આપણે ધર્મ કરીએ પરંતુ માનવતાના ધર્મમાં પણ બે ડગલાં આગળ વધીએ: રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ

0
27

રાષ્ટ્રસંત નમ્રમુનિ પ્રેરિત ધર્મસંકુલ-પાવન ધામમાં કોવિડ કેર સેન્ટરનો શુભારંભ 

સમગ્ર દેશમાં જ્યારે કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે દિવસેને દિવસે આ મહામારીનો ભોગ બની રહેલાં કોરોના દર્દીઓને શાતા, સમાધિ, પ્રસન્નતા અને સ્વસ્થતા આપવાના લક્ષ સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી, મુંબઇના કાંદિવલી સ્થિત ધર્મ સંકુલ પાવનધામ કોવિડ કેર સેન્ટરનો પુન: શુભારંભ કાર્યક્રમ સહુની શુભેચ્છા અને શુભ ભાવના સાથે પાવનધામના પ્રાંગણમાં યોજાયો હતો.

શાસન દીપક પૂજ્ય ગુરુદેવ નરેન્દ્રમુનિ મહારાજ સાહેબ અને માં-સ્વામી જયવિજ્યાજી મહાસતીજીના આશીર્વાદથી, છેલ્લા ઘણા સમયથી સમગ્ર મુંબઈની હોસ્પિટલમાં કોરોના મૃતકોના જરૂરિયાતમંદ પરિવારોને તેમજ કોરોના વોરિયર્સ માટે કરોડો રૂપિયાનું અનુદાન કરી રહેલાં માનવતા પ્રેમી, ક્વેસ્ટ ફાઉન્ડેશનના ધર્મવત્સલા બીનાબેન અજયભાઈ શેઠના અનુદાનના સહયોગે તેમજ એપેક્સ હોસ્પિટલ અને ગોપાલભાઈ શેટ્ટી, એમપી-પોઈસર જીમખાનાના સહ ઉપક્રમે ફરીને શરૂ થઈ રહેલા પાવનધામ કોવિડ કેર સેન્ટરના રી ઓપનીંગ કાર્યક્રમમાં અજયભાઈ શેઠ,  ઉત્તર મુંબઈના એમપી  ગોપાલભાઈ શેટ્ટી, સુનીલજી રાણે, નગરસેવક  પ્રવીણભાઈ શાહ, અશોકભાઈ શાહ,  કમલેશજી યાદવ, ગણેશજી, ડો. યોગેશજી દુબે, જગ્નેશભાઇ આદિ મહાનુભવોની સાથે કોવિડ કેર સેન્ટર  માટે મહેનત – જહેમત કરી રહેલાં પાવનધામના  દિનેશભાઈ મોદી,  આદિ ટ્રસ્ટીગણ વિશેષ ભાવો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ અવસરે લાઈવના માધ્યમથી આશીર્વચન ફરમાવતાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે કહ્યું હતું કે, ફરીને આજ પાવનધામ યથા નામ તથા કાર્યમાં જોડાઈ રહ્યું છે અને જ્યાં સુધી આવા પરમાર્થનાં કાર્યો પાવનધામમા થતાં રહેશે ત્યાં સુધી વાસ્તવિકરૂપે પાવનધામ, પાવનધામ બની રહેવાનું છે. પાવનધામ કોવિડ સેન્ટર માત્ર કોવિડ કેર સેન્ટર ન બની રહેતાં અહીં આવનાર દરેક દર્દીને પોતાના ઘરમાં જ આવ્યાં છીએ એવી અનુભૂતિ કરાવતી દરેક સુવિધાનું તેમજ શાતા – સમાધિ આપતું સેન્ટર બનાવવાનું છે. કેમ કે આજના સમયમાં કોરોનાગ્રસ્ત દર્દી ને માત્ર મેડિસીનની જ નહીં પરંતુ સાથે સાથે મનની સમાધિ આપવાની જરૂર છે. આજનો આ સમય માનવતાનો ધર્મ નિભાવવાનો સમય છે. આપણે ધર્મ કરીએ પરંતુ માનવતાના ધર્મમાં પણ બે ડગલાં આગળ વધીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here