Abtak Media Google News

વિક્રમ સંવત ર૦૭૪ના નવા વર્ષમાં લગ્નનાં મુહૂર્ત માત્ર ૪૯ દિવસનાં રહેશે. ગત વર્ષે લગ્નનાં મુહૂર્તની સંખ્યા પ૬ દિવસ હતી, જે આ વર્ષે ઘટી છે અને એમાં સાત દિવસ ઓછા મળશે.

Advertisement

જોકે છેલ્લાં ત્રણ વર્ષની સરખામણી કરવામાં આવે તો વિક્રમ સંવત ર૦૭રમાં ફક્ત ૪૪ મુહૂર્ત હતાં, જે સંવત ર૦૭૩ની સરખામણીએ પાંચ દિવસ ઓછા હતા. આ વર્ષની લગ્નસરાની સિઝનની શરૂઆત ર૩ નવેમ્બરથી થશે, જે દર વર્ષ કરતાં મોડી શરૂ થશે. જ્યારે લગ્નની સિઝનનું સમાપન ર૩ જુલાઇએ થશે. આ વર્ષ દરમિયાન અધિક માસ આવશે. અધિક જેઠ માસના કારણે મે અને જૂન મહિનામાં લગ્નોની સંખ્યા ઘટશે. ૩૧ ઓક્ટોબરે દેવ ઊઠી અગિયારસની સાથે સામાન્ય રીતે લગ્નસરાની શરૂઆત થાય છે, પરંતુ આ વર્ષે ગુરુ અસ્તનો છે. તેથી ૭ નવેમ્બર સુધી લગ્નનું એક પણ મુહૂર્ત આવશે નહીં. ત્યાર પછી પહેલું મુહૂર્ત ર૩ નવેમ્બરે આવશે. ડિસેમ્બરમાં પરંપરાગત દિવસો છે, જેમાં ૧પ ડિસેમ્બરથી ધનારક શરૂ થશે, જેથી ૧૪ જાન્યુઆરી બાદ લગ્નો શરૂ થશે.

આ વર્ષે જાન્યુઆરીમાં લગ્નનું એક પણ મુહૂર્ત નથી. છેક ફેબ્રુઆરીની પ તારીખે લગ્નની સિઝન શરૂ થશે, જે રર ફેબ્રુઆરીથી ૧ માર્ચ સુધી હોળાષ્ટક સાથે અટકશે. ૧૪ માર્ચથી ફરી મીનારકના કારણે લગ્નો બંધ થશે, જે એપ્રિલની ૧૪ તારીખે ફરી શરૂ થશે. ૧પ મેના રોજ અધિક માસના કારણે ૧પ જૂન સુધી લગ્નો બંધ રહેશે. આ બે માસમાં લગ્નની સિઝન પુરજોશમાં રહેતી હતી, જે અડધી થઇ જશે. ત્યારબાદ ૧પ જૂનથી લગ્ન સિઝન શરૂ થશે.

સંવત ર૦૭૪ આ વર્ષે નવેમ્બર-ર૦૧૭માં ર૩, રપ, ર૮, ર૯, ૩૦ અને ડિસેમ્બરમાં ૩, ૪, ૧૦, ૧૧ અને ૧ર તારીખે લગ્નો યોજાશે. ત્યારબાદ જાન્યુઆરી ખાલી જશે. ગત વર્ષે જાન્યુઆરીમાં લગ્નનાં સાત મુહૂર્ત હતાં. ફેબ્રુઆરી-ર૦૧૮માં પ, ૬, ૭, ૧૮, ૧૯, ર૦, માર્ચમાં ૩, ૪, પ, ૬, ૮, ૧ર, એપ્રિલમાં ૧૯, ર૦, ર૪, રપ, ર૬, ર૭, ર૮, ર૯, મેમાં ૧, ૩, ૪, પ, ૮, ૧૧, ૧ર, જૂનમાં ૧૮, ર૧, રર, ર૩, ર૯ અને જુલાઇમાં ૧, ર, પ, ૬, ૭, ૧૦ અને ૧પ જુલાઇ સુધી લગ્નનાં મુહૂર્ત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.