Abtak Media Google News

40 પુરૂષ અને 14 મહિલાની ભારતીય ટીમ ટોક્યો પહોંચશે: ટોક્યો પેરાલિમ્પિક પર કોરોનાનો ખતરો: પેરાલિમ્પિક વિલેજમાં એક પોઝિટિવ કેસ

ટોક્યો ઓલમ્પિકમાં ઝળહળતા પ્રદર્શન બાદ હવે ટોક્યો પેરાલિમ્પિક-2020 માટે ભારતની સૌથી મોટી ટીમ ભાગ લેવા તૈયાર છે. જેમાં ભારતીય ટીમમાં 40 પુરુષો અને 14 મહિલાઓ ભાગ

લેવા પહોંચશે. પરંતુ હાલ ટોક્યો પેરાલિમ્પિક પર કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ટોક્યો પેરાલિમ્પિક વિલેજમાં હાલ કોરોનાનો એક કેસ નોંધાયો છે.

ટોક્યો પેરાલિમ્પિક 2020માં માત્ર 4 દિવસ બાકી છે. 24 ઓગસ્ટથી થનાર ગેમ્સમાં ભારતના 54 પેરા-એથ્લેટિક્સ ભાગ લેશે. જેમાં 40 પુરુષ અને 14 મહિલા ખેલાડી છે. આ પેરાલિમ્પિકમાં ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ટીમ છે. રિયો ગેમ્સમાં ભારતના 19 ખેલાડીઓ હતા અને 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 કાંસ્ય પદક જીત્યા હતા.

ભારતને મેડલની સૌથી વધુ અપેક્ષા જેવલિન થ્રોઅર દેવેન્દ્ર ઝાઝરિયા, સંદીપ ચૌધરી અને મરિયપ્પન પાસેથી છે. ઝાઝરિયાએ 2004 અને 2016 માં ગોલ્ડ જીત્યો હતો. જ્યારે સંદીપ વર્લ્ડ ચેમ્પિયન છે. ભારતીય ચાહકો ડીડી સ્પોર્ટ્સ પર પેરાલિમ્પિક જોઇ શકશે.

પેરાલિમ્પિકમાં પહેલીવાર ભારતીય મહિલા શૂટર પણ ભાગ લેશે. રુબિના ફ્રાન્સિસ અને અવની લેખરા રમશે. 19 વર્ષની બેડમિન્ટન ખેલાડી પલક કોહલી ગેમ્સમાં ભાગ લેનાર સૌથી યુવા ખેલાડી છે. સૌથી વધુ 8 જેવલિન થ્રોઅર ભાગ લેશે.

આ ટોક્યો પેરાલિમ્પિકમાં તમિલનાડુના મરિયપ્પન નામનો ખેલાડી 5 વર્ષનો હતો ત્યારે ટ્રક સાથેના અકસ્માતમાં પગ ગુમાવી દેવો પડ્યો હતો. નાનપણમાં મરિયપ્પનને વોલીબોલ રમવું ગમતું હતું. તેના શિક્ષકે જ તેને હાઈ-જંપની સલાહ આપી. મરિયપ્પને 14 વર્ષની ઉમરમાં પહેલીવાર હાઈ-જંપમાં ભાગ લીધો. તે પણ સામાન્ય ખેલાડીઓની સાથે. તે બીજા નંબરે આવ્યો. મરિયપ્પન કહે છે કે હું મારી જાતને ક્યારેય સક્ષમ બાળકોથી અલગ માનતો નથી. 2013માં નેશનલ પેરા-એથ્લેટિક્સમાં કોચ સત્યનારાયણે તેની પ્રતિભાને ઓળખી અને તેને કોચિંગ આપવાની સાથે બેંગલુરુ લઇ ગયો. ત્યાંથી જ મરિયપ્પનની કારકિર્દીની શરૂઆત થઇ.

ઉલ્લેખનીય છે કે ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં ખુબ સારું પ્રદર્શન કર્યું હતું જેના પગલે હવે પેરાલિમ્પિકમાં પણ સારું પ્રદર્શન રહે તેવી આશા સૌ દેશવાસીઓમાં જાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.