ખેતી બેંકમાં બે કરોડનું કૌભાંડ: મેનેજર, કારકૂન સામે ફરિયાદ

2014થી 2020 દરમિયાન ખેડૂતોના ભરપાઈ નાણા બેંકના ચોપડે જમા કર્યા નહીં

ખેડૂતોએ જમા કરાવેલા રોકડ નાણા અંગત ગણી વાપર્યા: બેંક ચોપડે નાણા જમા ન કર્યા અને ખેડૂતોને જમા કર્યાના, નો ડ્યુના કાગળો આપ્યા

અત્રેની ખેતી બેંકના પૂર્વ મેનેજર અને કારકુને ખેડૂતોએ લોન ભરપાઈ પેટે જમા કરાવેલા બે કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યાનું બહાર આવ્યું છે. પોલીસે બંનેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

તળાવની પાળે જુની આરટીઓ કચેરી પાસે આવેલી ખેતી બેંક ના પૂર્વ મેનેજર તથા કારકુને મસમોટું કારસ્તાન કર્યું હતું, અને બેંકના ખેડૂતોને ધિરાણની બે કરોડ ચાર લાખ જેટલી રકમ બેંકમાં જમા નહીં કરાવી બારોબાર ચાંઉ કરી જઇ ઉચાપત કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. પોલીસ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

તળાવની પાળે જુની આરટીઓ કચેરીમાં આવેલી ખેતી બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિરમજી પ્રતાપજી ઠાકોર એ જામનગરના સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં બેંકના જ પૂર્વ બેંક મેનેજર રાજકોટ ના વતની સહેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા તેમજ હાલમાં નિવૃત્ત થઈ ગયેલા અને અગાઉ કારકુન તરીકે ફરજ બજાવતા અને ધ્રોલમાં રહેતાં દિપકરામ જુગતરામ ભટ્ટ સામે બેંકની 2,04,21,997 ની રકમ બેંક ખાતામાં જમા નહીં કરાવી અંગત ઉપયોગમાં વાપરી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદના અનુસંધાને સીટી એ ડીવીઝન પોલીસે ગુનો નોંધ્યો છે, અને બેન્કમાંથી જરૂરી સાહિત્ય એકત્ર કરી બંને પૂર્વ કર્મચારીઓની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતો સહેન્દ્રસિંહ વિક્રમસિંહ કે જે અગાઉ 2014થી 2020 ની સાલમાં જામનગરની ખેતી બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો, જ્યારે ધ્રોલમાં ગાંધી ચોકમાં રહેતો દિપકરામ જુગતરામ ભટ્ટ કે જે કારકુન તરીકે તે સમયગાળા દરમિયાન ફરજ બજાવતો હતો. જોકે તે હાલ નિવૃત્ત થઈ ગયો છે. બંનેએ એકબીજા સાથે મિલાપીપણું કરીને જામનગર શહેર આસપાસના ગામોના ખેડૂતોની ધિરાણની રકમ કે જે હપ્તા પેટે ચૂકવવામાં આવતી હતી. જે તમામે કરી ખેડૂતો પાસેથી રોકડેથી મેળવી લીધા પછી બેંકમાં જમા કરાવી ન હતી અને ઉપરોક્ત રકમ બેંકમાં જમા થઈ ગઈ છે, તેવા ખોટા પ્રમાણપત્રો અને દાખલાઓ સહી સિક્કા અને નો ડ્યૂ સર્ટીફિકેટ વગેરે બનાવી લીધા હતા અને કુલ 2,04,21,997 ની રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. જેથી પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે.