનાના એક્ટીવ કેસ છે. પરંતુ રીકવરી રેટ 97.21% છે. આ માહિતી રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપે દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે.

હાલ કોરોનાનું સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તેને જોતા ત્રીજી લહેરની આશંકા વધતી જાય છે. લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રવિવારે મુંબઈમાં 8063 કોરોના કેસ નોંધાયા છે. શનિવારે 6347 કેસ નોંધાયા હતા. રાહતની વાત એ છે કે રવિવારે મુંબઈમાં કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. બીજી તરફ કોરોનાનો નવો વેરીઅન્ટ એટલે કે ઓમિક્રોનના દર્દીઓ પણ વધી રહ્યા છે. ત્યારે લોકોમાં ક્યાંકને ક્યાંક લોકડાઉનની ભીતી છે. હાલ રાજધાનીમાં વાયરસના 8397 એક્ટિવ કેસ છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે રાજધાનીમાં પોઝિટિવિટી રેટ વધીને 4.59%એ પહોંચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.