કેદીઓ સાથે અછૂતપણું!!: ચૂંટણીની ભાગદોડમાં કાચા કામના કેદીઓ રહ્યા મતાધિકારથી વંચિત!!!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્યાં કેદીઓ મતદાન કરી શકે? તે અંગેની અવઢવભરી સ્થિતિ વચ્ચે સમય નીકળી ગયો

સૌ નાગરિકોનો મત્તાધિકાર કોઈ છીનવી ન શકે. પણ રાજકોટમાં તંત્રએ ચૂંટણીની ભાગદોડમાં ભૂલથી કેદીઓનો મત્તાધિકાર છીનવી લીધો છે. જો કે બીજી બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્યાં કેદીઓ મતદાન કરી શકે ? તે અંગેની અવઢવભરી સ્થિતિ પણ તંત્રમાં જોવા મળી હતી. હાલ તો આ મામલે કઈ તથ્ય બહાર આવ્યું નથી. રાજકોટ સહિત રાજ્યની છ મહાપાલિકાની ચૂંટણીમાં આવતીકાલે મતદાનની પ્રક્રિયા યોજાનાર છે. જેના માટે ચૂંટણી સ્ટાફનું ગઈકાલે જ પોસ્ટલ બેલેટથી મતદાન યોજવામાં આવ્યું હતું. પણ આ વખતે જેલના કેદીઓનું મતદાન યોજાયું ન હતુ. વિધાનસભાની ચૂંટણીમાં કાચા કામના કેદીઓ માટે કેન્દ્રીય ચૂંટણી પંચના પરિપત્ર પ્રમાણે પોસ્ટલ બેલેટથી મતદાન થતું હોય છે. પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચની હેઠળ આવતી હોય ક્યાં કેદીઓ મતદાન કરી શકે તે અંગે તંત્રમાં અવઢવ જોવા મળી હતી.

એક અધિકારીના જણાવ્યા મુજબ પાસાના કેદીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે છે. તેઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા યોજાઈ છે. પણ આ વખતે ચૂંટણીમાં તેના માટે કોઈ મતદાનની પ્રક્રિયા યોજાઈ નથી. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીમાં તમામ સરકારી વિભાગો ઊંધામાથે થયા હતા. એક તરફ કોરોના અને અન્ય કામગીરી બીજી તરફ ચૂંટણીની કામગીરી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર કામનું ભારણ બેથી ત્રણ ગણું થયું હતું. આ ભાગદોડના તંત્ર કેદીઓને ભૂલી જ ગયું હોય તેવી ચર્ચા જાગી છે.

કેદીઓને પણ મતાધિકાર બંધારણે આપ્યો છે. પણ રાજકોટ જેલના કેદીઓ પાસેથી આ અધિકાર તંત્રએ અજાણતામાં જ છીનવી લીધો હોવાનું જણાય આવે છે. બીજી તરફ કલેકટર તંત્ર અને જેલ તંત્રના અધિકારીઓ પાસેથી પણ આ મામલે સ્પષ્ટ કોઈ માહિતી મળી શકી નથી. બધાના જવાબો ગોળ ગોળ મળતા આ મામલે ભારે ચર્ચા જાગી છે.

જેલ તંત્રએ કહ્યું કલેકટરમાંથી કોઈ કાર્યવાહી નથી થઈ,  કલેકટર તંત્રે કહ્યું જેલ તંત્રે લિસ્ટ નથી મોકલ્યું!!

કેદીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન ન થયું હોવા મામલે કલેકટર તંત્રને પૂછતાં ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે જેલ તંત્ર દ્વારા કેદી મતદારોની યાદી કલેકટર તંત્રને મોકલવાની હોય છે. જે યાદી મળી ન હોવાથી પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા થઈ નથી. બીજી તરફ જેલ તંત્રમાંથી એવો જવાબ મળ્યો કે કલેકટર તંત્રમાંથી કોઈ કાર્યવાહી થઈ નથી. કોઈ લિસ્ટ મંગાવવામાં આવ્યું નથી. જેલના એક અધિકારીએ એવું જણાવ્યું કે જેલમાં પાસાના કેદીઓ મતદાન કરી શકે છે. તેમના પરિવારે કલેકટર તંત્રને અરજી કરવાની હોય છે. જે અરજી થઈ નહિ હોય એટલે મતદાન થયું નથી. બાદમાં આ અધિકારીઓને મતદાન કરવાને લાયક પાસાના કેદીઓનો આંકડો પૂછતાં તેઓએ આંકડો ખબર ન હોવાનું કહ્યું હતું. આમ કલેકટર તંત્ર અને જેલ તંત્ર આ બન્ને વિભાગોમાંથી ગોળ ગોળ જ જવાબ મળ્યા હોવાનું ધ્યાને આવ્યું છે.