આવતી કાલે રાજયભરમાં વેકિસનેશનની કામગીરી બંધ

રક્ષાબંધનના પર્વ નિમિતે વેકિસન આપવાનું બંધ રાખવાની રાજય સરકારની જાહેરાત

રાજયભરમાં આવતીકાલે રક્ષાબંધનના તહેવારની ઉજવણી નિમિતે વેકિસનેશનની કામગીરી બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ દ્વારા સોશિયલ મિડિયાના માઘ્યમથી કરવામાં આવી છે.દર બુધવારે રાજય સરકાર દ્વારા મમતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

જેમાં સગર્ભા મહિલાઓ, બાકો અને ઘણી મહિલાઓને વિવિધ રસી આપવામાં આવે છે અગાઉ રસીની અછતના કારણે દર રવિવારે પણ વેકિસનેશનની કામગીરી બંધ રાખવામાં આવતી હતી. પરંતુ છેલ્લા ત્રણેક રવિવારથી વેકિસન આપવાની કામગીરી ચાલુ રાખવામાં આવે છે.

આવતીકાલે રવિવારે રક્ષા બંધનનો તહેવાર છે ત્યારે હેલ્થ વર્કરો પોતાના પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી શકે તે માટે રાજય સરકાર દ્વારા આવતીકાલે રાજયભરમાં વેકિસનેશનની કામગીરી બંધ રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.રાજયમાં 60 ટકા નાગરીકોને વેકિસનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે જયારે 1પ ટકા લોકોને બન્ને ડોઝ આપી સુરક્ષીત કરી દેવામાં આવ્યા છે.