Abtak Media Google News

બાણુગાર પાસે ટ્રકની ઠોકરે પોરબંદર ડેપ્યુટી કલેકટરના પુત્રનું અને લૈયારા પાસે કારની હડફેટે ચોટીલાના યુવાનના મોત: પદયાત્રી સંઘમાં ઘેરો શોક

હોળી-ધૂળેટીના તહેવાર નિમિતે મોટી સંખ્યામાં દ્વારકા જતા જુદા જુદા પદયાત્રા સંઘ પૈકી બે પદયાત્રી સંઘને ધ્રોલ પાસેના લૈયારા અને નાની બાણુગાર પાસે જીલવેણ અકસ્માત નડયા છે. ધ્રોલ નજીક માત્ર દસ કીમીના અંતરે સર્જાયેલા અકસ્માતમાં પોરબંદરના ડેપ્યુટી કલેકટરના પુત્રનું અને લૈયારા પાસે ચોટીલાના યુવાનના મોત નીપજતા શ્રધ્ધાળુઓમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ છે. બંને પદયાત્રી સંઘના છ વ્યક્તિઓ ઘવાતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધ્રોલ પાસેના નથુવડલા ગામના વતની અને પોરબંદર ખાતે ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા ચંદુલાલ ઓધવજીલાલ કગથરા પોતાના મોટા બાપુ નાગજીભાઇ ઓધવજીભાઇ કગથરા, મિત્ર રવજીભાઇ પનારા અને પ્રતિકભાઇ ભાલોડીયા સાથે હોળી-ધૂળેટીના તહેવાર નિમિતે ચાલીને દ્વારકા જઇ રહ્યા હતા. ગતરાતે નાની બાણુગાર પાસે પહોચ્યા ત્યારે પાછળથી પુર ઝડપે આવતા અજાણ્યા ટ્રકના ચાલકે ચારેયને હડફેટે લેતા સારવાર માટે જામનગર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા હિમાન્શુભાઇ કગથરાનું મોત નીપજ્યું છે. મૃતક હિમાન્શુભાઇ પોસ્ટઓફિસમાં ફરજ બજાવતા હતા.

જ્યારે પદયાત્રીઓને બીજો જીવલેણ અકસ્માત ધ્રોલ પાસેના લૈયારા ગામે બન્યો છે. ચોટીલા પીયાવા ગામે રહેતા હામાભાઇ રાજાભાઇ રબારી, રવિભાઇ મનસુખભાઇ ચાવડીયા, નાથાભાઇ ધરમશીભાઇ અને રાજાભાઇ સામતભાઇ ઘગેલ દ્વારકા ચાલીને જઇ રહ્યા હતા ત્યારે પદયાત્રા સંઘ ધ્રોલ પાસેના લૈયારા ગામ પાસે પહોચ્યો ત્યારે પાછળથી પુર ઝડપે આવતી જી.જે.3સીઆર. 6434 નંબરની કારના ચાલકે ચારેયને હટફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા રાજાભાઇ સામતભાઇનું મોત નીપજયું છે. અક્સ્માતમાં ઘવાયેલા અન્ય ત્રણને સારવાર માટે હોસિપ્ટલમાં દાખલ કરાયા છે. પદયાત્રી સંઘને હડફેટે લેતા રોષે ભરાયેલા પદયાત્રીઓએ કારમાં તોડફોડ કરતા ધ્રોલ પોલીસ ઘટના સ્થળે પહોચી વિફરેલા ટોળાને વિખેરી કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.