Abtak Media Google News
  • મુંબઇ પાસિંગની ગાડીમાં રોકડ સાથે કોંગ્રેસના બેનર વીઆઇપી કાર સહિતના મુદ્ામાલ સાથે બેની અટકાયત તપાસમાં, એસ.આઇ.ટી. ટીમ, ઇન્કમટેક્સ અને ઇ.ડી. જોડાયાં, નવા કડાકા-ભડાકાના એંધાણ
  • રોકડ કોની હતી અને કોને આપવાની હતી તેની ઈડી કરશે તપાસ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લગભગ એક અઠવાડિયું બાકી છે, ત્યારે સુરતમાં એક કારમાંથી 75 લાખની રોકડ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. મહિધરપુરા પોલીસ સ્ટેશન નજીક એસએસટી ટીમે રોકડ સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે. ચૂંટણી સમયે રોકડ કે દારૂની ઘૂસણખોરી પર પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે, ત્યારે લાખોની રોકડ હાથ લાગતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન નજીક  ટીમ તૈનાત હતી, ત્યારે એક ઇનોવા કારને રોકી તેની તપાસ કરતાં લગભગ 75 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ કારનો રોકી તપાસ કરતાં જ કારમાં મોટી સંખ્યામાં ચલણી નોટોના બંડલો જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે રૂપિયા 75 લાખની રોકડ સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, કારમાંથી કોંગ્રેસનું પ્રચાર સાહિત્ય પણ મળ્યું છે. કારમાંથી કોંગ્રેસના પેમ્ફલેટ્સ મળી આવ્યા છે. આવામાં પોલીસ દ્વારા રોકડ કોની છે અને કોને આપવાની હતી, તે સહિતના તમામ પાસાની તપાસ કરવામાં આવી રહી છે.

મહત્વપૂર્ણ છે કે, સુરતમાં આદર્શ આચારસંહિતાના કડકાઈથી અમલ કરવા માટે અનેક ટીમો તૈનાત છે. જેમાં વીડિયો સર્વિલન્સ ટીમ અને ફ્લાઈંગ સ્કવોડ બનાવવામાં આવી છે અને શહેરમાં મોટી નાણાકીય રોકડ રકમ અને હેરફેર પર બાજનજર રાખવામાં આવી રહી છે. અત્યારે પોલીસ દ્વારા વિવિધ ચેક પોસ્ટ ઉભી કરી વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. બીજી બાજુ, રાજ્યની બોર્ડરો પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતમાં પ્રવેશતા તમામ મોટા રસ્તાઓ હાઇવે અને અંતરિયાળ રસ્તાઓ પર ચેકપોસ્ટો બનાવવામાં આવી છે. પડોશી સંઘપ્રદેશો અને રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

સુરત મધ્યમાંથી ઝડપાયેલી ઇનોવા કાર શહેરના મુખ્ય ચેકપોસ્ટમાંથી કેમ પસાર થઇ ગઇ તે અંગે અવઢવ ઉભી થઇ છે. મહારાષ્ટ્ર પાસિંગની કાર નં.એમ.એચ.03-ઇ-9907 મહારાષ્ટ્રની ટ્રાવેલીંગ એજન્સીના નામે પાસિંગ થયેલી છે. આ મોટરમાંથી ઉદય ગજ્જર અને મહંમદ ફૈઇઝ નામના બે યુવાનોની અટકાયત કરી પૂછપરછ કરતા તેમનો સાગ્રીત સંદિપ ફરાર થઇ ગયો છે. રાંદેરના મહંમદ ફૈઇઝ અને સંદિપની તપાસ દરમિયાન મોટરમાંથી કોંગ્રેસના બેનર-ઝંડાની સાથેસાથે વીઆઇપી પાર્કિંગ કાર્ડ મળી આવતા આ રૂપિયા કોંગ્રેસના છે કે કેમ કોઇ મોટું રાજકીય ષડયંત્ર છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉદય ગજ્જર નામનો શખ્સ દિલ્હીનો અને તેનો સાગરીત મહમંદ ફૈઇઝ સુરતનો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તેનો સાગરીત સંદિપ ફરાર થઇ ગયો છે અને તે કર્ણાટક હોવાનું બહાર આવ્યું છે. આ બનાવની તપાસમાં નવા કડાકા-ભડાકા થાય તેવું મનાઇ રહ્યું છે. હાલ આ બનાવમાં એસ.આઇ.ટી. ટીમ, ચૂંટણી પંચ, ઇન્કમટેક્સ અને હવે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ પણ જોડાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.