Abtak Media Google News

કેનેડાએ ભારત પર મુકેલા આક્ષેપનો ભારતે જબરદસ્ત જવાબ આપ્યો છે. ખાલિસ્તાની હરદીપસિંઘ નિજ્જરની હત્યા પાછળ ભારતની ભૂમિકા હોવાનું કેનેડાના પ્રેસિડેન્ટ જસ્ટિન ટુડ્રોએ આક્ષેપ લગાવ્યા બાદ ભારતે કેનેડામાં સ્થાયી થયેલા કુલ 54 ખાલિસ્તાનીઓની યાદી જાહેર કરી કેનેડાને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડી દીધું છે. સાથોસાથ તપાસ એજન્સીએ બુધવારે હરવિંદર સિંહ સંધૂ ઉર્ફે રિંદા અને લખબીર સિંહ સંધૂ ઉર્ફે લાંડા સહિત પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (બીકેઆઈ)ના પાંચ સભ્યોની ધરપકડ માટે માહિતી આપનારને રોકડ રકમ ઈનામ આપવની જાહેરાત કરી છે.

કેનેડા સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે એનઆઈએ ખાલિસ્તાની આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી દીધી છે. તપાસ એજન્સીએ બુધવારે હરવિંદર સિંહ સંધૂ ઉર્ફે રિંદા અને લખબીર સિંહ સંધૂ ઉર્ફે લાંડા સહિત પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના પાંચ સભ્યોની ધરપકડ માટે માહિતી આપનારને રોકડ રકમ ઈનામ આપવની જાહેરાત કરી છે.

કેનેડા સ્થાયી થયેલા 54 ખાલિસ્તાની આતંકીઓનું લિસ્ટ જાહેર કરતી NIA

આ ઉપરાંત એનઆઈએ દેશમાં આતંકી-ગેંગસ્ટર નેટવર્કને ખતમ કરવા માટે ગત વર્ષે નોંધાયેલા બે કેસની તપાસમાં 54 વ્યક્તિઓની તસવીર જાહેર કરી છે. તસવીરની સાથે બે સૂચી સોશિયલ મીડિયામાં શેર કરી છે. પહેલી સૂચીમાં 11 અને બીજીમાં 43 વ્યક્તિઓના નામ સામેલ છે. જેમાંથી અનેક લોકો કેનેડા અને ખાલિસ્તાન સાથે કનેક્શન હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ સૂચીમાં ગોલ્ડી બરાડ, લોરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ અને અર્શદીપ સિંહ ગિલ સહિત અનેક ગેંગસ્ટર સામેલ છે. એજન્સીએ મોબાઈલ નંબર શેર કરતા કહ્યું કે જો તમારી પાસે આ લોકોના નામ પર કે તેમના સહયોગીઓ, મિત્રો અને સંબંધીઓના સ્વામિત્વવાળી સંપત્તિઓ, પરિસંપત્તિઓ કે વ્યવસાય અંગે કોઈ જાણકારી છે તો કૃપયા વ્હોટ્સએપ પર જાણ કરો.

એનઆઈએ સૂચીબદ્ધ આતંકવાદી હરવિંદર સિંહ સંધૂ ઉર્ફે રિંદા અને લખબીર સિંહ સંધૂ ઉર્ફે લંડા પર 10-10 લાખ રુપિયાના ઈનામની જાહેરાત કરી છે. આ લોકો અંગે સુચના આપનારને આ રકમ અપાશે.

આતંકીવાદીઓના ત્રણ સહયોગીઓ પરમિંદર સિંહ, સતનામ સિંહ અને યાદવિંદર સિંહ અંગે જાણકારી આપનારને પાંચ-પાંચ લાખ રુપિયા રોકડ ઈનામ તરીકે આપવામાં આવશે તેવી જાહેરાત એજન્સીએ કરી છે. આ તમામ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ ગ્રૂપ સાથે જોડાયેલા છે.

એનઆઈએ ખાલિસ્તાની-ગેંગસ્ટર્સના 43 લોકોની તસવીર જાહેર કરી છે, જેઓ પંજાબમાં હત્યાઓ, ડ્રગ્સ અને હથિયારની ઘૂસણખોરી સહિત વિભિન્ન પ્રવૃત્તિઓમાં સામેલ છે અને બ્રિટનમાં ભારત વિરોધી કૃત્યોમાં પણ ભાગ લઈ રહ્યાં છે. કહેવાય છે કે તેમાંથી અનેક કેનેડા સ્થિત ખાલિસ્તાન સમર્થક તત્વો (પીકેઈ) સાથે જોડાયેલા છે. જેમાં લાંડા, મૃત ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (કેટીએફ)ના નેતા હરદીપસિંહ નિઝ્ઝર, શીખ ફોર જસ્ટિસના નેતા ગુરપતવંત સિંહ પન્નૂ અને અન્ય સામેલ છે.

43 સંદિગ્ધોની યાદીમાં સતવિંદરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડ, લોરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ, અર્શદીપ સિંહ ગિલ, ગેંગસ્ટર કાલા જઠેરી, નવીન ડબાસ, સુનીલ બાલિયાન, અમિત ડાગર સહિત અનેક ગેંગસ્ટર સામેલ છે. જેમાંથી લોરેન્સ બિશ્નોઈ હાલ જેલમાં જ છે જ્યારે સુનીલ બાલ્ટનની આ વર્ષે મેમાં તિહાડ જેલની અંદર પ્રતિદ્વંદ્વી ગેંગના સભ્યોએ હત્યા કરી દીધી. એજન્સીએ મોબાઈલ નંબર શેર કરતા કહ્યું કે જો તમારી પાસે આ લોકોના નામ પર કે તેમના સહયોગીઓ, મિત્રો અને સંબંધીઓના સ્વામિત્વવાળી સંપત્તિઓ, પરિસંપત્તિઓ કે વ્યવસાય અંગે કોઈ જાણકારી છે તો કૃપયા વ્હોટ્સએપ પર જાણ કરો.”

એનઆઈએ લોરેન્સ બિશ્નોઈ સહિત પાંચ આતંકી-ગેંગસ્ટર્સ નેટવર્ક સાથે જોડાયેલા લોકોની તસવીર જાહેરા કરી છે. લોકોને કહેવામાં આવ્યું છે કે જો તેમની પાસે આ લોકોના નામ પર કે સ્વામિત્વવાળી સંપત્તિઓ, પરિસંપત્તિઓ અને વ્યવસાય અંગે કોઈ જાણકારી છે તો તાત્કાલિક એનઆઈએને જાણ કરે. તપાસ એજન્સીએ એમ પણ કહ્યું કે આ લોકોના સહયોગીઓ, મિત્રો અને સંબંધીઓના નામ પર પણ કંઈ જાણતા હોવ તો સુચના આપી શકાય છે. એનઆઈએ તેના માટે વ્હોટ્સએપ નંબર +91-7290009373 જાહેર કર્યો છે.

ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે- ખાલિસ્તાન સમર્થકો દ્વારા કેનેડામાં આશરો લેવાની વાત કોઈ નવી નથી. મામલા પર કેનેડા સરકારની નિષ્ક્રિયતા લાંબા સમયથી વધુ ચિંતાનો વિષય બની છે. કેનેડાના નેતાઓ દ્વારા આવા લોકો પ્રત્યે ખુલ્લેઆમ સહાનુભૂતિ વ્યક્ત કરવી ચિંતાનો વિષય છે. હત્યા, માનવ તસ્કરી અને સંગઠિત ગુના સહિત અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે કેનેડામાં આશરો આપવો કોઈ નવી વાત નથી.

કેનેડામાં ગેંગવોરમાં વધુ એક ગેંગસ્ટરની ગોળી મારી હત્યા

કેનેડામાં મોગા જિલ્લાના દવિન્દર બંબિહા ગેંગના સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકેની બુધવારે (20 સપ્ટેમ્બર) રાત્રે હત્યા કરવામાં આવી હતી. આ ઘટના 19 જૂને સરેમાં આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા જેવી જ છે. આરોપીએ સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનાકે પર લગભગ 15 ગોળીઓ ચલાવી હતી. ડ્યુનિક 2017માં નકલી દસ્તાવેજોની મદદથી ભારતથી કેનેડા ભાગી ગયો હતો. સુખદુલ સિંહ વિરુદ્ધ સાત ફોજદારી કેસ નોંધાયેલા છે. પંજાબ પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાંથી ઓછામાં ઓછા 29 ગેંગસ્ટર છે, જેઓ કાયદાથી બચવા માટે ભારતની બહાર આશ્રય લઈ રહ્યા છે.

તેઓ ઘણા વર્ષો પહેલા ભારતીય પાસપોર્ટ પર અથવા નકલી મુસાફરી દસ્તાવેજોની મદદથી નેપાળ થઈને અન્ય દેશમાં ભારત છોડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, સુખદુલ સિંહ દુનેકે મોસ્ટ વોન્ટેડ અર્શ દલ્લા ગેંગ સાથે સંબંધિત હતો. સુખદુલ સિંહ દુનેકે ટાર્ગેટ કિલિંગ માટે જાણીતો હતો. ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ તેની કાર્યવાહીને વધુ તીવ્ર બનાવતા રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ગઈકાલે એટલે કે બુધવારે (20 સપ્ટેમ્બર) અર્શ દલ્લા ગેંગ પર 10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. એનઆઈએ એ માહિતી માટે રોકડ ઈનામની જાહેરાત કરી હતી જેના કારણે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના પાંચ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંડા અને લખબીર સિંહ સંધુ ઉર્ફે લાંડાનો સમાવેશ થાય છે.

કેનેડાએ મુકેલા આક્ષેપથી અમેરિકા ચિંતિત

અમેરિકાએ હવે ખાલિસ્તાની આતંકવાદીની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી છે.અમેરિકાએ કહ્યું છે કે કેનેડાના સુરે શહેરમાં એક ‘શીખ કાર્યકર્તા’ની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના ભારત પરના આરોપોથી તે ‘અત્યંત ચિંતિત’ છે. એક રિપોર્ટ અનુસાર, વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિન વોટસને કહ્યું, ‘અમે વડા પ્રધાન ટ્રુડો દ્વારા લગાવવામાં આવેલા આરોપોને લઈને ખૂબ જ ચિંતિત છીએ. અમે અમારા કેનેડિયન સાથીદારો સાથે નિયમિત સંપર્કમાં રહીએ છીએ. કેનેડા તપાસ કરે અને ગુનેગારોને પકડે તે જરૂરી છે.’

ભારતે ટ્રાવેલ એડવાઇઝરી કરી જાહેર : ભારતીયોને સાવધાન રહેવા અપીલ

કેનેડા સાથે તણાવની વચ્ચે ભારતે વળતો જવાબ આપ્યો છે. કેનેડાને એવા જ શબ્દોમાં જવાબ આપતા પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. ભારતીય નાગરિકો અને કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેનેડાના એ વિસ્તારમાં જતાં સાવધાન રહેવાની સલાહ આપી છે, જ્યાં હાલમાં ભારતીયો વિરુદ્ધ હિંસક ઘટનાઓ થઈ છે. સરકારે પોતાની એડવાઈઝરીમાં કહ્યું છે કે, કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓ અને હેટ ક્રાઈમને ધ્યાનમાં રાખતા તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, ત્યાં યાત્રા કરતા ખાસ સાવધાની રાખવી. હાલમાં એન્ટી ઈંડિયા એજન્ડાનો વિરોધ કરનારા કેટલાય ભારતીય રાજદ્વારી અને ભારતીય સમુદાયના લોકો વિરુદ્ધ હિંસક ઘટનાઓ થઈ છે. કેનેડામાં ભારતીય હાઈકમિશન, ભારતીય નાગરિકોની સુરક્ષા માટે સતત અહીંની અથોરિટીઝના સંપર્કમાં છે. સરકારે કેનેડામાં ભણી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ ખાસ સાવધાની રાખવાની સલાહ આપી છે અને હંમેશા સાવધાન રહેવા માટે કહેવાયું છે.

કેનેડામાં વસતા ભારતીયોને નાગરિક પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવા અપીલ

સરકારે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને છાત્રાઓને ઓટાવામાં આવેલ હાઈ કમિશન અને ટોરેન્ટો તથા વેંકુવરના કોંન્સ્યુલેટમાં ખુદ જઈને રજિસ્ટર કરવા માટે કહ્યું છે. જેથી કોઈ ઈમરજન્સી સ્થિતિમાં તેમનો તરત સંપર્ક કરી શકાય. ભારતીય નાગરિક પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કરી શકશે.

કેનેડામાં ખાલિસ્તાનીઓની ભારતીયોને ધમકી

વર્ષ 2019માં ભારતમાં પ્રતિબંધિત ખાલિસ્તાન તરફી જૂથ શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે)ના ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડામાં રહેતા હિંદુઓને ધમકી આપી છે અને તેમને ભારતને સમર્થન આપવા માટે દેશ છોડવાનું કહેવામાં આવ્યું છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એસએફજે આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ કેનેડિયન શીખોને 29 ઓક્ટોબરે વાનકુવરમાં કહેવાતા જનમત માટે મત આપવાનું આહ્વાન કરતો જોવા મળે છે. સાથે જ વેનકુવર, ઓટાવા અને ટોરંટોમાં ભારતીય દૂતાવાસ બંધ કરાવવાની ધમકી આપી છે. ભારતમાં આતંકવાદી જાહેર કરાયેલા પન્નુએ કહ્યું, ‘ભારત-હિંદુ… કેનેડા છોડો, ભારત ચાલ્યા જાઓ.’ તેણે દાવો કર્યો હતો કે ખાલિસ્તાન તરફી શીખ ‘હંમેશા કેનેડાને વફાદાર રહ્યા છે અને હંમેશા કેનેડાનો પક્ષ લીધો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના દાવાના બે દિવસ બાદ આ વીડિયો સામે આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.