Abtak Media Google News

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કથિત નિષ્ફળ કાવતરામાં યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભારતીય નાગરિક વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આરોપ છે કે, તેણે પન્નુની હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પન્નુ ન્યૂયોર્કમાં રહેતો હોવાનું કહેવાય છે અને અહીંથી જ ભારત વિરુદ્ધ ષડયંત્ર રચે છે. આ કેસમાં પન્નુનું નામ આપવામાં આવ્યું નથી પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિક પર શિખ અલગતાવાદી નેતાની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે.

ગુરુપવંત પન્નુની હત્યા માટે 1 લાખ ડોલરનો કોન્ટ્રાકટ અપાયાનો યુએસએનો ધડાકો

ભારતમાં આતંકવાદી ગણાતા ‘શીખ અલગતાવાદી નેતા’ની હત્યાનો પ્રયાસ કરવા બદલ 52 વર્ષીય નિખિલ ગુપ્તા સામે કેસ નોંધવામાં આવ્યો હતો. અમેરિકન અધિકારીઓનો દાવો છે કે તેણે પણ આરોપો સ્વીકારી લીધા છે. સધર્ન ન્યૂ યોર્ક ડિસ્ટ્રિક્ટ એટર્ની મેથ્યુ જી. ઓલસેને કહ્યું કે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર પન્નુની સોપારી આપીને હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે.

હત્યાનું કાવતરું અને સોપારી આપવાના આ કેસમાં મહત્તમ દસ વર્ષની જેલની સજા છે. આ સિવાય સોપારી આપીને હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં અલગથી મહત્તમ દસ વર્ષની જેલની સજા થઈ શકે છે. આરોપ છે કે નિખિલ ગુપ્તાએ પન્નુની હત્યા માટે એક લાખ ડોલરનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ વર્ષે 9 જૂને ગુરપતવંત સિંહની હત્યાનો કોન્ટ્રાક્ટ એક ભારતીય નાગરિકે કથિત રીતે આપ્યો હતો. ગુપ્તાની ચેક ઓથોરિટીએ 30 જૂને ધરપકડ કરી હતી. અમેરિકા અને ચેક રિપબ્લિક વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી.

હત્યારા સાથે એક લાખ ડોલરમાં ડીલ કરવામાં આવી હતી અને 15 હજાર ડોલરની એડવાન્સ પણ ગોઠવવામાં આવી હતી તેવો અમેરિકા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ રકમ કથિત રીતે રોકડમાં આપવામાં આવી હતી. કેસમાં ગુરપતવંત સિંહ પન્નુને ‘અલગતાવાદી નેતા’ તરીકે વર્ણવવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકન સત્તાવાળાઓએ ‘અલગતાવાદી નેતા’ની હત્યાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. અમેરિકાએ આ પ્રયાસ માટે ભારત સરકારને ચેતવણી પણ આપી હતી. જણાવી દઈએ કે ગુરપતવંત સિંહ પન્નુ પાસે અમેરિકન નાગરિકતા છે અને આવી સ્થિતિમાં અમેરિકાનું કહેવું છે કે અમેરિકાની ધરતી પર કોઈપણ અમેરિકન નાગરિકની હત્યા સહન કરવામાં આવશે નહીં.

આ મામલઉં અમેરીકાની એટર્ની ઓફિસે એવો પણ આક્ષેપ કર્યો છે કે, ભારત સરકારની એક કર્મચારી પણ આ સમગ્ર કાવતરામાં સંકળાયેલો છે. અમેરિકાએ જણાવ્યું છે કે, આ અંગે ભારતને 18 નવેમ્બરના રોજ જાણ કરવામાં આવી હતી અને ભારતે આ સંદર્ભે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિનું પણ ગઠન કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.