Abtak Media Google News

આજે દક્ષિણ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે નવું સોપાન ઉમેરાયું છે. સુરત ખાતે રૂપિયા 200 કરોડના ખર્ચે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા અત્યાધુનિક હોસ્ટેલ નિર્માણ પામનાર છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની હોસ્ટલના ફેઝ-1ના કામનું આજરોજ પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુલી ખાતમૂહુર્ત કર્યુ છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યના વખાણ કરી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પણ પ્રસંશા કરી હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે સરદારના સંસ્કારને ગુજરાતે આગળ વધાર્યા છે. શિક્ષણ જ સમાજના સશક્તિકરણનું માધ્યમ છે. શિક્ષણના નવા સોપાનથી સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક વિદ્યાર્થીઓને નવી દિશા મળશે.

સુરતના કાર્યક્રમમાં પીએમ મોદીએ સંબોધન કરતાં તેમણે ગુજરાત પાસેથી શિખેલી એક બાબત પર જણાવ્યુ હતું. પીએમ મોદીની આ વાત પરથી દરેક ગુજરાતીને ગૌરવ થશે અને એ વાત છે… સૌનો સાથ, સૌનો વિકાસ. વડાપ્રધાને કહ્યું કે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’નો મતલબ શું થાય એ મેં ગુજરાત પાસેથી શીખ્યું છે. મતલબ કે ગુજરાત રાજ્ય પહેલેથી જ સૌના સાથ, સૌના વિકાસને માનનારું રાજ્ય છે. અહી દરેક વર્ગનો એકસમાન વિકાસ જ રાજ્ય સરકારની નેમ છે. ભાજપે આજ સુધી જે જ્વલંત સફળતા મેળવી છે તે આ સૌના સાથ, સૌના વિકાસના નામે જ મેળવી છે અને આ સૂત્રની પ્રેરણા વડાપ્રધાન મોદીને ગુજરાત પાસેથી મળી એ દરેક ગુજરાતી માટે ગૌરવપૂર્ણ જ ગણાય. તેમણે કહ્યું કે સરદાર પટેલના સંસ્કારને ગુજરાતે આગળ ધપાવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશે જણાવ્યુ હતુ કે, એક સાથી કાર્યકર્તાના રૂપમાં ભુપેન્દ્ર પટેલ સાથે મારો સંબંધ 25 વર્ષ જૂનો છે. આ આપણા સૌ માટે ગર્વની વાત છે કે, ભુપેન્દ્રભાઇ જે ટેક્નોલોજીના પણ જાણકાર છે અને જમીન સાથે પણ એટલા જ જોડાયેલા છે. વિવિધ સ્તર પર કામ કરવાનો તેમનો અનુભવ ગુજરાતના વિકાસમાં ખુબ જ કામ લાગશે.

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે હું ખુશ છુ કે, આજે આવા અનુભવી વ્યક્તિ ગુજરાતની વિકાસયાત્રાને ઝડપથી આગળ વધારવા ગુજરાતનુ નેતૃત્વ કરી રહ્યા છે. 25 વર્ષ સુધી મોટા પદો પર રહ્યા બાદ પણ ભુપેંદ્રભાઇને નામે કોઇ વિવાદ નથી. ભૂપેન્દ્રભાઇ ઓછુ બોલે છે પણ ક્યારેય કાર્યમાં કોઇ કમી આવવા દેતા નથી. તેઓ એક મૂકસેવક રીતે કાર્ય કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.