Abtak Media Google News

અબતક, રાજકોટ

આમ, તો ગાય અને વાઘની લડાઈમાં વાઘનું પલડું ભારે જ હોય છે પણ ચાયની ચુસ્કીમાં પણ વાઘે ગાય પર જીત મેળવી છે..!! હવે તમને થશે કે આ ચાની ચૂસકીમાં વાઘ અને ગાય..?? હા અહીં વાત થઈ રહી છે ફેમસ વાઘ બકરી અને ગાય બકરી ચાની..!! દરઅસલ વાઘબકરી ચા  બ્રાન્ડ ધરાવતી ગુજરાત ટી ડિપોટે તાજેતરમાં ગાય બકરી બ્રાન્ડને લઈને નિધિ ટી પેકર્સ પર કેસ કર્યો હતો. ગુજરાત ટી ડિપોટનું કહેવું છે કે તેની બ્રાન્ડ વાઘ બકરી ચાની નિધિ ટી પેકર્સ ગાય બકરી ચા લોન્ચ કરી તેની કોપી કરી રહી છે.  ચાના બ્રાન્ડિંગ પર બૌદ્ધિક સંપત્તિ અને કોપીરાઇટની આ લડાઈમાં વાઘબકરીએ ગાયબકરી પર વિજય મેળવ્યો છે.

વાઘ બકરીનું માર્કેટીંગ કરતી ગુજરાત ટી ડેપો કંપનીને બ્રાન્ડના ઉપયોગ બદલ નિધિ ટી પેકર્સે રૂ. ૨૫ હજાર ચૂકવ્યા

ગુજરાતની જાણીતી ચા બ્રાન્ડ વાઘ બકરી કે જેનું માર્કેટિંગ  ગુજરાત ટી ડેપો વર્ષ ૧૮૯૨થી કરી રહ્યું છે. તેને જાણવા મળ્યું કે અમદાવાદ સ્થિત ચા પ્રોસેસર નિધિ ટી પેકર્સે ટ્રેડમાર્ક ગાય બકરી હેઠળ તેનું ઉત્પાદન લોન્ચ કર્યું છે. ગુજરાતટી ડેપોએ નિધિ પર દાવો માંડ્યો. સિવિલ કોર્ટમાં દલીલ કરી કે નિધિ ટી પેકર્સે કપટ કરી સમાન ટ્રેડમાર્ક અપનાવ્યો છે. ગાય બકરીનું પેકેજીંગ અને તેનું આખું માળખુ વાઘ બકરી જેવુ જ છે.

ગુજરાતની જાણીતી અને વર્ષો પુરાણી ચા વાઘ બકરીની કોપી કરવાનું ગાય બકરીને ભારે પડયું…!!

જે ગેરકાયદે છે. તેણે વધુમાં રજૂઆત કરી કે નિધિ ટી પેકર્સે તેના ચા ઉત્પાદન માટે રંગ, ગેટ-અપ અને વાઘ બકરીના લેબલ/પેકેજની ગોઠવણીની નકલ કરી છે. ગુજરાત ટી ડેપોએ કહ્યું કે તેનું લેબલ કોપીરાઈટ એક્ટ અને ટ્રેડ માર્ક્સ એક્ટ હેઠળ સુરક્ષિત છે. વાઘ બકરીના માલિકોએ એમ પણ કહ્યું કે કંપની અમદાવાદમાં  તેનું ઉત્પાદન વેચી રહી છે અને તેના વિતરકો બજારમાં માલ ડમ્પ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિધિ ટી પેકર્સે તેના માલને વાઘ બકરીના માલ તરીકે પસાર કરવાનો પ્રયાસ કરી રહી છે.

ગુજરાત ટી ડેપોએ ગાય બકરી લેબલ હેઠળ તેની ચા વેચવા માટે નિધિ ટી પેકર્સ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી અને કહ્યું કે વાઘ બકરી ગ્રુપ ૧૮૯૨થી ચાનું વેચાણ કરે છે અને ૪૦ દેશોમાં તેની નિકાસ કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લેબલની નકલ કરવાના કૃત્યથી વાઘ બકરી બ્રાન્ડનું નામ ખરાબ થઈ ગયું છે અને નિધિ ટી પેકર્સ પાસેથી ૨.૭૫ લાખ ‚પિયાના નુકસાનની માંગ કરી છે. આ વિવાદથી નિધિએ ટ્રેડમાર્ક રજિસ્ટ્રીમાંથી ગાય બકરી લેબલની નોંધણી માટેની વિનંતી પાછી ખેંચી લીધી. અને પાછળથી સ્વીકાર્યું કે વાઘ બકરી એક કોપીરાઇટ લેબલ છે અને તે ગાય બકરી નામનો ઉપયોગ કરીને તેનું ઉત્પાદન હવે વેચશે નહીં. આ માટે તેણે ગુજરાત ટી ડેપોને ૨૫,૦૦૦ રૂપિયા પણ ચૂકવ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.