Abtak Media Google News

જો પૈસા જેવી ભૌતિકવાદી વસ્તુઓ જ આપણા સુખનું કારણ હશે તો પછી એવું સમજી લેવું જોઈએ કે આપણે જાતે જ પોતાના સુખની ડોર નશીબને, આસપાસ ચાલતી પ્રવૃત્તિઓ અને લોકોને આપી દીધી છે

ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ, આ દિવસ મનાવવાની શરૂઆત વર્ષ 2013 થી થઈ હતી. હેપીનેસ મનાવવાની જાહેરાત કરી હતી ત્યારબાદ દુનિયાભરના લોકો આ દિવસ ઉજવતા થઈ ગયા છે. આ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ લોકો ને અહેસાસ એ કરાવવાનો છે કે માત્ર આર્થિક વિકાસ જ જરૂરી નથી પણ લોકોની ખુશી અને સુખાકારી પણ એટલા જ મહત્વના છે.વર્તમાન સમયમાં દરેક જગ્યાએ સમાજમાં ચાલી રહેલા દંભ,વધુ પડતા કામના કારણે સતત તનાવપૂર્ણ રહેતું મન હોવાને કારણે એવા દિવસો આવી ગયા છે કે સમાજને સુખના દિવસો માણવા પડે છે !

Advertisement

ખરેખર તો હેપીનેસ  આનંદ, સુખ માટેનો કોઈ નિશ્ચિત્ત દિવસ હોતો જ નથી,ન જ હોવો જોઈએ. માણસે દરેક પરીસ્થિતિમાં પોતાના મગજનું માનસિક સંતુલન જાળવીને સુખી થવાનો, આનંદિત રહેવાનો પ્રયત્ન સતત કરતો રહેવો જોઈએ. અહીં પ્રશ્ન એ છે કે આપણે સુખ કોને કહીએ છીએ ? વધુ પૈસા, લક્ઝરીયસ લાઈફ, ઉચ્ચ જીવનધોરણ વગેરે કે પછી આત્મસંતોષ ? જો પૈસા જેવી ભૌતિકવાદી વસ્તુઓ જ આપણા સુખનું કારણ હશે તો પછી એવું સમજી લેવું જોઈએ કે આપણે જાતે જ પોતાના સુખની ડોર નસીબને, આસપાસ ચાલતી પ્રવૃતિઓ અને લોકો ને આપી દીધી છે.

સ્વના સુખનો, આનંદ નો આધાર કોઈ અન્ય પર રહેતો હોય ત્યારે એનો સીધો જ અર્થ થશે કે જે-તે સમય, પરીસ્થિતિ કે માણસ આપણને દુ:ખી કરી શકશે. કહેવાય છે કે જેની પાસેથી સુખની અપેક્ષા કરીએ છીએ અજાણતા જ તેને આપણે દુ:ખી કરવાનો અધિકાર પણ આપી દઈએ છીએ.

તેને બદલે જો જાત પાસેથી જ સુખી રહેવાની, આનંદિત રહેવાની અપેક્ષા રાખીએ તો ? વર્તમાન સમયમાં વધતા જતા આધુનિકીકરણ પાછળ લોકોની કંઇક નવું મેળવવાની ઈચ્છાઓ,અપેક્ષાઓ વધી છે જેથી દરેક વ્યક્તિ વધુ કમાવવા અને ઉચ્ચ જીવનધોરણ જીવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે અને પછી જયારે ઈચ્છા મુજબનું પરિણામ પ્રાપ્ત નથુ થતું ત્યારે માનસિક અશાંતિ અનુભવે છે જેથી ઘણી વખત જાતથી હારીને વ્યક્તિ ક્યારેક સ્યુસાઈડ માર્ગે દોરાય છે જે અત્યંત દયનીય અને અનિચ્છનીય બાબત છે.

જો દરેક પરિસ્થીતીમાં આનંદિત રહીને આત્મસંતોષી બનીને જાત પાસેથી સુખની અપેક્ષા રાખીશું તો ઉદાસ કે નિરાશ નહીં રહીએ. આનંદ ક્યારેય ભૌતિકવાદી ચીજોથી પ્રાપ્ત થતો નથી. એ હંમેશા દિલથી પ્રગટે છે. જો આધ્યાત્મિક રીતે સુખની વાત કરીએ તો એ દરરોજ યોગ  પ્રાણાયામ કરવાથી, સારા પુસ્તકો વાંચવાથી, કોઈ કલા સાથે સતત જોડાયેલા રહેવાથી પ્રાપ્ત થઈ શકે છે.તેમ જીવદયા પ્રેમી મિતલ ખેતાણી જણાવે છે. વર્ષ 2020માં યુ.એનના વર્લ્ડ હેપીનેસ રીપોર્ટ મુજબ વિશ્વમાં સૌથી વધુ સુખી દેશ ફિનલેન્ડને માનવામાં આવે છે ત્યારબાદ ડેન્માર્ક,સ્વીત્ઝ્રરલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે, નેધરલેંડ, સ્વીડન, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રિયા, લક્સમ્બર્ગ, કેનેડા, ઓસ્ટ્રેલીયાનો ક્રમ આવે છે અને આમાં ભારતનો ક્રમ 144 મો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.