Abtak Media Google News

છ વર્ષ પહેલા કાકા થયેલી હત્યાનો બદલો લીધો: ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત: કાર ચાલક સહિતના શખ્સોની શોધખોળ

ચુડા તાલુકાના કોરડા ગામના કાઠી દરબારને ગામના કોળી સમાજના યુવકે કારની અડફેટે ચડાવી મોત નીપજાવી દેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આરોપીના કાકાનું 2016માં કાઠી દરબારોએ ખુન કર્યું હોવાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. 6 વર્ષ પછી કાકાના મોતનો બદલો ભત્રીજાએ લીધો હોવાની પંથકમાં ચર્ચાએ જોર પકડયું છે.

ચુડા તાલુકાના કોરડા ગામના રણુભાઈ મેરૂભાઈ ખાચર (કાઠી) વસારાના માર્ગે આવેલ ખેતરમાં પાણીની મોટર ચાલુ કરવા જઈ રહ્યા હતા. તેમના ભત્રીજા શિવરાજ ખાચર ચુડા કોર્ટમાં જવા માટે રોડ ઉપર વાહનની રાહ જોઈ ઉભા હતા. ત્યારે કોરડા ગામનો જ અજીત કલાભાઈ અણીયાળીયા (કોળી) નામનો શખ્સ  કાર લઈને તેમની પાસે આવીને ઊભો રહ્યો હતો. અજીત કોળીએ શિવરાજભાઈને કહ્યું કે તમે કાઠીઓએ મારા કાકા મનસુખભાઈ કડવાભાઈ અણીયાળીયાનું ખુન કરી નાંખ્યું હતું. તેનું પરિણામ અત્યારે શું આવે છે તે તમને થોડીવારમાં ખબર પડશે. તેમ કહીં અજીત વસારાના માર્ગે ફૂલ ઝડપે કાર ભગાડી જતો રહ્યો હતો.

Screenshot 1 6

અજીત કોળી ગયા બાદ પંદરેક મિનિટ પછી રણુભાઈ ખાચર લોહી લુહાણ હાલતમાં રસ્તા પર પડયા હોવાના સમાચાર મળતાં શિવરાજભાઈ તેમના ભાઈને લઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રણુભાઈ ઘાયલ અવસ્થામાં ધુળમાટી અને લોહી લુહાણ કપડામાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચેલી હાલતમાં ઉભા હતા. ઘાયલ રણુભાઈએ શિવરાજભાઈને જણાવ્યું હતું કે તેમને પાછળથી કોઈ કારે ટક્કર મારી હતી. માથાના ભાગે કારનું ટાયર ચડાવી દીધું હતું. રણુભાઈને સારવાર અર્થે સુદામડા અને ત્યારબાદ સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર હોસ્પિટલના હાજર ડાક્ટરે રણુભાઈને મૃત જાહેર કર્યાં હતા. કોરડા ગામે ફરી એકવાર ખુનનો બનાવ બનતા ગામમાં કોઈ અણબનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. શિવરાજ ખાચરે ચુડા પોલીસ મથકે અજીત કલાભાઈ અણીયાળીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 6 વર્ષ પહેલા આરોપીના કાકાનું કાઠી દરબારોએ ખુન કર્યો હોવાનો કેસ ચાલુ છે.

કોરડા ગામે 6 વર્ષથી કોળી અને કાઠી દરબારો વચ્ચે વેર ચાલ્યું આવે છે. જાન્યુઆરી-2016માં દુધ ભરવા જેવી સામાન્ય બાબતે અજીત કલાભાઈ કોળીના કાકા મનસુખભાઈ કડવાભાઈ અણીયાળીયાનું 6 જેટલા કાઠી દરબારોએ ફરસી, તલવાર, પિસ્તોલ સહિતના હથિયારો વડે હુમલો કરી હત્યા કરી નાંખી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.