Abtak Media Google News

બેંક કર્મચારીઓ સાથે આંગણવાડી કાર્યકરો, પોસ્ટ ઓફિસ, વિમા કંપનીના કર્મચારીઓ પણ હડતાલમાં જોડાયા: કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો ખોરવાશે

દેશના ૨૬ પબ્લીક સેકટરની બેંકના આશરે ૪૦ હજાર કર્મચારીઓ આજથી બે દિવસીય હડતાલ પર જઈ રહ્યા છે. જેમાં ગુજરાતના કર્મચારીઓ પણ જોડાવવાના છે. લઘુતમ વેતન વધારીને ૧૮ હજાર કરવા, નાના ઉધોગોને બચાવવા તેમજ બેરોજગારી હટાવીને નવી રોજગારી ઉભી કરવા સહિતના મુદ્દે બે દિવસની દેશવ્યાપી હડતાલ કામદાર સંગઠનો દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં બેંકો, પોસ્ટ ઓફિસ, વિમા કંપની, આંગણવાડી કાર્યકરો સહિતના હજારો કામદારો સામેલ થશે.

હડતાલ સંદર્ભે બેંકો સજજડ બંધ રહેશે. તેથી બે દિવસ સુધી કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો ખોરવાઈ જશે. આ ઉપરાંત બેન્ક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંક ત્રણ જાહેર બેંકોના સુચિત નેડાણના વધારા સાથે બેંક કર્મચારીઓ બેંકના ખાનગીકરણ માટે વિરોધ કરી રહ્યા છે. મહત્વનું છે કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સિવાય સમગ્ર ગુજરાતમાં જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ હડતાલમાં જોડાશે. જોકે તેઓ આ હડતાલના મુદ્દાને ટેકો આપશે અને કામકાજથી દુર રહેશે. આ સાથે રોકડ થાપણો ઉપાડ અને ચેક મંજુરી સહિત કોઈ ટ્રાન્ઝેકશન થઈ શકશે નહીં.

મહત્વનું છે કે બે દિવસની હડતાલને પગલે ઓનલાઈન ટ્રાન્ઝેકશન નેશનલ ઈલેકટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને રીઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ પણ અવરોધમાં આવશે. આ બે દિવસીય હડતાલમાં રૂ.૨૫ હજાર કરોડના ટ્રાન્ઝેકશનને અટકાવવામાં આવશે. સતત બે દિવસ માટે જાહેર ક્ષેત્રની બેંકોની હડતાલથી વ્યાપારી પ્રવૃતિમાં ભારે ઘટાડો થશે. દેશના જુદા જુદા ૧૦ કામદાર સંગઠનો દ્વારા દેશવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.