Abtak Media Google News

જેવો ટ્રાફિક થંભે કે તુરંત સ્પીકર શરૂ થઈ જાય તેવી વ્યવસ્થા: દરરોજ હજારો લોકો રોડ સેફ્ટી માટે થઈ રહ્યા છે વાકેફ

દરેક રાજકોટીયન્સને કોરોના અને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરવાની નેમ સાથે વાય આઈ (યંગ ઈન્ડિયન્સ) રાજકોટ અને શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે એક નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત શહેરના હાર્દસમા કેકેવી ચોકમાંથી પસાર થતાં લોકો અને વાહનચાલકોને કોરોના અને ટ્રાફિક નિયમો પ્રત્યે લાઉડસ્પીકર મારફતે જાગૃત કરવામાં આવી રહ્યા છે. વાય આઈ-પોલીસની આ પહેલને શહેરીજનો તરફથી પણ ભાવભર્યો આવકાર મળી રહ્યો છે સાથે સાથે આ પ્રકારનું આવકારદાયક પગલું ભરનાર વાય આઈ-રાજકોટ ગુજરાતની એવી પહેલી સંસ્થા બની છે જે લોકો માટે અને લોકો સાથે કામ કરી રહી છે.

આ વિશે વાય આઈના ચેરપર્સન નમ્રતા ભટ્ટે જણાવ્યું હતું કે, સંસ્થાને રાજકોટ માટે કંઈક વિશેષ કરી છૂટવાનો વિચાર આવ્યો હતો. અત્યારે કોરોનાનો કહેર વરસી રહ્યો છે તેથી મોટી સંખ્યામાં લોકો જાગૃત થાય તેવા વિસ્તારની પસંદગી કરવા માટે મંથન શરૂ કરવામાં આવ્યું હતું અને આ ઝુંબેશ માટે સંસ્થા દ્વારા કાલાવડ રોડ પરના કેકેવી ચોકની પસંદગી કરવામાં આવી હતી. અહીંથી દરરોજ ૧૧૦૦૦ જેટલા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ઉપરાંત ૧૦,૫૦૦ જેટલા લોકો પગપાળા અવર-જવર કરે છે. એકંદરે દરરોજ ૨૦થી ૨૨ હજાર લોકો અહીંથી પસાર થતાં હોવાથી વાય આઈ દ્વારા અહીં લાઉડસ્પીકર મુકી જાગૃતતા કેળવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

Beautyplus 20200720122536240 Save

તેમણે જણાવ્યું કે લાઉડ સ્પીકરમાં લોકોને કોરોના સામે કેવી રીતે જાગૃત રહેવું મતલબ કે સોશ્યલ ડિસ્ટન્સની પૂરતી જાળવણી, સેનિટાઈઝેશન અને ખાસ કરીને માસ્ક અવશ્ય પહેરવું તે પ્રકારની માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત રાત્રે ૧૦થી સવારે પાંચ વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવાની પણ લોકોને અપીલ કરવામાં આવે છે. આ ઉપરાંત ટ્રાફિકના નિયમો પ્રત્યે પણ લોકો સાવચેત રહી શહેરની સુખાકારીમાં સહયોગ આપે તે માટે અનુરોધ કરાઈ રહ્યો છે.

વાય આઈ રાજકોટના ચેરપર્સન નમ્રતા ભટ્ટના નેતૃત્વ હેઠળ કો-ચેરમેન યશ રાઠોડ, ડો.પુનિત ત્રિવેદી, વીરેન પટેલ, હિરેન વરમોરા, ઋષભ શેઠ, અમીષ ચંદારાણા, ભાવિક શાહ, મૌલિક શાહ, શ્યામ ઘેડીયા, હેલી કતીરા, દર્શીતા જોષી, કોમલ ધુલીયા, અવની નથવાણી, રાહુલ ડાંગર, ભાવીન ભાલોડીયા, જય પૂજારા, મેહુલ બુદ્ધદેવ, શેખર મહેતા, અંકુર બંસલ, યશ શાહ, પાવક ઉનડકટ, દર્શીત પરસાણા, વિશ્ર્વાસ માણેક, વિશાલ સોનવાણી, હોમી કતીરા, પ્રણવ ભાલારા, દર્શન લાખાણી, ચીરાગ લાખાણી, કાર્તિક કેલા, નીધય પાન, નિશાંત ચગ અને સાગર મારડીયા, સાકેત આર્યા સહિતના દ્વારા આ પહેલને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. લાઉડ સ્પીકરને લોન્ચ કરતાં સમયે ટ્રાફિક એસીપી બી.એ.ચાવડા, એએસઆઈ બી.કે.જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ઝુંબેશને બિરદાવવામાંં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.