Abtak Media Google News

બે લાખની છેતરપિંડીનો ભોગ બન્યાનો વીડિયો વાયરલ કરી યુવાને ભર્યુ પગલું

જૂનાગઢના વંથલીમાંથી છ  દિવસ અગાઉ ગુમ થયેલ યુવાનનો મૃતદેહ  ઓજત ડેમ માંથી મળી આવ્યો હતો. જો કે, આ યુવકે આત્મહત્યા કર્યા પહેલા એક વીડિયો વાયરલ કર્યો હતો અને તેમાં તેમની સાથે એક વ્યક્તિએ રૂપિયા બે લાખની છેતરપિંડી કરી હોવાનું આ વીડિયોમાં જણાવેલ છે.

જુનાગઢ જિલ્લાના વંથલી ગામે દલિત વાસમાં રહેતા રિક્ષાચાલક યુવક રમેશ ઉર્ફે ભયો મંગાભાઈ વાણવી છેલ્લા છ દિવસથી ગુમ થયો હતો અને પરિવારજનો સહિત પોલીસ તંત્ર દ્વારા યુવકની શોધખોળ જારી કરવામાં આવી હતી, દરમિયાન ગઈકાલે આ યુવકનો મૃતદેહ વંથલી નજીકના ઓજત ડેમ માંથી મળી આવ્યો હતો. બાદમાં આ યુવકના મૃતદેહને પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.દરમિયાન જાણવા મળતી વિગતો અનુસાર મરણ જનાર વંથલીના યુવક રમેશ ઉર્ફે ભયો વાણવી એ આપઘાત કર્યા પહેલા એક વિડીયો ઉતાર્યો હતો અને તેમાં તેમણે જણાવ્યું હતું કે વંથલીના ઉપલા વાસમાં રહેતા સંજય મંગાભાઈ માકડિયા એ પ્લંબીંગ ના રૂપિયા બે લાખ રમેશભાઈને ન આપી,  રૂપિયાના ખોટા વાયદા કરી, મારી સાથે છેતરપિંડી કરી છે અને પોલીસને વિનંતી છે કે આ શખ્સને કડીમાં કડી સજા કરવામાં આવે, મારા મોતનો જવાબદાર આ શખ્સ છે અને તે વંથલી ખાતે રહે છે.

પોલીસને મરણ જનાર યુવક દ્વારા ઉતારવામાં આવેલા આ વિડીયો હાથ લાગ્યો છે અને આ સહિત વિવિધ બાબતે યુવકના મોત અંગે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.

વંથલીના આ આશાસ્પદ યુવાનના પ્રથમ ગુમ થયા બાદ ગઈકાલે છ દિવસ બાદ મૃતદેહ મળી આવતા પરિવારજનો ઉપર આકાશ તુટ્યો હોય તેવો ઘેરો શોક વ્યાપ્યો છે. તો વંથલી પંથકમાં આ બનાવને લઇને અરેરાટી વ્યાપી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.