પાણીની ચિંતા ટળી: આજી ડેમમાં નર્મદા નીરની પધરામણી

અબતક, રાજકોટ

સંતોષકારક વરસાદના અભાવે રાજકોટની જળ જ‚રીયાત સંતોષતા આજી અને ન્યારી ડેમમાં સંતોષકારક પાણીની આવક થવા પામી નથી આગામી દિવસોમાં શહેરીજનોએ પીવાના પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ વધુ એક વખત સૌની યોજના અંતર્ગત રાજકોટના જળાશયોમાં ૩૩૫ એમસીએફટી નર્મદાના નીર ઠાલવવાની મંજૂરી આપી છે. ગઇકાલે સવારે ત્રંબા ખાતે નર્મદાના પાણી પહોંચ્યા બાદ મોડી સાંજે નિર્ધારીત સમય કરતાં કલાકો વહેલું નર્મદાનું નીર આજી ડેમમાં પહોંચી જવા પામ્યું હતું.

મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોટર વર્કસ કમિટી ચેરમેન દેવાંગભાઈ માંકડે વધુમાં જણાવ્યું છે કે શહેરને દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ માટે સ્થાનિક જળાશયોમાં પાણીનો જથ્થો ઘટેલ છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા નર્મદાનું પાણી આપવામાં આવેલ છે. ગતમાસ માર્ચ ૨૦૨૧માં આજીડેમમાં ૬૪૮ એમસીએફટી જથ્થો નર્મદાનું પાણી આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ચાલુ વર્ષે સંતોષકારક વરસાદ નહિ આવતા આજી-ન્યારી બંને ડેમોમાં નર્મદાનું પાણી ઠાલવવા મેયર ડો.પ્રદિપ ડવે પત્ર પાઠવી રજુઆત કરી હતી. જેના અનુસંધાને સરકાર દ્વારા જુલાઈ માસમાં આજી-૧ ડેમમાં ૧૪૮ એમસીએફટી અને ન્યારી ડેમમાં ૯૨ એમસીએફટી પાણી આપવામાં આવ્યું હતું. જુલાઈ અને ઓગસ્ટમાં પણ વરસાદ ખેંચાતા આજી જળાશયનું પાણીનું લેવલ ઘટતા ફરીને આજી-૧ ડેમમાં નર્મદાનું પાણી આપવા માટે મ્યુનિસીપલ કમિશનર દ્વારા પત્ર પાઠવેલ અને મેયર દ્વારા મુખ્યમંત્રીને

ટેલીફોન પર ડેમની સ્થિતિની માહિતી આપેલ અને વરસાદ ખેચાયેલો હોય આજી ડેમમાં પાણીની જ‚રિયાત છે, પાણી વહેલાસર આપવા વિનંતી કરી હતી. જેના અનુસંધાને નર્મદાનું પાણી આપવાનું મંજુર કરી ૧ લી સપ્ટેમ્બરના રોજ નર્મદાનું પાણી આજીડેમમાં ઠાલવવા છોડવામાં આવેલ અને ગઈકાલના રોજ નર્મદા મૈયાનું આજીડેમમાં અવતરણ થયેલ છે તે બદલ પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનો આભાર વ્યક્ત કરેલ છે. રાજકોટ શહેર માટે જયારે પાણીની જ‚રિયાત ઉભી થયેલ છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા વિના વિલંબે નર્મદાનું પાણી આપવાનો ત્વરિત નિર્ણય કરેલ છે.

ગઈકાલ આજીડેમમાં નર્મદાનું પાણી આવ્યા પહેલા ડેમ લેવલ ૧૩.૫૨ ફુટ અને ૧૯૧.૬૧ એમસીએફટી હતું. ગઈકાલે ત્રંબા, કાળીપાટના ચેકડેમો ભરાયા બાદ ૬ એમસીએફટી પાણી મળેલ છે. સરકાર દ્વારા આજીડેમમાં ૩૩૫ એમસીએફટી પાણી આપવામાં આવનાર છે. આ પાણીના જથ્થાથી આગામી ઓક્ટોબર માસ સુધી દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ માટે કોઈ મુશ્કેલી ઉભી થશે નહિ તેમ અંતમાં પદાધિકારીઓએ જણાવ્યું હતું