Abtak Media Google News
  • સોમવારે યોજાનાર કાર્યક્રમની કુલપતિ ડો.ગિરીશ ભીમાણીના માર્ગદર્શન હેઠળ ચાલતી તડામાર તૈયારી: 234 કોલેજોના યોગ બોર્ડ અને યુનિ. સાથે કરાશે એમ.ઓ.યુ
  • લોકગાયક અભેસિંહ રાઠોડ, અરવિંદ બારોટ તથા કલાવૃંદ દ્વારા સાંજે લોક સંગીતની સરવાણી કાર્યક્રમ યોજાશે

તા. 23મી મે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેની વિકાસયાત્રાના પ5 વર્ષ પૂર્ણ કરી 56 મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના તા. 23 મે 1967 ના રોજ થયેલ ત્યારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડો. ડોલરરાય માંકડથી આજદિન સુધીના કુલપતિઓના નેતૃત્વ હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ દેશની મોખરાની યુનિવર્સિટીઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિઓ, વિવિધ અધિકાર મંડળો, અધિકારીઓ અને યુનિવર્સિટીના શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક કર્મચારીઓના સામુહિક પરિશ્રમના ફળ સ્વરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમગ્ર રાજ્યમાં અગ્રીમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરી શકી છે.

Untitled 1 637

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્થાપનાકાળથી પ્રથમ કુલપતિ તરીકે લબ્ધપ્રતિષ્ઠિત, સાક્ષર ડો. ડોલરરાય માંકડ જેવા શિક્ષણના પાયાના પત્થરના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ વિકાસયાત્રામાં ગુજરાતના હાઈકોર્ટના જજ તરીકે જવાબદારી સંભાળતા એવા એ.આર. બક્ષી, નિવૃત કલેકટર અને સનદી અધિકારી રસિકભાઈ શુકલ જેવા કાબેલ વહીવટકર્તા તેમજ શિક્ષણ જગતમાં જેમનું મોખરાનું સ્થાન રહેલ છે તેવા જે.બી. સાંડીલ્ય, ડો. હરસુખભાઈ સંધવી, યશવંતભાઈ શુકલ, પ્રો. દેવરતભાઈ પાઠક, ડો. કે.એન. શાહ, પદ્મશ્રી ડો. સિતાંશુભાઈ મહેતા, ડો. શંકરભાઈ દવે, ડો. જયેશભાઈ દેસાઈ, ડો. હરસીતભાઈ જોશી, ડો. કનુભાઈ માવાણી, ડો. કમલેશભાઈ જોશીપુરા, ડો. મહેન્દ્રભાઈ પાડલિયા, પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણ, ડો. નીતિનભાઇ પેથાણી સહિતના વિવિધ પ્રકારના અનુભવ, કૌશલ્ય ધરાવતા શિક્ષણ અને અન્ય ક્ષેત્રના તજજ્ઞ અને નિષ્ણાંત કુલપતિઓનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગિરીશભાઈ ભીમાણી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56 મા સ્થાપના દિવસે યોજાનારા કાર્યક્રમોની વિગતો આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં તા. 23/પ/ર0રર, સોમવારના રોજ સવારે 11:30 કલાકે કેમ્પસ સ્થિત સરસ્વતી મંદીરે પૂજન-અર્ચન કરવામાં આવશે. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ આદ્ય કુલગુરૂ ડો. ડોલરરાય માંકડની પ્રતિમા, સ્વામિ વિવેકાનંદજીની પ્રતિમા તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી તથા ફુલહાર અર્પણ કરી ભાવાંજલી અર્પણ કરશે અને યુનિવર્સિટી કેમ્પસના મુખ્ય વહીવટી બિલ્ડીંગમાં સર્વધર્મ પ્રાર્થનાનું ગાન કરવામાં આવશે.

સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન-જન સુધી યોગને પહોંચાડવાના સંકલ્પને સાકાર કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીના સ્થાપના દિવસ નિમિતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન 234 કોલેજોના એક સાથે યોગ અંગેના એમ.ઓ.યુ. કરવાનો વિશીષ્ટ કાર્યક્રમ સાંજે 6:30 કલાકે કેમ્પસ પ્લાઝા ખાતે આયોજીત કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ત્યારબાદ જાણીતા લોકગાયક અભેસિંહ રાઠોડ, અરવિંદ બારોટ તથા કલાકવૃંદનો લોકસંગીતની સરવાણી કાર્યક્રમ યોજાશે.

શિક્ષણમંત્રી વાઘાણી વર્ચ્યુઅલ અને યોગ બોર્ડ અધ્યક્ષ શીશપાલજી રાજપૂત હાજર રહેશે

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી (વર્ચ્યુઅલ), ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજી રાજપૂત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિઓ પદ્મશ્રી ડો. સિતાંશુભાઈ મહેતા, ડો. કનુભાઈ માવાણી, ડો. કમલેશભાઈ જોષીપુરા, ડો. મહેન્દ્રભાઈ પાડલિયા, પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, ડો. નીતિનભાઈ પેથાણી તથા પૂર્વ કુલપતિઓના પરિવારજનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56 મા સ્થાપના દિવસે યોજાનાર આ કાર્યક્રમનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ ૂૂૂ. તફીફિતવિફિીંક્ષશદયતિશિું. યમી, યુનિવર્સિટીના ઓફીસીપલ ફેસબુક, ઈનસ્ટાગ્રામ, યુ-ટયૂબ પેઈજ પરથી લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.