Abtak Media Google News

કોર્પોરેશન તંત્રની ઢોર પકડવાની ગુલબાંગ માત્ર કાગળ પર: અસરકારક કામગીરી કરવામાં ગુનાહિત બેદરકારી

બેજવાબદાર ઢોર ડબ્બાના સ્ટાફ સામે કાયદાકીય કાર્યવાહી થાય તો જ રાજકોટ રખડતા ઢોરના આતંકમાંથી મુકત બને

શહેરમાં રખડતા ઢોરનો આતંક જાણે હજુ યથાવત રહ્યો હોય તેમ અનેક લોકોના પરિવારને વેર વિખેર કર્યા બાદ પણ આજરોજ વહેલી સવારે મવડી પાસે રખડતા ઢોરે સ્કુટરને અડફેટે કહેતા બે લોકરક્ષક મહિલાના દાંત તૂટી ગયા છે. ત્યારે હવે રખડતા ઢોર હવે આમ પ્રજાજનો જ નહિ પરંતુ રક્ષકો માટે પણ જટીલ સમસ્યા બની ગઈ છે ત્યારે કોર્પોરેશનની ઢોર પકડવાની ગુલતાંગ માત્ર કાગડો પર જ રહી ગઈ હોય તેમ કોર્પોરેશન કમિશનર, મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની કામગીરીની પોલ રખડતા ઢોર વારંવાર છતી કરી રહ્યા છે. જેથી આગામી સમયમાં ન માત્ર ઢોર માલિકો પણ રખડતા ઢોરને પૂરવાની કામગીરી કરનારા ડબ્બા સ્ટાફ સહિતના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂર વર્તાય રહી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મવડી પોલીસ લાઇનમાં રહેતા ગાયત્રીબેન રમેશચંદ્ર દેવમુરારી નામના 22 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ અને પૂજાબેન હરસુખભાઈ સદાદિયા નામના 21 વર્ષીય લોકરક્ષક તરીકે ફરજ બજાવતા બંને મહિલાઓને રખડતા ઢોરે અડફેટે લેતા ઘવાયેલા બંને મહિલા લોકરક્ષકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે અકસ્માતમાં કોન્સ્ટેબલ ગાયત્રીબેનના પાચ દાંત પડી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ બંને મહિલા લોકરક્ષક મવડી પાસે આવેલા ગ્રાઉન્ડમાં પરેડ પૂરી કરીને પરત પોલીસ લાઇન આવતા હતા ત્યારે તેમના સ્કુટરની રખડતા ઢોરે ઢિક મારતા બંને રોડ પર ફંગોળાઈ ગયા હતા. જેના કારણે બંનેને ઇજા થતાં તેઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રખડતા ઢોરના ત્રાસના કારણે ભૂતકાળમાં પણ અનેક પરિવારોના માળા વિખાય ગયા છે. ત્યાર બાદ કોર્પોરેશન કમિશનર અને મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા ઢોર પકડવાના બાંગા મારવામા આવ્યા હતા. પરંતુ તેઓની કામગીરી જાણે કાગડો પર જ રહી ગઈ હોય તેમ ઢોર હજુ રસ્તા પર જ રખડતા મળી રહ્યા છે અને લોકોને છાસવારે અડફેટે લેતા રહ્યા છે. જેથી આગામી સમયમાં ફક્ત ઢોર પકડવાની ડબ્બા પાર્ટી પર નહિ પરંતુ તેના ઉપરના હોદ્દા પર રહેલા અધિકારીઓ અને પદાધિકારીઓ સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

કોર્પોરેશન ઢોર પકડવામાં સદંતર નિષ્ફળ

રાજકોટ શહેરમાં ખુલ્લા રસ્તાઓ પર રખડતા ઢોર લોકોને અડફેટે લઈ જાનનું જોખમ બની રહ્યા છે. ત્યારે બે પશુપાલક માલધારી સામે ગુનો નોંધ બાદ પણ તેમની સામે કોઈ કડક કાર્યવાહી ન થતાં ઢોર માલિકો ફાવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા પણ ઢોર સામે કડક કાર્યવાહી કરવાની વાતો માત્ર કાગળ પર જ દબાવી દેવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. ઢોર પકડવા માટે મથતું કોર્પોરેશનના પણ હાથ માલધારીઓ સુધી ટૂંકા પડતા હોય તેમ લાગી રહ્યું છે.

ડબ્બા પાર્ટીઓનો સ્ટાફ અને માલધારી વચ્ચે સાઠગાંઠ?

શહેરના રાજમાર્ગો પર રખડતા ઢોર લોકોને અડફેટે લઈ તેમના જીવન જોખમ ઊભું કરી રહ્યા છે. જ્યારે સામાન્ય માણસો પોતાના વાહન પર કે ચાલીને જતા હોય છે ત્યારે રસ્તા પર ઢોરનો ત્રાસ અનહદ સહન કરવો પડે છે. ત્યારે જ જ્યારે તંત્ર દ્વારા ઢોર પકડતા ડબ્બા પાર્ટી આવે ત્યારે આ રખડતા ઢોર જાદુની જેમ ગાયબ થઈ જાય છે. ત્યારે લોકોના મનમાં ડબ્બા પાર્ટી અને પશુ માલધારી વચ્ચે સાઠગાંઠ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ઢોર પકડવા આવતી ડબ્બા પાર્ટી દ્વારા અગાઉથી જ જાણે પશુ માલધારીઓને ફોન કરીને પોતે ઢોર પકડવા આવતા હોવાની જાણકારી આપી દેતા હોય છે. જ્યાં સુધી આની સામે પગલાં લેવામા નહિ આવેલ ત્યાં સુધી રાજકોટની પ્રજાને રખડતા ઢોરનો ત્રાસ વેઠવો પાસે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.