Abtak Media Google News

અબતક, શબનમ ચૌહાણ સુરેન્દ્રનગર

વિરમગામમાં માનવ જીવનનું અંતિમ ધામ એટલે સ્મશાન પરંતુ મોટાભાગના લોકો સ્મશાનમાં રાત્રે જવાનું ટાળતા હોય છે. વિરમગામ શહેરમાં ઐતિહાસીક મુનસર તળાવના કિનારા પર આવેલા શિવ મહેલ સાર્વજનિક સ્મશાન ગૃહમાં દંપતિએ અનોખી રીતે સફળ લગ્ન જીવનના 30 વર્ષ પુર્ણ કર્યાની ઉજવણી કરી હતી. સ્મશાન ગૃહમાં ચોરી શણગારી શાસ્ત્રોક્ત વિધી કરવામાં આવી હતી અને ઉપસ્થીત મહેમાનોએ કાઠીયાવાડી ભોજનની રંગત માણી હતી.

સામાન્ય રીતે લોકો પોતાના લગ્નની વર્ષ ગાંઠની ઉજવણી પરીવાર સાથે હોટલ, મોલ કે મલ્ટીપ્લેક્ષમાં પરીવાર સાથે જઇને કરતા હોય છે પરંતુ વિરમગામમાં રહેતા સુરેશભાઇ ચંડીએ લગ્ન જીવનના 30 વર્ષ પુર્ણ કર્યાની ઉજવણી પરંપરાગત રીતે કરવાના બદલે સ્મશાનમાં કરવાનું નક્કી કર્યુ હતુ. વિરમગામમાં આવેલા શિવ મહેલ સાર્વજનિક સ્મશાન ગૃહનો મુખ્ય દરવાજો રોશનીથી શણગારવામાં આવ્યો હતો અને સ્મશાનના બગીચામાં ચોરી શણગારવામાં આવી હતી. લગ્ન જીવનના સફળ 30 વર્ષ પુર્ણ કરનારા દંપતિને  સ્મશાનમાં જ અનેક લોકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી અને ભેટ સોગાદો આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિરમગામમાં સુરેશભાઇ ચંડી દ્વારા ઘણા વર્ષોથી સબ વાહિની ની સેવા આપવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.