Abtak Media Google News

રૂપિયો દોડતો થશે 

અત્યાર સુધીમાં 35 જેટલા દેશોએ રૂપિયામાં વ્યાપાર કરવામાં રસ દાખવ્યો

રૂપિયાને વેગ આપવા સરકાર સતત પ્રયાસો કરી રહી છે. ગઈકાલે જાહેર થયેલ વિદેશ વેપાર નીતિમાં પણ સરકારે રૂપિયામાં વ્યવહારને પ્રોત્સાહન આપવાના તમામ પ્રયાસ કર્યાનું જણાવ્યું હતું. તેવામાં હવે મહત્વપૂર્ણ જાહેરાત થઈ છે કે ભારત અને મલેશિયા વચ્ચે પણ રૂપિયામાં વ્યાપાર થઈ શકશે. ભારત અને મલેશિયા વચ્ચે હંમેશા ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે. બંને દેશો વચ્ચે સમયાંતરે ઉચ્ચ સ્તરીય સમિટ પણ થાય છે.

આ બંને રાષ્ટ્રો આસિયાન જૂથમાં મહત્વની ભૂમિકા ભજવે છે.વેપારના સંદર્ભમાં પણ બંને દેશો વચ્ચે ઘણા સારા સંબંધો રહ્યા છે.  ભારતના વિદેશ મંત્રાલયે ભારત અને મલેશિયા વચ્ચેના વેપારને લઈને એક મહત્વપૂર્ણ માહિતી આપી છે. આ માહિતી બંને દેશો વચ્ચેના વેપારના ચલણ સાથે સંબંધિત છે.  વિદેશ મંત્રાલયનું કહેવું છે કે બંને દેશો વચ્ચેનો વેપાર હવે અન્ય કરન્સી ઉપરાંત રૂપિયામાં પણ થઈ શકશે.

અત્યાર સુધીમાં 35 દેશોએ ભારત સાથે રૂપિયામાં કારોબાર કરવામાં રસ દાખવ્યો છે.  રશિયા ઉપરાંત ભારતના પડોશી દેશો મ્યાનમાર, બાંગ્લાદેશ અને નેપાળ પણ આમાં સામેલ છે.  આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની વધુ માંગ છે.  અત્યાર સુધી ભારત દરેક વસ્તુની ચૂકવણી ડોલરમાં કરે છે.  આ માટે ભારત દ્વારા દર વર્ષે અબજો ડોલરનો ખર્ચ કરવામાં આવે છે.  જો ભારત પણ રૂપિયા દ્વારા આયાત કરવામાં આવતી વસ્તુઓ માટે ચૂકવણી કરે તો ડોલર પરની નિર્ભરતા ઘટી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.