સુરેન્દ્રનગરમાં આજથી ‘ગંદકીમુકત’ અભિયાનની સાપ્તાહિક ઉજવણી

સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લાના પ્રત્યેક ગામોમાં સ્વચ્છતાની જાળવણી તેમજ જાગૃતતા અર્થે વિવિધ કાર્યક્રમો યોજાશે

સુરેન્દ્રનગરમાં આજથી ૧પ ઓગષ્ટ સુધી ગંદકી મુકત અભિયાનની સાપ્તાહિક ઉજવણી કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરુપે જિલ્લાના પ્રત્યેક ગામોમાં સ્વચ્છતા ની જાળવણી તેમજ જાગૃતતા અર્થે વિવિધ કાર્યક્રમો યોજાશે.

સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સમગ્ર દેશમાં ૭૪ માં સ્વતંત્ર દિનની ઉજવણીનાં ભાગરૂપે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ આહવાન અન્વયે આજથી ૧૫ ઓગષ્ટ દરમ્યાન ’ગંદકી મુકત ભારત” અભિયાનની ઉજવણી કરવામાં આવશે. આ સમય દરમ્યાન સપ્તાહન પ્રત્યેક દિવસે વિશેષ સ્વચ્છતાની પહેલ કરવામાં આવશે.જેના દ્વારા લોકોમાં કાયમી ધોરણે દરેક ગામોમાં સ્વચ્છતા જળવાઈ રહે અને ગામે ગામના તમામ ફળિયા, ગામના પેટાપરા જેવા તમામ વિસ્તારો સ્વચ્છ અને સુંદર બને તે જ ધ્યેય સાથે સ્વચ્છતા ઝુંબેશને કોવિડ૧૯ હેઠળ જરૂરી સાવચેતી તથા સામાજિક અંતર જાળવી નિરંતર આગળ ધપાવવામાં આવશે.

આ અભિયાન અંતર્ગત આજે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સરપંચ સાથે ઈરાત્રી સભા કરશે. તા.૯ ઓગસ્ટના રોજ ગામના સરપંચ દ્વારા શ્રમદાનની પ્રવૃત્તિથી ગામને પ્લાસ્ટીક મુકત બનાવવા પ્લાસ્ટીક એકત્રીત કરવામાં આવશે. તા.૧૦ ઓગસ્ટના રોજ ગામમાં વિશાળ જનભાગીદારીના શ્રમદાનની પ્રવૃત્તિઓ દ્વારા જાહેર મકાનોની સાફ સફાઈ કરવામાં આવશે અને આઈ. વી. આર.આધારિત ટેકનોલોજીના આધારે ઓ.ડી.એફ પ્લસના જ્ઞાન અને જાણકારી મેળવવા માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૮૦૦૮૦૪ પર ફોન કરવાં સ્વચ્છતાગ્રહીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. તા.૧૧ ઓગસ્ટના રોજ ગ્રામ્ય કક્ષાએ જાહેર સ્થળો/દિવાલો પર વોલ પેઈન્ટીંગ કરાવવામાં આવશે. તા.૧૨ ઓગસ્ટના રોજ ગ્રામ્ય કક્ષાએ મનરેગા યોજનાના ક્ધવર્જન્સ, સખી મંડળો ઉપરાંત સેવાભાવી. સંસ્થા/વ્યકિતઓ, જનભાગીદારી ઈત્યાદીના શ્રમદાન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે. તા.૧૩ ઓગસ્ટના રોજ  “ગંદકી મુકત મારૂ ગામ” ની  થીમ પર ઓનલાઈન ચિત્ર અને નિંબધ સ્પર્ધા યોજવામાં આવશે. તા.૧૪ ઓગસ્ટના રોજ  પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં  ચોખ્ખાઈ અને સ્વચ્છતા અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેમજ તા.૧૫ ઓગસ્ટના રોજ સ્વતંત્ર દિન સામાન્ય સભામાં મુળી તાલુકાના લીયા તથા વઢવાણ તાલુકાના રામપરા ગામને ઓ.ડી.એફ પ્લસ જાહેર કરાશે.