Abtak Media Google News

દિલ્હીથી ચોરીના આરોપીને લઈ આવતા પોલીસની ફોર્ચ્યુન કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો

અબતક, રાજકોટ

ભાવનગરથી ઉચ્ચ પોલીસ અધિકારીની ટીમ જયપુર જવા રવાના

દિલ્હીથી ચોરીના આરોપીને લઈ ભાવનગર પોલીસને પરત ફરતી વેળાએ જયપુર પાસે ગામખ્વાર અકસ્માત નડતા ભાવનગરના 4 પોલીસ કર્મચારી સહિત 5ના ઘટના સ્થળ પર મોત નિપજતા ગુજરાત પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતાં જ ભાવનગરના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ જયપુર જવા માટે રવાના થઈ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જયુપર જિલ્લાના શાહપુરામાં ભાબરુ નજીક રાત્રે 2 વાગ્યાની આસપાસ ઝાડ સાથે કાર અથડાતાં ભાવનગરના ચાર પોલીસ જવાન અને એક આરોપીનાં મોત નીપજ્યાં છે.  ભાવનગર પોલીસના 4 કોન્સ્ટેબલ દિલ્હીથી આરોપીને લઇને પરત ફરી રહ્યા હતા એ સમયે જયપુર-દિલ્હી નેશનલ હાઈવે પર આ દુર્ઘટના ઘટી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 4 પોલીસ જવાનનાં મોત નીપજ્યાંની જાણ થતાં ગુજરાત પોલીસમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ભાવનગરના ભરતનગર પોલીસ મથકના ચાર કર્મચારી શક્તિસિંહ ગોહિલ, ભીખુભાઇ બુકેરા, ઇરફાન આગવાન અને મનુભાઈ આરોપીને પકડવા માટે દિલ્હી ગયા હતા. દિલ્હીથી આરોપીને પકડીને ચારેય પોલીસકર્મી ભાવનગર પરત ફરી રહ્યા હતા. પોલીસકર્મી જયપુર-દિલ્હી નેશનલ હાઈવે પર પહોંચ્યા ત્યારે તેમની ફોચ્ર્યુન કાર પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર અને ત્યાર બાદ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને ચાર પોલીસ જવાન સહિત આરોપીનું મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સ્થાનિક પોલીસને મૃતકો ગુજરાતના ભાવનગરના અને પોલીસ વિભાગના કર્મચારી હોવાનું માલુમ થતાં ભાવનગર પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. તથા રાહદારીઓ પણ તુરંત બચાવ કામગીરી હાથધરી હતી.

રાજસ્થાન મુખ્યમંત્રીએ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો

ભાવનગરના પોલીસ કર્મીઓના જયપુર પાસે અકસ્માતમાં મૃત્યુ અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દુ:ખ વ્યક્ત કર્યું છે. આ અંગે તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું છે હટી કે, “દિલ્હીથી ગુજરાત પરત ફરતી વખતે પોલીસના વાહન જયપુર ભાબરુ નજીક બનેલી દુર્ઘટનામાં 4 પોલીસ કર્મી સહિત 5 લોકોના મોતની જાણકારી મળી છે. શોકાતુર પરિવારને મારી સંવેદના, ઇશ્વર મૃતકોની આત્માને શાંતિ પ્રદાન કરે.”

રાજસ્થાન અકસ્માતમાં પોલીસકર્મીના મોત પર મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું

જયપુર પાસે અકસ્માતમાં ભાવનગરના પોલીસ જવાનના મોત પર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે,”દિલ્લીથી પરત આવતા જયપુર નજીક બનેલી દુર્ઘટનામાં 4 પોલીસકર્મી તેમજ 1 આરોપી સહિતના લોકોની માર્ગ અકસ્માતની જાણકારી મળી છે તે અત્યંત

દુ:ખદ છે.ઈશ્વર સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના. ૐ શાંતિ..!”

જયપુર માર્ગ અકસ્માત પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સાંત્વના પાઠવી

ભાવનગરના ચાર પોલીસ જવાનના જયપુર પાસે અકસ્માતમાં કરુણ મોત નિપજતા પોલીસબેડામાં શોકનો માહોલ છવાયો છે. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ શાંતવના પાઠવી હતી. તેઓએ કહ્યું હાથ કે,”દિલ્હીથી આરોપીને ઝડપી, ગુજરાત આવી રહેલ ગુજરાતના ચાર પોલીસ જવાનોનું રાજસ્થાનના , જયપુર પાસે ગંભીર અકસ્માતને લીધે નિધન થયાના સમાચાર અત્યંત દુ:ખદ છે. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અને એમના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.”

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.