Abtak Media Google News

પર્યાવરણીય લોક સુનાવણીમાં ૨૦૦૦થી વધુ લોકોએ વિરોધ નોંધાવ્યો: નિયમોનું પાલન ન થતું હોવાનો આક્ષેપ

અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના ખનન પ્રોજેકટની પર્યાવરણ લોક સુનાવણીમાં પ્રચંડ લોકવિરોધ, જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આયોજીત અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના ખનન પ્રોજેકટ માટે તા.૫/૯/૨૦૧૭ અને તા.૬/૯/૨૦૧૭ના રોજ અધિક જિલ્લા કલેકટર ડી.ડી.વ્યાસ, અમરેલીના અધ્યક્ષપણા હેઠળ પર્યાવરણીય લોક સુનાવણી યોજવામાં આવી હતી. આ પર્યાવરણીય લોક સુનાવણીમાં બંને દિવસે અસરગ્રસ્ત વિસ્તારના ૨૦૦૦ કરતાં પણ વધારે લોકો પોતાનો વિરોધ દર્શાવવા હાજર રહ્યાં હતા.

અસરગ્રસ્ત લોકોએ આક્રોશ અને વિરોધ વ્યકત કરતાં એવી રજૂઆતો કરી હતી કે, અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા અહીંના લોકોને ડરાવવા, ધમકાવવા અને ખોટા પોલીસ કેસો કરી હેરાન કરવામાં આવે છે, કંપની દ્વારા જમીનના ભવિષ્યના ભાવો આપવાની ખાતરી આપી છેતરપિંડીથી અમારી જમીનો લઈ લેવામાં આવી છે અને આ જમીનોનું હક્ક મુજબનું વળતર પણ આપવામાં આવ્યું નથી. આ બાબતે સુનાવણીના અધ્યક્ષ તરીકે હાજર રહેલ અધિક જિલ્લા કલેકટરના ધ્યાને પણ આવી છે.

સુનાવણીમાં બહેનો દ્વારા આરોગ્યને લગતી રજૂઆતો કરી હતી જેમાં અલ્ટ્રાટેકની માઈનિંગને કારણે પર્યાવરણ સંરક્ષણ માટેના નિયમોનું પાલન ન થવાથી હવામાં સતત અતિશય ધૂળનું પ્રમાણ રહે છે. જેનાથી શ્ર્વાસની બીમારી, દમ, ટી.બી. જેવા રોગોનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને માણસોના આવી બીમારીને કારણે અકાળે મૃત્યુ પામે છે. બહેનોએ એવી પણ રજૂઆત કરી હતી કે આવી બીમારીઓના કારણે મૃત્યુ થવાથી બાબરકોટ ગામમાં ૮૦૦ થી ૯૦૦ બહેનો વિધવા બની છે અને એમના ભરણ-પોષણ તથા આજીવિકાની મુશ્કેલીઓ સર્જાઈ છે.

માઈનિંગના કારણે ખેતીપાકો અને ઉત્પાદન પર થયેલી અસરો અંગે રજૂઆતો થઈ હતી જેમાં આજથી ૧૨-૧૫ વર્ષ પહેલા એક વિઘો જમીનમાંથી ૧૦ ખાંડી બાજરાનું ઉત્પાદન થતું હતું જે આ કંપનીના ખનનને કારણે અને હવામાં ઉડતી અતિશય રજકણોથી જમીન પાણી પ્રદૂષીત થતા ફળદ્રુપતા નાશ પામી અને ખેતીનો ફાલ ખરી પડતાં ખેતી નામશેષ થઈ રહી છે. તથા હાલમાં એક વિઘો જમીનમાંથી ફકત ૧-૨ ખાંડી બાજરાનું ઉત્પાદન મળે છે.

પર્યાવરણીય લોક સુનાવણીની પ્રક્રિયામાં પણ ઈઆઈએ જાહેરનામાનું પૂર્ણ રીતે પાલન કરવામાં આવ્યું નથી. ઈઆઈએ જાહેરનામામાં એવી જોગવાઈ છે કે, સુનાવણીના અંતે લોકો દ્વારા થયેલ રજૂઆતો અને તેની સામે મળેલ પ્રત્યુત્તરો અને કાર્યવાહી નોંધ (મિનિટસ)નું ફરજીયાતપણે વાંચન કરવાનું હોય છે પરંતુ તા.૫/૯/૨૦૧૭ના રોજ (પ્રથમ દિવસે) યોજાયેલ સુનાવણીનું આ કાર્યવાહી નોંધનું વાંચન કરવામાં આવ્યું નથી. લોકોની રજૂઆતો ચાલું હોવા છતાં સુનાવણી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. તે વળી તા.૬/૯/૨૦૧૭ના રોજ (બીજા દિવસે) યોજાયેલ સુનાવણીમાં પ્રોજેકટકર્તા દ્વારા હિન્દી ભાષામાં પ્રત્યુત્તર આપવાની માંગણી કરતાં આ સમિતિના સભ્ય સચિવ અને પ્રાદેશિક અધિકારી (ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ) આર.આર.વ્યાસ દ્વારા લોકોને કહેવામાં આવ્યું કે હિન્દી રાષ્ટ્ર ભાષા છે અને હિન્દીમાં બોલતા પ્રત્યુત્તર આપતાં ના પાડી શકાય નહીં, જયારે ઈઆઈએ જાહેરનામુ-૨૦૦૬માં કહેવામાં આવ્યું છે કે આવી સુનાવણી જે તે રાજયની પ્રાદેશિક ભાષામાં કરવી તો શું આ ભારત સરકારનું જાહેરનામુ સાચું કે પછી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી સાચા ? આ રોડ મોટો સવાલ છે.

આ સુનાવણી અંગે લેખીતમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, પ્રોજેકટકર્તા દ્વારા રાજય સરકાર, ભારત સરકાર અને લોકો સાથે છેતરપિંડી કરવાનું અને ગુમરાહ કરવાનું કાર્ય કરેલ છે જેમાં કદમ નામની ક્ધસલ્ટન્સી (પર્યાવરણીય સલાહકાર) પણ સંડોવાયેલ છે. આ બાબતે વાસ્તવિકતા એ છે કે, સદર કંપનીનો પ્રોજેકટ માટેનો કુલ વિસ્તાર ૬૪.૦૪૯૯ હેકટર જમીન છે અને આ આખો વિસ્તાર એકજ બાબરકોટ ગામનો જ છે. જેથી આ પ્રોજેકટ ઈઆઈએ જાહેરનામા મુજબ ૫૦ હેકટર કરતા વધુ જમીન હોઈ કેટેગરી એ સ્તરે આવે પરંતુ સદર કંપનીએ પોતાનું હિત સાધવા માટે આ પ્રોજેકટના વિસ્તારને બે ભાગમાં વહેચી ટુકડા કરી સ્તરે મંજૂરી માટે માંગણી કરેલ છે. જેથી રજૂઆતમાં માંગણી કરી છે કે, આ સુનાવણીઓ રદ કરી કક્ષામાં ગણવામાં આવે.

સુનાવણી દરમ્યાન ગામના સરપંચો અને લોકો દ્વારા સખત વિરોધ કરી પર્યાવરણીય મંજૂરી આપવામાં ન આવે અને પ્રોજેકટને રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.