Abtak Media Google News

ચૂંટણી વિભાગે એમજે કુંડલીયા અને એસઆરપી કેમ્પ ખાતે ૨૦૦૦થી વધુ કર્મચારીઓ માટે મતદાનની વ્યવસ્થા ગોઠવી

મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. હાલ તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. આ દરમિયાન ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણીમાં જે જે સરકારી કર્મચારીઓ રોકાયેલ છે. તેઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા આવતીકાલે ગોઠવવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આગામી તા.૨૧ના રોજ મતદાન પ્રક્રિયા યોજાનાર છે. ત્યારે આ મતદાન પ્રક્રિયામાં જે કર્મચારીઓ ફરજ પર હાજર રહેવાના હોય તેઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા આવતીકાલે તા. ૧૮ને ગુરુવારના રોજ યોજાનાર છે. ચૌધરી હાઇસ્કૂલ ખાતે આવેલ એમજે કુંડલીયા કોલેજ અને ઘંટેશ્વર ખાતે આવેલ એસઆરપી કેમ્પમાં આ મતદાન યોજાશે. એમજે કુંડલીયા કોલેજમાં ૧૬૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ અને ચૂંટણી ફરજમાં રોકાયેલ સ્ટાફ માટે પોસ્ટલ બેલેટથી મતદાન થશે. જ્યારે એસઆરપી કેમ્પ ખાતે ૩૫૦થી વધુ એસઆરપી જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આમ બન્ને સ્થળોએ અંદાજે ૨૦૦૦ જેટલા કર્મચારીઓ સવારે ૮ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીમાં પોસ્ટલ બેલેટથી મતદાન કરશે.

સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની વિગતો જોઈએ તો વોર્ડ નં.૧માં ૧૧ સંવેદનશીલ, ૯ અતિ સંવેદનશીલ, વોર્ડ નં. ૨માં ૧૬ સંવેદનશીલ, વોર્ડ નં. ૩માં ૨૮ સંવેદનશીલ અને ૫ અતિ સંવેદનશીલ, વોર્ડ નં. ૪માં.૯ સંવેદનશીલ, વોર્ડ નં. ૫માં ૧૩ સંવેદનશીલ, વોર્ડ નં.૬માં ૮ સંવેદનશીલ, વોર્ડ નં. ૭માં ૧૮ સંવેદનશીલ, વોર્ડ નં. ૮માં ૧૯ સંવેદનશીલ, વોર્ડ નં. ૯માં ૨૫ સંવેદનશીલ, વોર્ડ નં. ૧૦માં ૫ સંવેદનશીલ, વોર્ડ નં. ૧૧માં ૩ સંવેદનશીલ, વોર્ડ નં. ૧૨માં ૧૫ સંવેદનશીલ, વોર્ડ નં.૧૩માં ૩૫ સંવેદનશીલ, વોર્ડ નં. ૧૪માં ૧૯ સંવેદનશીલ, વોર્ડ નં. ૧૫માં ૩૩ સંવેદનશીલ, વોર્ડ નં. ૧૬માં ૨૭ સંવેદનશીલ, ૫ અતિ સંવેદનશીલ , વોર્ડ નં.૧૭માં ૭ સંવેદનશીલ અને વોર્ડ નં. ૧૮માં ૬ સંવેદનશીલ મતદાન મથકો આવેલા છે. આ તમામ મતદાન મથક ઉપર સામાન્ય મતદાન મથકોની સાપેક્ષે વધુ સુરક્ષા જવાનો તૈનાત રાખવાનું પણ આયોજન ઘડાઈ રહ્યું છે.

શહેરના ૨૯૭ સંવેદનશીલ અને ૧૯ અતિ સંવેદનશીલ બૂથ ઉપર વિડીયોગ્રાફી કરાશે

રાજકોટ શહેરમાં ચૂંટણી વિભાગ દ્વારા સંવેદનશીલ મતદાન મથકો અને અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ૨૯૭ સંવેદન મતદાન મથકો જાહેર થયા છે. સાથે ૧૯ અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર થયા છે. આ મતદાન મથકોમાં વિડીયોગ્રાફી કરવા ચૂંટણી પંચ દ્વારા જિલ્લા કલેક્ટરોને વીડિયો કોન્ફરન્સ દરમિયાન સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ચૂંટણી પંચે એક પણ બુથમાંથી વેબકાસ્ટિંગ ન કરવાનો નિર્ણય લીધો હતો. પણ વિડિયો કોન્ફરન્સ દરમિયાન આ નિર્ણય બદલી લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.