Abtak Media Google News

સફાઈ કામદારોની ભરતી પ્રશ્ને ચાલતું આંદોલન વધુ ઉગ્ર બન્યું

મહાપાલિકા દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી કાયમી સફાઈ કામદારની ભરતી કરવામાં આવી ન હોય અખિલ વાલ્મિકી સમાજ સફાઈ કામદાર સુવર્ણ વિકાસ ટ્રેડ યુનિયન દ્વારા છેલ્લા ૩ દિવસથી કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ઉપવાસ છાવણી શ‚ કરવામાં આવી છે. ગઈકાલે સફાઈ કર્મચારીઓ, યુનિયન લીડર અને સમાજના આગેવાનો દ્વારા રૂપિયા ભેગા કરી મ્યુનિ.કમિશનરને અનુદાન પેટે આપવામાં આવ્યા હતા. દરમિયાન આજે સફાઈ કામદારોએ પોતાના પડતર પ્રશ્ન અંગે ઉગ્ર રજુઆત કરી હતી. આવતીકાલે ૩૮૦૦ સફાઈ કામદારો એક દિવસની માસ સીએલ પર ઉતરી જશે અને સફાઈ કામગીરી ખોરવી નાખશે.

Advertisement

આજે સફાઈ કામદારોએ યુનિયન લીડર, સમાજના આગેવાનનું લોહી એકત્ર કરી આ લોહીની બોટલ અર્પણ કરવાનો કાર્યક્રમ આપ્યો હતો જોકે તેને સતાવાર મંજુરી આપવામાં આવી ન હતી છતાં સફાઈ કામદારોએ એક બોટલમાં લોહી એકત્ર કર્યું હતું. પડતર પ્રશ્ન અંગે મેયર અને અધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી. હમારી માંગે પુરી કરો, સફાઈ કામદારોની ભરતી કરો જેવા નાદથી કોર્પોરેશન કચેરી ગુંજી ઉઠી હતી. આવતીકાલે શહેરના ૨૩૫૦ કાયમી સફાઈ કામદારો અને ૧૩૫૦ કોન્ટ્રાકટ બેઈઝ સફાઈ કામદારો સહિત અંદાજે ૩૮૦૦ જેટલા કામદારો એક દિવસની માસ સીએલ પર ઉતરી જશે. જેના કારણે શહેરમાં કાલે સફાઈ કામગીરી સજજડ બંધ રહેશે.

આવતીકાલે સફાઈ કર્મચારીઓ, યુનિયન લીડરો, સમાજના પટેલો અને આગેવાનો સવારે ૧૦ કલાકે હોસ્પિટલ ચોકમાં ચીનાજીબાપુની આગેવાનીમાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકત્રિત થઈ પુષ્પગુચ્છ અર્પણ કરી ત્યાંથી જયુબીલી સુધી રેલી કાઢશે. જયાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ઉપવાસી છાવણીએ ભેગા થઈ કમિશનરને આવેદન પાઠવશે છતાં જો નિર્ભર તંત્ર નહીં જાગે તો આગામી દિવસોમાં આત્મવિલોપન સહિતના ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે.

હડતાલ પડે તો પણ વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ: મ્યુ.કમિશનર

કાયમી અને કોન્ટ્રાકટ બેઈઝ ૩૮૦૦ જેટલા સફાઈ કર્મચારીઓ આવતીકાલે એક દિવસ માટે માસ સીએલ પર ઉતરી જવાના છે જેના કારણે શહેરની સફાઈ કામગીરી ખોરવાઈ જશે. હાલ રોગચાળાની સીઝનમાં સફાઈ ન થવાના કારણે અનેક પ્રશ્નો ઉભા થાય તેવી દહેશત વર્તાય રહી છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સફાઈ કામદારોની હડતાલ પડશે તો પણ શહેરમાં સફાઈ કામગીરી ન ખોરવાઈ તે માટે પુરતી વૈકલ્પિક વ્યવસ્થા હાલ ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.