Abtak Media Google News

જૂનાગઢના બેન્ક કર્મચારીએ રદી નોટ બદલવા રાજકોટના મિસ્ત્રી શખ્સને હવાલો સોપ્યાની કબૂલાત જૂનાગઢના મોટા માથાની રકમ હોવાની શંકા

રદ થયેલી રૂ.૧૦૦૦ અને ૫૦૦ના દરની જુની નોટ મળી આવતા તપાસનો ધમધમાટ

રૂ૧૦૦૦ અને ૫૦૦ના દરની નોટ બંધ કરાયાને દોઢ વર્ષ જેટલો સમય થયો હોવા છતાં જૂની નોટ બદલી આપવાના પાછલા બારણે કારોબાર થતો હોય તેમ જૂનાગઢ બેન્ક કર્મચારીરૂ.૧.૭૦ કરોડની રદી થયેલી નોટ બદલવા રાજકોટ આવતા એસઓજી સ્ટાફે બાતમીના આધારે બે શખ્સોને ઝડપી નોટ કોની પાસેથી લાવ્યો તે અંગેની પૂછપરછ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાસ્ત્રી મેદાન પાસે બે શખ્સો થેલા સાથે શંકાસ્પદ જણાતા એસઓજી પી.આઇ. એસ.એન.ગડુ, પી.એસ.આઇ.એચ.એમ.રાણા, ઓ.પી.સિસોદીયા, ચેતનસિંહ ગોહિલ, આર.કે.જાડેજા, વિજેન્દ્રસિંહ ઝાલા, ગીરીરાજસિંહ જાડેજા અને અનિલસિંહ ગોહિલ સહિતના સ્ટાફે બંને શખ્સોની અટકાયત કરી પુછપરછ કરતા તેની પાસેથી રૂ.૧.૭૦ કરોડની રૂ.૧૦૦૦ અને ૫૦૦ના દરની જુની નોટ મળી આવી હતી.

બંને શખ્સોની પૂછપરછ કરતા જૂનાગઢ મધુરમ ટીંબાવાડી વિસ્તારના કર્મનગરનો કમલ મુકેશ ભટ્ટ અને મવડી ચોકડી પાસે આવેલી માટેલ સોસાયટીના અશોક પ્રેમજીભાઇ છાયા નામ હોવાનું જણાવ્યું હતું.

બંને શખ્સોની પૂછપરછમાં કમલ ભટ્ટ જૂનાગઢ એચ.ડી.એફ.સી.બેન્કમાં નોકરી કરતો હોવાનું અને તેને જૂનાગઢના કેટલાક મોટા માથા પાસે જૂની નોટ હોવાથી તેને બદલવા માટે રાજકોટમાં મિસ્ત્રી કામ કરતા અશોક છાયાનો સંપર્ક કર્યો હતો. અશોક છાયાના કહેવાથી તે રૂ.૧.૭૦ કરોડની જૂની નોટ બદલવા માટે રાજકોટ આવ્યો હોવાની કબૂલાત આપી હતી.

એસ.ઓ.જી. સ્ટાફે જૂની નોટ કોની છે તે અંગે ઉંડાણ પૂર્વક તપાસ કરવા ઇન્કમટેકસ વિભાગને પણ જાણ કરી છે. અને બંને શખ્સોને સાથે લઇ તપાસ અર્થે જૂનાગઢ લઇ જવા તજવીજ હાથધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.