Abtak Media Google News

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તાકીદની બેઠક બોલાવી: કોરોનાના વધતા સંક્રમણ વાયબ્રન્ટ ગુજરાતની તૈયારી સહિતના મુદ્દે ચર્ચાઓ

એક જ દિવસમાં રાજ્યમાં ઓમિક્રોનના નવા 9 કેસ મળી આવ્યા ! કોરોનાના પણ 91 કેસ નોંધાતા સરકાર ચિંતીત

ગુજરાતમાં નવા વેરિએન્ટ ઓમિક્રોન અને કોરોનાના કેસમાં ઉછાળો નોંધાતા રાજ્ય સરકારની ઉંઘ હરામ થઇ ગઇ છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તાકીદની સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં કોવિડનું સંક્રમણ રોકવા માટે આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર કામગીરી તથા વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંગે ચર્ચા-વિચારણાં કરી હતી. બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રી તથા આરોગ્ય સચિવ સહિતના લોકો ઉ5સ્થિત રહ્યા હતાં. ગઇકાલે એક જ દિવસમાં ઓમિક્રોનના નવા 9 કેસ અને કોરોનાના 91 કેસ નોંધાયા હતા અને બે દર્દીઓના મોત પણ નિપજ્યા હતાં.

બુધવારે ગુજરાતમાં કોરોનાના નવા 91 કેસ નોંધાયા હતા જ્યારે 41 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. બે વ્યક્તિના કોરોનાથી મોત નિપજ્યા હતાં. અમદાવાદમાં 25 કેસ, સુરત કોર્પોરેશનમાં 16 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 10 કેસ , રાજકોટ જિલ્લામાં 8 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 7 કેસ, વલસાડમાં 6 કેસ, જામનગર કોર્પોરેશનમાં 5 કેસ, નવસારીમાં 4 કેસ, ગીર સોમનાથ જિલ્લામાં 2 કેસ, ખેડામાં 2 કેસ, વડોદરા જિલ્લામાં 2 કેસ, અમદાવાદ જિલ્લામાં 1 કેસ, કચ્છ જિલ્લામાં 1 કેસ, સુરત જિલ્લામાં 1 કેસ, તાપી જિલ્લામાં 1 કેસ નોંધાયો હતો. હાલ રાજ્યમાં કોરોનાના કુલ 637 એક્ટિવ કેસ છે. જે પૈકી 9 દર્દીઓ વેન્ટીલેટર પર અને 628 દર્દીઓ હાલ સ્ટેબલ છે. આજ સુધીમાં કોરોનાથી 10106 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જ્યારે 818051 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેવભૂમિ દ્વારકા અને સુરતમાં એક-એક દર્દીનું બુધવારે મૃત્યુ નિપજ્યું હતું.

રાજકોટમાં બુધવારે એરપોર્ટ રોડ પર વિમાનગરમાં 12 વર્ષીય છાત્રા કે જે તાન્ઝાનીયાથી આવી છે. તે કોરોનાથી સંક્રમીત થઇ છે. આ ઉપરાંત શ્રોફ રોડ પર 65 વર્ષીય પુરૂષ, 28 વર્ષીય મહિલા તથા 68 વર્ષીય મહિલા એમ એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોનાના સંકજામાં સપડાયા છે. વોર્ડ નં.9માં રૈયા રોડ પર પેરેડાઇઝ હોલની સામે 17 વર્ષનો કિશોર, વોર્ડ નં.8માં અમિન માર્ગ પર 49 વર્ષીય મહિલા, સૂર્યાદય સોસાયટીમાં 35 વર્ષીય યુવાનને કોરોના વળગ્યો છે. શહેરમાં હાલ કોરોનાના 57 એક્ટિવ કેસ છે. આ ઉપરાંત જિલ્લામાં પણ 8 કેસ નોંધાયા છે.

જેમાં ઉપલેટા શહેરમાં 2 કેસ, ધોરાજીના સુપેડીમાં 1 કેસ, જામકંડોરણામાં 1 કેસ, માંડા ડુંગરમાં 1 કેસ, ત્રંબામાં 3 કેસ નોંધાયા છે. જેમાં 2 વિદ્યાર્થીઓ ઓમિક્રોન સંક્રમીત વ્યક્તિના સંપર્કમાં આવતા કોરોનાના સંકજામાં સપડાયા છે.

બુધવારે ગુજરાતમાં એક જ દિવસમાં ઓમિક્રોનના 9 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 5 કેસ, આણંદમાં 2 કેસ અને મહેસાણામાં 2 કેસ નોંધાયા છે. મહેસાણામાં જે 2 વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમીત થયા છે તે બંને વ્યક્તિઓ અગાઉ ઓમિક્રોન પોઝિટીવ દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા. જ્યારે આણંદમાં તાન્ઝાનીયાથી આવેલા બે પુરૂષનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

અમદાવાદમાં યુ.કે., તાન્ઝાનીયા, દુબઇ અને કોંગો (આફ્રિકા)થી આવેલા પાંચ વ્યક્તિઓનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.રાજ્યમાં અત્યાર સુધી ઓમિક્રોનના કુલ 23 કેસ નોંધાયા છે. જેમાં જામનગરમાં 3 કેસ જે તમામને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. સુરતમાં બે કેસ જે પૈકી 1 દર્દીને રજા આપી દેવામાં આવી છે. ગાંધીનગરમાં 1 કેસ, મહેસાણામાં 3 કેસ, વડોદરામાં 3 કેસ, આણંદમાં 3 કેસ, અમદાવાદમાં 7 કેસ અને રાજકોટમાં 1 કેસ નોંધાયો છે. હાલ ઓમિક્રોન વેરિએન્ટ ધરાવતા 19 દર્દીઓ સારવાર હેઠળ છે.

રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસમાં વધારો નોંધાતા રાજ્ય સરકારની ચિંતા વધી ગઇ છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં કોરોનાના વધતા કેસ અને વાયબ્રન્ટ સમિટ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.