Abtak Media Google News

દ્વારકા જિલ્લાના વર્તુ-1 ડેમમાં સૌથી વધુ 13.12 ફૂટ પાણી આવ્યુ: સોનમતીમાં 1.97 ફૂટ, વેરાડીમાં પણ 1.97 ફૂટ પાણીની આવક

સૌરાષ્ટ્રમાં છેલ્લા 10 દિવસથી મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. સોમવારે પણ હળવા ઝાપટાથી લઇ પાંચ ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. જળાશયોનો જળવૈભવ સતત વધી રહ્યો છે. રાજકોટ સિંચાઇ વર્તુળ પૂર એકમ હસ્તકના 19 જળાશયોમાં 13 ફૂટ સુધી પાણીની આવક થવા પામી છે. છલકાતા નદી-નાળાના કારણે ડેમમાં ધીમી ધારે પાણીની આવક વધી રહી છે.

રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં 0.07 ફૂટ, ફોફળ ડેમમાં 0.52 ફૂટ, આજી-1 ડેમમાં 0.07 ફૂટ, આજી-2 ડેમમાં 0.52 ફૂટ, આજી-3 ડેમમાં 0.33 ફૂટ, ન્યારી-2 ડેમમાં 0.16 ફૂટ અને છાપરવાડી-2 ડેમમાં 1.31 ફૂટ પાણીની આવક થવા પામી હતી. જિલ્લાના જળાશયોમાં 46.61 ટકા પાણી સંગ્રહિત છે. મોરબી જિલ્લાના મચ્છુ-1માં 0.72 ફૂટ, મચ્છુ-2 ડેમમાં 0.10 ફૂટ અને ડેમી-1 ડેમમાં 0.43 ફૂટ પાણીની આવક થવા પામી છે. મોરબી જિલ્લાના ડેમમાં 35.48 ટકા પાણી સંગ્રહિત છે. જામનગર જિલ્લાના ફૂલઝર-1 ડેમમાં 0.10 ફૂટ, ડાઇમીણસરમાં 0.66 ફૂટ, કંકાવટીમાં 0.16 ફૂટ, વાડી સંગમાં 0.10 ફૂટ પાણીની આવક થવા પામી છે. જિલ્લાના જળાશયોમાં 54.19 ટકા પાણી સંગ્રહિત છે. દ્વારકા જિલ્લાના વર્તુ-1 ડેમમાં 13.12 ફૂટ, સોનમતીમાં 1.97 ફૂટ અને વેરાડી-2 ડેમમાં પણ 1.97 ફૂટ પાણીની આવક થવા પામી છે. જિલ્લાના જળાશયોમાં માત્ર 8.98 ટકા જ પાણી સંગ્રહિત છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ફલકુ ડેમમાં 0.16 ફૂટ અને ત્રિવેણી ઢાંગામાં 0.33 ફૂટ પાણીની આવક થવા પામી છે. જિલ્લાના જળાશયોમાં 34.12 ટકા પાણી સંગ્રહિત છે. રાજ્યના 206 જળાશયોમાં કુલ 38.61 ટકા પાણી સંગ્રહિત છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 48.72 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 30.89 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 35.39 ટકા, કચ્છના 20 જળાશયોમાં 50.95 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 47.18 ટકા પાણીની આવક થવા પામી છે.

ભાદર-2 ડેમના ર દરવાજા 2 ફુટે ખોલાયા

ધોરાજી તાલુકાના ભુખી પાસેનો ભાદર-2  સિંચાઈ યોજના નંબર-149  ભારે વરસાદને કારણે તેની પૂર્ણ સપાટીએ ઓવરરફલો થઈ રહ્યો છે. ડેમના 2 દરવાજા 2 ફૂટે ખોલવામાં આવ્યા છે. ડેમ માંથી 5265 કયુસેક પાણી છોડવામાં આવતા ડેમના હેઠવાસના ધોરાજી તાલુકાના ભોળા, ભોળગામડા, છાડવાવદર અને સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ઈસરા, કુંઢેચ, ભીમોરા, ગાધા, ગધેડ, હાડફોડી, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તલગણા લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા  સૂચના આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.