Abtak Media Google News

દરગાહ પાસે વેચાણ કરતા’તા: રૂ.૪૪ લાખનવો હેરોઇનનો જથ્થો કબ્જે: ડ્રગ્સ રેકેટના મુળ સુધી પહોચવા એસઓજીની કવાયત

રાજકોટ જિલ્લામાં માદક પદાર્થના વેચાણ અને હેરાફેરી અટકાવવા રૂરલ પોલીસ દ્વારા કડક ઝુંબેશ હાથધરી ચરસનો જથ્થો ઝડપી લીધા બાદ જિલ્લા એસઓજી ટીમે ગોંડલ નજીક સડક પીપળીયા ગામની દરગાહ પાસેથી રૂ.૪૪ લાખની કિંમતના હેરોઇન સાથે રાજકોટના બે શખ્સોને ઝડપી લીધા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતા મહેશ કરશન કોળી અને ઇમ્તિયાઝ અબ્દુલ ડોઢીયા નામના શખ્સો ગોંડલ નજીક આવેલા સડક પીપળીયા ગામની હજરત ગેહનશાપીરની દરગાહ પાસે માદક પદાર્થનું વેચાણ કરતા હોવાની જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને મળેલી બાતમીના આધારે એસ.ઓ.જી. પી.આઇ. એમ.એન.રાણા, પી.એસ.આઇ. વાય.બી.રાણા, હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, વિજયભાઇ ચાવડા અને દિનેશભાઇ ગોંડલીયા સહિતના સ્ટાફે માદક પદાર્થ અંગે મોડીરાતે દરોડો પાડયો હતો.

પોલીસના દરોડા દરમિયાન ઇમ્તિયાઝ અબ્દુલ ડોઢીયા અને મહેશ કરશન કોળી નામના શખ્સોને રૂ.૪૪ લાખની કિંમતના ૪૩૯ ગ્રામ હેરોઇન મળી આવતા પોલીસે બંનેની ધરપકડ કરી એક લાખની કિંમતની કાર અને બાઇક કબ્જે કરી બંને શખ્સો હેરોઇન કયાંથી લાવ્યા અને તેની સાથે અન્ય કોણ શખ્સો સંડોવાયા છે તે અંગેની પૂછપરછ કરવા રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.