Abtak Media Google News

રાજકોટ તાબેના સરધાર ગામે વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના મહાન ઓલિયા મુલ્લા મામુજીપીર સાહેબનો ઉર્ષ મુબારક આજે મંગળવાર સાંજથી બુધવાર સાંજ સુધી ચાલશે. આ અંગે સરધારના મઝાર મુબારકમાં વિવિધ કાર્યક્રમોને અનુલક્ષીને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. આ ઉર્ષ મુબારક અનુસંધાને આજે રાજકોટ જસદણ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરો/ગામોમાંથી ઈજાર સાર્યા કુર્તા અને જાતજાતની ભાતભાતની રંગબેરંગી રીદાઓ જેવા ફાતેમી સ્ટાઈલ ડિઝાઈન વાળા વસ્ત્રોમાં બહોળી સંખ્યામાં દાઉદી વ્હોરા ભાઈ-બહેનો અને બાળકો સરધાર ગામે આવી તેમના મઝાર શરીફમાં મામુજી પીરને પુષ્પાંજલી અર્પણ કરશે. સરધારને જ પોતાની કર્મભૂમિ બનાવી ત્યાં જ વર્ષો પહેલા થનારા મુલ્લા મામુજીપીર સાહેબ આજીવન અલ્લાહની બંદગી અને સેવાવ્રત પાળી અનેકાએક લોકોના જીવનમાંથી અંધકાર દૂર કર્યો હતો. આ ઘટનાને વર્ષોના વ્હાણા વીતી ગયા હોવા છતાં સરધારમાં આવેલ તેમના મઝાર મુબારક પર વર્ષ દરમિયાન દેશ-વિદેશથી વ્હોરા બિરાદરો હજારોની સંખ્યામાં આવી તેમની તુરબત પર માથુ ટેકવી આસ્થાના ફૂલો ન્યોછાવર કરે છે. મુલ્લા મામુજી પીર સાહેબ દરેકની મનોકામના પૂર્ણ કરે છે એમ જામનગરના શ્રધ્ધાળુ અબ્બાસભાઈ એફ અત્તરવાળાએ જણાવ્યું હતું. આયોજકોએ આ વર્ષે ઠંડીને ધ્યાને રાખી વિશેષ સુવિધા ઉપલબ્ધ કરી છે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી આવનારા તમામ ભાવિકોની પાણીથી લઈ આરોગ્ય સુધીની કાળજી લેવામાં આવશે. ખાસ કરીને આ યાત્રાધામમાં શ્રધ્ધાળુઓને કોઈ હાલાકી કે તકલીફ વેઠવી ન પડે તે માટે બારેમાસ રૂમ અને ભોજનની પણ સુવિધા વિનામુલ્યે અપાય એવો બંદોબસ્ત કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.