Abtak Media Google News

કાપડની દુકાનમાં સેલ્સમેન, એસટીડી પીસીઓ અને બ્રાસ પાર્ટનો ધંધો કર્યો પણ કંઇ ન વળ્યું એટલે ઝડપથી પૈસાદાર બનવા જયેશ પટેલ ગુનાખોરીના રવાડે ચડયો

લોઠીયાથી લંડન સુધીની સફર દરમિયાન અનેક પૂર્વયોજીત ગુન્હાની હારમાળા : પ્રાથમિક શિક્ષણ લોઠિયાની સરકારી શાળામાં લીધું: કાપડની દુકાનમાં સેલ્સમેનશીપ કરી અને પીસીઓ પણ ચલાવ્યો: ઝડપથી પૈસાદાર બનવાની લાલચ અને વૈભવી જીંદગીના સપના દોરી ગયા ગુન્હાખોરી તરફ: ગેસ એજન્સી, તેલ-ચોખાનો ધંધો પણ કર્યો પરંતુ સંતોષ ન થતાં આખરે શોર્ટકટ અપનાવ્યો: અનેક નામાંકિતો સાથે ઓળખાણ કરી ઇમ્પોર્ટ-એક્સપોર્ટમાં પણ હાથ અજમાવ્યો: 1999માં બ્રાસપાર્ટના કારખાનેદાર સાથે છેતરપિંડી કર્યાનો પ્રથમ ગુન્હો દાખલ થયો અને પછી શરૂ થઇ ગુન્હાહિત સફર

Advertisement

જામનગર શહેર-જીલ્લામાં એક પછી એક ગુનાઓને અંજામ આપી સુવ્યવસ્થિત (ઓર્ગેનાઈઝડ) ક્રાઈમની દુનિયામાં ડૂબી ગયેલ કુખ્યાત જયેશ પટેલ કોણ છે? જામનગર નજીકના નાના એવા લોઠીયા ગામમાં જન્મેલ જયેશ લંડનથી પકડાયો છે. ત્યારે લોઠીયાથી લંડન સુધીની કેવી છે જયેશની ક્રાઈમ કુંડળી, આવો એક નજર કરીએ. જામનગર તાલુકાના લોઠીયા ગામે મુળજીભાઈ રાણપરીયાના ઘરે તા. 18/8/1979ના રોજ જયેશનો જન્મ થયો હતો. જન્મ સમયે પિતાની પરિસ્થિતિ સામાન્ય હતી.

ટૂંકી ખેતી ધરાવતા પટેલ પરિવારમાં જન્મેલ જયેશે પ્રાથમિક શિક્ષણ લોઠીયા ગામે લીધું હતું. ભણવામાં પ્રથમથી જ મન ન લાગતા આખરે જયેશે જામનગરની વાટ પકડી હતી. વર્ષ 1998માં સરાફતથી મજુરી કામ કરવાની શરૂઆત કરી, જામનગર આવી સૌ પ્રથમ જયેશ હવાઈચોક ખાતે આવેલ પ્રિન્સ નામની કાપડની દુકાનમાં સેલ્સમેન તરીકે જોડાયો હતો. જામનગરમાં એ દુકાન તેની કારકિર્દીની શરૂઆત ગણાવી શકાય, આવી જ નોકરી માટે તે જામનગર છોડી મુંબઈના ખાર વિસ્તાર પહોચ્યો હતો. જ્યાં રામસાગર નામની કાપડની દુકાનમાં પણ કામ કર્યું હતું.

જો કે આ નોકરીમાં મન નહિ લાગતા ફરી જામનગર આવી ગયો હતો. રામેશ્વરનગરમાં રહેતા જયેશને નોકરીથી કાઈ નહિ વળે ખુદનો ધંધો એ જ રાજા એમ માની પોતાના ધંધા તરફ નજર દોડાવી હતી.જયેશને તો બસ માલામાલ થવું હતું. એક દિવસ ખુબ રૂપિયા કમાઈ નામ કમાવવું હતું. મોટી મહત્વાકાંક્ષા સાથે જયેશે પોતાના ધંધા તરફ જુકાવ્યુ, શરૂઆતમાં એસટીડી પીસીઓ શરુ કરી વ્હાઈટ ધંધો શરુ કર્યો, પરંતુ ફોનના ચક્કર ઘુમાવી ઘુમાવી રૂપિયાવાળું નહિ બની શકાય એવો અણસાર આવી જતા જયેશે ગેસ પાઈપ લાઈનની એજન્સીમાં ઝંપલાવ્યું હતું. આ ધંધામાં પણ બરકત નહિ થતા જયેશે તેલ અને ચોખાના હોલસેલ ધંધામાં હાથ અજમાવ્યો,

આ આ ધંધામાં બહુ પ્રગતિ ન થઇ પરંતુ શોર્ટકટથી કેમ માલ બની શકાશે એ જયેશને સમજાઈ ગયું હતું. જો કે હોલસેલ વેપાર પણ લાંબો સમય ન ચાલતા આખરે જયસુખે ઉદ્યોગનગરમાં સૂર્યોદય નામેથી બ્રાસનું કારખાનું ઉભું કર્યું હતું. બહુ ટૂંકા ગાળામાં ચાર-પાંચ ધંધા બદલી નાખી જયેશે શહેરના અનેક નામી અનામી શખ્સો સામે સબંધ કેળવી લીધા હતા. વર્ષ 2006માં પટેલ સો-મિલ ચાલુ કરી તેની સાથે સાથે પટેલ ટ્રેડીંગ નામથી ઓફીસ ખોલી ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો નવો વ્યવસાય ચાલુ કર્યો હતો. આ ધંધામાં જયેશને સારી એવી ફાવટ આવી જતા ઓફીસ વિસ્તાર અમદાવાદ સુધી પહોચ્યો હતો.

અમદાવાદમાં બોપલ વિસ્તારમાં જીમખાના રોડ પર સોબો સેન્ટરમાં પમ્પોઝ એનીમેશનના નામથી રીયલ ચિત્રમાંથી આર્ટીફીશયલ ચિત્ર બનાવવાનો નવો વ્યવસાય પણ શરૂ કર્યો હોવાની વિગતો જાણવા મળી છે. જયેશની ગુન્હાહિત જીવનની શરૂઆત થઇ હતી વર્ષ 1999થી, શહેરના જ બ્રાસ ઉદ્યોગમાં પ્રથમ છેતરપીંડી આચરી પોલીસ દફતરે હાજરી પુરાવી હતી, ત્યારબાદ બીજા જ વર્ષે એટલે કે વર્ષ 2000માં મોટર સાયકલ ચોરીનો ગુનો નોંધાયો હતો. આ જ વર્ષે રાજકોટ શહેરમાં ચીટીંગ કરી એક મોટરસાયકલ પચાવી પાડ્યું હતું. વર્ષ 2004માં કોટડાસાંગાણી ખાતે જયેશ સામે ચીટીંગનો વધુ એક ગુનો નોંધાયો હતો. આ છેતરપીંડી બાદ જયેશ સામે જામનગરમાં વર્ષ 2006માં આંગડીયા ચીટીંગ સહિત દોઢ વર્ષમાં છેતરપીંડીની ત્રણ ફરિયાદ નોંધાઈ હતી.

આ પ્રકરણ બાદ વર્ષ 2008માં જામનગરમાં પ્લોટ પચાવી પાડવા માટે મારીમારી સબંધિત પણ ફરિયાદ દાખલ થઇ હતી. હવે જયેશને પોલીસ દફતર આવન-જાવન વધી જતા અમુક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ધરોબો વધ્યો હતો. સતત વધતા જતા ગુન્હા બાદ જયેશની નજર જમીન કૌભાંડ તરફ વળી હતી. વર્ષ 2010માં શહેરના ગ્રીન સીટી અને રણજીત સાગર રોડ પરથી જમીન પચાવી પાડવા માટે અપહરણ, ધાક-ધમકી સહિતની ત્રણ ફરિયાદો દાખલ થઇ હતી. આ ઉપરાંત જામનગર તાલુકાના ચંગા ગામે જમીન પ્રકરણમાં હત્યા નીપજાવવા સહીતના સંગીન આરોપો સાથે જયેશ સામે ફરિયાદ થઇ હતી. આ ઉપરાંત લાલપુર તાલુકાના ધોરીવાવમાં બોગસ દસ્તાવેજ બનાવી જયેશ સામે જમીન પચાવી પાડવાના પ્રયાસ સબંધિત ગુનો નોંધાયો હતો.

વર્ષ 2011માં જયેશ સામે જમીન પ્રકરણના ચાર ગુનાઓ નોંધાયા હતા. જેમાં બનાવટી દસ્તાવેજને આધારે જમીન પચાવી પાડવા સબબ જામનગર અને લાલપુર પોલીસમાં ચાર ફરિયાદ દાખલ થઇ હતી. આ ઉપરાંત આ જ વર્ષે મારામારી અને હત્યા પ્રયાસ સબંધિત એક ફરિયાદ પણ જયેશ સામે નોંધાઈ હતી. વર્ષ 2014માં ગાંધીનગર ખાતેના સેક્ટર સાતમાં અને વર્ષ 2015માં અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ખોટા ડોકયુમેન્ટ તૈયાર કરી જમીન પચાવી પાડવાની બે ફરિયાદો નોંધાઈ હતી. આ ઉપરાંત વર્ષ 2015માં જ જયેશે ખેડૂતોની જમીન પચાવી પાડવા માટે મારામારી કરી મોબાઈલની લુંટ ચલાવી ખોટા ડોક્યુંમેન્ટ બનાવી બે ગુન્હાઓ આચર્યા હતા.

વર્ષ 2016માં જામનગર શહેરમાં ત્રણ જમીન કૌભાંડ આચરવા સબબ જુદી જુદી ફરિયાદો નોંધાઈ હતી. આ જ વર્ષે જામનગરમાંથી મોબાઈલની લુંટનો પણ એક ગુનો દાખલ થયો હતો. આ જ વર્ષ એટલે કે વર્ષ 2016માં જયેશ અને તેની ટોળકી સામે સુરત શહેરમાં રાંદેર પોલીસ સ્ટેશનમાં જમીન પચાવી પાડવા માટે ખોટા ડોક્યુંમેન્ટ ઉભા કરવા સબબનો એક ગુનો નોંધાયો છે. વર્ષ 2017માં કસ્ટડી દરમિયાન જાપ્તામાંથી નાશી જવાના પ્રયાસ અને ગેર કાયદે સગવડ પૂરી પાડવા સબબની બે જુદી જુદી ફરિયાદ પણ નોંધાઈ હતી. જયારે આ જ વર્ષે એટલે કે વર્ષ 2017માં મુંબઈ ખાતેથી ખોટા પાસપોર્ટ સાથે વિદેશ ભાગી જવાની વેતરણ કરતા જયેશ પટેલ પકડાઈ ગયો હતો.

એક પછી એક જમીન કૌભાંડ આચરી જયેશ વર્ષ 2018 સુધીમાં તો માલામાલ બની ગયો હતો. પોલીસ પણ માનવા લાગી હતી કે તે પોલીસ કરતા એક ડગલું આગળ જ રહે છે. જામનગરના જ ઈવા પાર્કના 100 કરોડના જમીન કૌભાંડમાં જયેશને સૌથી વધુ મુશ્કેલી ભોગવવી પડી હતી. જેમાં જમીન પર છુટકારો મેળવવા છેક સુપ્રીમ સુધી લાંબુ થવું પડ્યું હતું. જેને લઈને વકીલ કિરીટ જોશી સાથે રાગદ્વેષ થયો હતો. અંતે જયેશ પટેલે ઈવા પાર્ક વાળા પ્રકરણમાં જામીન પર છૂટી ભાડુતી માણસો રોકી વકીલ કિરીટ જોશીની હત્યા નીપજાવી હતી. આ જ વર્ષે વકીલ હત્યા પ્રકરણમાં સાક્ષી બનેલ હસુ પેઢડીયાને ધમકી પણ આપી હતી. જેની એ ડીવીજનમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ ઉપરાંત ભૂગર્ભમાં રહીને જયેશે ગુનાખોરીને વિસ્તારી હતી. હવે જયેશ ઓર્ગેનાઈજ્ઝ ક્રાઈમ તરફ આગળ વધ્યો હતો જેમાં શહેરના વ્હાઈટ કોલર અને ગુન્હાહિત ઈતિહાસ ધરાવતા સખ્સો એમ બે પ્રકારની ગેંગ ઉભી કરી હતી. જેમાં વાંધા વાળી જમીનની વિગતો, માલદાર વેપારીઓની માહિતી, ધાક ધમકી આપવી અને ખંડણી ઉઘરાવવી શરુ કરી હતી. આ વ્યવસ્થિત ક્રાઈમમાં વર્ષ 2019માં જામનગરમાં અલગ અલગ ચાર જમીન કૌભાંડ પણ આચર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત જમીન-મકાનના દલાલ પર ફાયરીંગ અને બીટ કોઈન પ્રકરણમાં ચર્ચાસ્પદ બનેલ જામનગરની નિશા ગોંડલિયા પર ફાયરીંગ પણ કરાવવાનો આરોપ છે. આ જ વર્ષે ખંભાલીયામાં એક જમીન કૌભાંડ અને ખંભાલીયા નજીક ફાયરીંગ કરાવવાનો પણ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ વર્ષ 2020ના જુલાઈ માસમાં જામનગરમાં બિલ્ડર ગીરીશ ડેર પર ફાયરીંગ કરાવી હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો.

સતત વધતી જતી ગુનાખોરીને ડામવા માટે સરકારે ઓપરેશન જયેશ પટેલ શરૂ કર્યું, છતાં પણ જયેશ પટેલની ગુન્હાહિત પ્રવૃત્તિ ના રોકાઈ તે ન જ રોકાઈ, પોલીસે જયેશ પટેલ અને તેની ગેંગને રફે દફે કરવા ઓર્ગેનાઈઝડ ક્રાઈમના સીન્ડીકેટને તોડવા માટે ગુજસીટોક સબંધિત કાર્યવાહી કરી છે આ ઉપરાંત દરેડ ગામમાં લેન્ડ ગ્રેબિંગ એકટ અંતર્ગત ગુનામાં પણ તેની સંડોવણી ખુલવા પામી છે. આ જ વર્ષે તેની પર આરોપીઓને હથિયારો સપ્લાય કરવા સબબ અને બિલ્ડર જયસુખ ઉર્ફે ટીના પેઢડીયા પર ફાયરીંગ કરાવી હત્યા નીપજાવવાના પ્રયાસ સબંધીત છેલ્લો ગુનો નોંધાયો છે.

આમ જામનગર, અમદાવાદ, રાજકોટ, સુરત અને ગાંધીનગર તેમજ મુંબઈ સુધીના પોલીસ દફતર સુધી પહોચી ચૂકેલ જયેશ પટેલ સામે બે દાયકામાં 46 ગુનાઓ નોંધાયા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જેમાં બે હત્યા, ચાર હત્યા પ્રયાસ, એક લુંટ, ચીટીંગના ચાર ગુનાઓ, મિલકત સબંધિત અને બોગસ દસ્તાવેજ સબંધિત 19 ગુનાઓ, અપહરણની બે ફરિયાદ, ખંડણી સબંધિત ચાર ગુનાઓ અને અન્ય પરચુરણ પાંચ સહીત કુલ 46 ગુનાઓ નોંધાયા છે. આ તો પોલીસ દફતરમાં નોંધાયેલ ક્રાઈમ કુંડળી છે પરંતુ જયેશ પટેલ સામે ગાંધીધામ અને મુંબઈ ડીઆરઆઈમાં બ્રાસપાર્ટ તેમજ સિગારેટની દાણચોરી સબંધિત પણ કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ હવાલા મારફતે ગેરકાયદે આર્થિક વ્યવહારો કરવા સબબ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

વકીલ કિરીટ જોષીની હત્યા માટે રૂ.3 કરોડની સોપારી આપી રૂ.20 લાખ એડવાન્સ આપ્યા’તા

ત્રણેય ભાડુતીમારા બોગસ પાસપોર્ટ બનાવી થાઇલેન્ડ પહોંચ્યા

જયેશ પટેલ દર મહિને રૂ.2થી 5 લાખનો ખર્ચ ચૂકવતો હોવાની કબુલાત

જામનગરના ટાઉનહોલ પાસે એડ્વોકેટ કિરીટ જોષીની છરીના ઘા ઝીંકી હત્યા કરવાના ગુનામાં છેલ્લા ત્રણેક વર્ષથી વોન્ટેડ દિલીપ નટવરલાલ પૂજારા તેના ભાઇ હાર્દિક અને જયંત અમૃતલાલ ચારણને જામનગર પોલીસે કોલકતાથી ઝડપી લીધા બાદ જામનગર લઇ આવી કોવિડ ટેસ્ટ નેગેટીવ આવતા વિધિવત ધરપકડ કરવામાં આવી હતી. 15 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે.

હત્યા કરાવનાર જયેશ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ પણ લંડનથી પકડાઇ જતાં હવે તેનો કબજો લેવા માટે કેન્દ્રીય એજન્સીઓએ પ્રત્યાર્પણની પ્રક્રિયા આરંભી દીધી છે. પોલીસ તપાસમાં એવું ખૂલ્યું છે કે, રીવા પાર્કના જમીન કૌભાંડમાં આરોપી જયેશ પટેલ અને બીજા આરોપીઓને સેશન્સ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન તથા રેગ્યુલર જામીન મેળવવામાં નિષ્ફળતા મળી હતી. જેને કારણે લાંબા સમય સુધી જેલવાસ ભોગવવો પડતા આર્થિક નુકસાની થઇ હતી. જેનો ખાસ રાખી આરોપી જયેશ પટેલ 2017ની સાલમાં અમદાવાદની સાબરમતી જેલમાં આરોપી દિલીપ ઠકકર સાથે કાવતરું રચી તેને ત્રણ કરોડની સોપારી આપી હતી.

એટલું જ નહી તેને અને તેના ભાઇ હાર્દિક કે જે રાજકોટ જેલમાં હતો, તેને પેરોલ પર છોડવવાની વ્યવસ્થા પણ કરાવી આપી હતી.

બીજી ગેંગના સાયમન લુઇસ અને અજય મહેતા સાથે મુંબઇ મિટિંગ કરી તેમને પણ 50 લાખમાં સોપારી આપી હતી. બંને ગેંગના સભ્યો તેની સાથે વોટ્સએપથી સંપર્કમાં હતા. બંને ગેંગને તેણે એડ્વોકેટ કિરીટ જોષીનો ફોટો પણ મોકલી આપ્યો હતો.

જયેશ પટેલે અમદાવાદ, મહેસાણા, માઉન્ટ આબુ અને રાજસ્થાનમાં ઠકકર બંધુ સહિતનાઓને સીમકાર્ડ, મોબાઇલ ફોનની વ્યવસ્થા કરી આપી ત્રણ કરોડ રૂપિયાની સોપારી નકકી કરી તેમાંથી 20 લાખ રૂપિયા એડવાન્સમાં આપી દીધા હતા. જયારે લુઇસ ગેંગ સાથે મુંબઇમાં મિટિંગ કરી અઢી લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા. પરંતુ આ ગેંગથી કામ પુરું નહી થતાં આખરે ઠકકર બંધુઓ અને જયંત ગઢવીએ મળી રાજકોટમાં રહેતા સંબંધી નૈમિષ ગણાત્રાની મદદથી બે બાઇકની ખરીદી કરી તેમાં જામનગર જઇ હત્યાને અંજામ આપ્યો હતો.હત્યા બાદ આરોપીઓ રાજકોટ આવતા હતા ત્યારે સોયલ, પડધરી, ગોંડલના ભરૂડી ટોલનાકા અને રાજકોટના જુદા-જુદા સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા. જેના આધારે પોલીસે આરોપીઓની ઓળખ મેળવી હતી. હત્યા બાદ ત્રણેય આરોપીઓ ખોટા નામ ધારણ કરી નેપાળની સનોલી બોર્ડરથી કાઠમંડુ અને પોખરામાં આશરો લીધો હતો. ત્યારબાદ નેપાળથી ભારતમાં દાર્જીલીંગમાં આવી ત્યાંથી ભૂટાન જતા રહ્યા હતા. જયાં દોઢેક મહિનો રોકાઇ ફરીથી ભારતમાં વગેરે સ્થળોએ રોકાયા હતા. ત્યાંથી મુંબઇ આવતા રહ્યા હતા અને ખોટા નામ ધારણ કરી પાસપોર્ટ બનાવી થાઇલેન્ડમાં મુખ્ય સુત્રધાર જયેશ પટેલને મળ્યા હતા. જયાંથી થોડા દિવસ પહેલા કોલકતા પરત ફર્યા હતા અને ત્યાંથી પકડાઇ ગયા હતા.

આરોપીઓએ પૂછપરછમાં કબૂલાત આપી છે કે આરોપી જયેશ પટેલે એડ્વોકેટ કિરીટ જોષી અને તેની કારના ફોટા મોકલ્યા હતા. એટલું જ નહીં તેમને દર મહિને રૂ.3થી 5 લાખની આર્થિક મદદ પણ કરતો હતો.

ભાડુતી મારાના રિમાન્ડ અરજીની દલીલમાં સ્પેશિયલ પીપી અનિલભાઇ દેસાઇ ઉપસ્થિત રહ્યા

Xd

જામનગર સહિત રાજયભરમાં ચકચાર મચાવનાર એડવોકેટ કિરીટ જોષી હત્યા કેસમાં પરિવારને ન્યાય અપાવવા માટે સરકાર દ્વારા સ્પેશ્યલ પીપી તરીકે સૌરાષ્ટ્રના જાણીતા એડવોકેટ અને રાજકોટ બાર એસોસિએસનના પૂર્વ પ્રમુખ તેમજ રાજકો જિલ્લા સરકારી વકીલ તરીકે પસંશનીય ફરજ બચાવી ચુકેલા અનિલભાઇ દેસાઇની નિમણુંક કરવામાં આવી છે.

કલકતાથી ઝડપાયેલા ત્રણ ભાડુતી મારાની પોલીસ દ્વારા 15 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવતા સરકાર પક્ષે દલીલ કરવા માટે એડવોકેટ અનિલભાઇ દેસાઇ જામનગર કોર્ટમાં ખાસ ઉપસ્થિત રહ્યા છે. તેઓ આ પહેલાં અમરેલીના અદિતી હત્યા કેસ, કાળીપાટ ડબલ મર્ડર, જસદણના હત્યા કેસ સહિત અનેક ચકચારી કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે તેઓની નિમણુંક આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.