Abtak Media Google News

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે અરબી સમુદ્રના કિનારા ઉપર ભરતી તેમજ ચોમાસા દરમિયાન આવતા તોફાની દરિયાઇ ભરતીને કારણે ગામના કાંઠાનું વ્યાપક ધોવાણ થતું તેમજ કાંઠા નજીક આવેલો રસ્તો અને ખેતી લાયક વિસ્તારમાં પાણી ભરાઇ જતું અટકાવવા  દરિયા કાંઠે ત્રણ અલગ સ્થળે 210, 180 અને 150 મીટર મળી કુલ 540 મીટરની લંબાઇમાં  રૂ. 298.44 લાખના ખર્ચે પ્રોટેકશન વોલ બનાવવામાં આવશે. આ કામગીરીનું ભૂમિપૂજન વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું.

Advertisement

આ અવસરે સામાજિક વનીકરણ વિભાગ, નારગોલ ગ્રામ પંચાયત તેમજ ફોરેસ્ટ ક્રિએટેર્સ એનવાઇરો ક્રિએટેર્સ ફોઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે મિયાવાકી પધ્ધતિથી 1.20 લાખ વૃક્ષોના વાવેતર કામગીરીનો પણ મંત્રીશ્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ અવસરે આદિજાતિ વિકાસ રાજયમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, લોકોપયોગી હોય તેવા દરેક કાર્યોમાં પ્રજાજનોનો સહયોગ આવશ્યક છે.

નારગોલ ગામે 540 મીટરની લંબાઇમાં પ્રોટેકશન વોલ બનાવવાથી આશરે 15 હેક્ટર જમીનને દરિયાઇ ભરતીથી થતા નુકસાન સામે રક્ષણ આપી શકાશે. વિશ્વ વન દિવસની શુભેચ્છાઓ પાઠવતાં મંત્રીશ્રીએ પર્યાવરણ જાળવણી માટે સૌને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું યોગ્ય જતન કરવા અનુરોધ કર્યો હતો. મુંબઇ સહિત વિવિધ બંદરોના નિર્માણથી થયેલી સંબંધિત વિસ્તારની પ્રગતિનો ચિતાર આપી નારગોલ બંદર બનાવવાથી કોઈને પણ મોટું નુકસાન થવાનું નથી ત્યારે આ બંદર બનાવવાના કારણે નુકસાન અંગેના નકારાત્મક પ્રચારથી દૂર રહી નારગોલ ગામના સંપૂર્ણ વિકાસ માટે સૌ ગ્રામજનોને સહયોગ આપવા તેમણે જણાવ્યું હતું. સમગ્ર વલસાડ જિલ્લાના પરિવારોને નલ સે જલ યોજના અંતર્ગત પીવાનું શુદ્ધ પાણી આપવા ઉપરાંત કિસાન સર્વોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે વીજળી મળે અને  ઉમરગામ તાલુકાના તમામ ગામોમાં પાકા રસ્તાની સુવિધાઓ મળી રહે તે માટેનું સુચારુ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરાયું છે. આગામી સમયમાં ઉમરગામ તાલુકામાં 39 જેટલા રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવનાર હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ અવસરે નારગોલ સરપંચ કાંતિભાઈ, જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, જી. પંચાયત સભ્ય શ્રી ભરતભાઈ જાદવ, અગ્રણી રામદાસ વરઠા, અનિલભાઈ જૈન, ઉમરગામ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ નરોત્તમભાઈ પટેલ સહિત સમાજના હાજર રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.