Abtak Media Google News

ચંદ્રેશનગર અને મવડી (પુનિતનગર) પમ્પીંગ સ્ટેશન ખાતે પાણીના ટાંકાની સફાઈ અને ઈલેકટ્રીક-મિકેનીકલ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોય શહેરીજનો પણ પાણીકાપનો કોરડો વિંઝાયો

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થવાની છે. ત્યારે જાણે રાજકોટવાસીઓને પ્રજાસત્તાક પર્વની ઉજવણીની ભેટ મળી રહી  હોય તેવું લાગી રહ્યું છે. મહાપાલિકા દ્વારા પાણીના ટાંકાની સફાઈ અને મેન્ટેનન્સની કામગીરીના રૂપકડા બહાના હેઠળ પાણી કાપોત્સવ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગુરૂવારે ત્રણ વોર્ડમાં અને શનિવારે ૫ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

મહાપાલિકાના ઈજનેરી સુત્રોના જણાવ્યાનુસાર વોટરવર્કસ શાખાના હસ્તકના ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશન તથા મવડી (પુનિતનગર) પમ્પીંગ સ્ટેશન પર જીએસઆર સફાઈની કામગીરી તથા ઈલેકટ્રીક-મિકેનીકલ પ્રીવેન્ટીંગ મેન્ટેનન્સની કામગીરી કરવાની હોય તા.૯ને ગુરૂવારના રોજ ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશન હેઠળ આવતા વોર્ડ નં.૮ પાર્ટ, વોર્ડ નં.૧૧ પાર્ટ અને વોર્ડ નં.૧૩ પાર્ટમાં પાણી વિતરણ બંધ રહેશે. જ્યારે તા.૧૧ને શનિવારના રોજ મવડી (પુનિતનગર) પમ્પીંગ સ્ટેશન હેઠળ આવતા વોર્ડ નં.૮ પાર્ટ, વોર્ડ નં.૧૦ પાર્ટ, વોર્ડ નં.૧૧ પાર્ટ અને વોર્ડ નં.૧૨ પાર્ટ તા વોર્ડ નં.૧૩ પાર્ટમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવી.

ચાલુ સાલ મેઘરાજાએ મહેર કરતા શહેરની જળ જરૂરીયાત સંતોષતા તમામ જળાશયો ઓવરફલો થઈ ગયા છે. છતાં રાજકોટવાસીઓના નસીબમાં જાણે કાયમી સુખ ન હોય તેવું લાગી રહ્યું છે. એક યા બીજા બહાના હેઠળ મહાપાલિકા દ્વારા સમયાંતરે શહેરીજનો પર પાણીકાપના કોરડા વિઝવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.