Abtak Media Google News

રીબડા ફિલ્ટર પ્લાન્ટ ખાતે સફાઈ અને પ્રિ-મોન્સુન કામગીરી સબબ ગુરુવારે વોર્ડ નં.7,13,14 અને 17ના લોકોને પાણી નહીં મળે

રાજકોટવાસીઓને ઉનાળાના આકરા દિવસોમાં પાણી માટે રતીભાર પણ હાડમારી વેઠવી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા શહેરની જળ જરૂરિયાત સંતોષતા મુખ્ય બંને જળાશયોમાં ચોમાસા સુધી ચાલે તેટલું નર્મદાનું નીર ઠાલવી દેવામાં આવ્યું છે છતાં કોર્પોરેશનની અનાવડાટના પાપે રાજકોટવાસીઓએ એક યા બીજા કારણોસર છાશવારે પાણી કાપ વેઠવો પડે છે. આગામી ગુરૂવારના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવતા ચાર વોર્ડમાં પાણીકાપ લાદવાની જાહેરાત આજે મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે.

વોટર વર્કસ શાખાના એડિશનલ સિટી એન્જિનિયરના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ ઝોન અંતર્ગત  ભાદર પાણી પુરવઠા યોજનાના રીબડા ફિલ્ટર પ્લાન્ટ પર ફલેરીફાયરની સફાઈ તથા ઈલેક્ટ્રીક અને સિવિલ વિભાગ દ્વારા પ્રિ-મોન્સૂન મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાના કારણે આગામી 27 મે અને ગુરુવારના રોજ ગુરુકુળ હેડવર્ક્સ હેઠળ આવતા વિસ્તારોમાં ઢેબર રોડ પરના વોર્ડ નંબર 7 (પાર્ટ)વોર્ડ નં. 14 (પાર્ટ) વોર્ડ  નંબર 17 (પાર્ટ) અને ગોંડલ રોડ પરના વોર્ડ નંબર 7 (પાર્ટ) અને વોર્ડ નંબર 13 (પાર્ટ)માં પાણી વિતરણ કરવામાં આવશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટને ચોમાસામાં સંતોષકારક વરસાદ ન પડે ત્યાં સુધી ચાલે તેટલું પીવાનું પાણી આજી તથા ન્યારી ડેમમાં હોવા છતાં કોર્પોરેશન દ્વારા એક યા બીજા કારણોસર સતત પાણીકાપ મૂકવામાં આવે છે.આજથી અઢી મહિના પહેલા જ્યારે શાસકોએ ખુરશી સંભાળી ત્યારે વચન આપ્યું હતું કે હવે ચોમાસા સુધી શહેરીજનોએ પાણીકાપ વેઠવો નહીં પડે તેવું પ્લાનિંગ કરવામાં આવશે. પરંતુ આ વાતનો બાષ્પીભવન થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે કાળઝાળ ઉનાળામાં પણ શહેરીજનોએ પાણી કાપ મૂકવો પડે છે.

ક્યારેક નર્મદાના નીર પૂરતા  પ્રમાણમાં ન મળ્યા હોવાનું કારણ આગળ ધરી પાણીકાપ લાદી દેવામાં આવે છે તો ક્યારેક મેઈન્ટેનન્સના રૂપકડા બહાના તળે શહેરીજનોને પાણીથી વંચિત રાખવામાં આવે છે.આજી ડેમમાં જૂન માસના અંત સુધી ચાલે તેટલો જળજથ્થો ઓછો સંગ્રહિત છે.બીજી તરફ હાલ ન્યારી ડેમમાં પણ નર્મદાના નીર ઠલવાય રહ્યા છે. છતાં શહેરીજનોના નસીબમાં જાણે કાયમી પાણીનું સુખ લખ્યું ન હોય તેવું લાગી રહ્યું છે.એક યા બીજા કારણોસર જે રીતે પાણી કાપ આવે છે તે જોતા એવું લાગી રહ્યું છે કે તંત્રની અણઆવડતનો ભોગ લોકોએ બનવું પડે છે.

થોડા સમય પહેલા પણ નર્મદાના નીરના અભાવે ચાર વોર્ડમાં ઓચિંતો પાણીકાપ ઝીંકી દેવામાં આવ્યો હતો. કોઈપણ પ્રકારની જાહેરાત વિના પાણી કાપ મૂકવો તે તંત્રની હવે નવી યુક્તિ બની ગઈ હોય તેવું જણાય રહ્યું છે. અનેક વિસ્તારોમાં ધીમા ફોર્સથી કે  અપૂરતું પાણી મળી રહ્યાની ફરિયાદ સતત ઊઠી રહી છે.

તો બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણના સમયમાં પણ આડેધડ ફેરફાર કરી નાખવામાં આવે છે.જેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે  એક ઝોનમાં પ્રિ-મોન્સૂન મેઈન્ટેનન્સની કામગીરી  સબબ પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે.હવે આ સિલસિલો તમામ ઝોનમાં લાગુ કરવામાં આવશે.

ટૂંકમાં ચોમાસુ જેમ-જેમ નજીક આવશે. તેમ-તેમ મહાપાલિકાનું તંત્ર પાણીકાપોત્સવ શરૂ કરી દેશે તેવું હાલ વર્તાઈ રહ્યું છે.છાશવારે લગાતા પાણી કાપ અંગે વિરોધ ક્ષ પણ કોઈ વિરોધ કરવાનું મુનાસીબ સમજ્તું ન હોય તેવું લાગી રહ્યું છે.જનરલ બોર્ડમાં પાણી પ્રશ્ને કોંગ્રેસ ચોક્કસ ધમાલ કરી હતી.પરંતુ હવે જ્યારે પાણીકાપના કોરડા વીંઝવામાં આવી રહ્યા છે ત્યારે વિપક્ષ  મિયાંની મીંદડી બની ગયું હોય એવું મહેસુસ થઇ રહ્યું છે. શાસકોએ પણ પાણીકાપ ને જાણે અપનાવી લીધો હોય તેવું જણાય રહ્યું છે કારણ કે અધિકારીઓ પાસે ક્યારે પાણી કામ અંગે ગંભીર ખુલાસા પુછવામાં આવતા હોવાના કારણે શાસકોની નિયત સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.