Abtak Media Google News

વીકલી લર્નિંગ મટીરીયલના પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ  અભ્યાસની તક  મળી રહેશે

કોરોના વાયરસના કારણે સમગ્ર રાજયમાં શાળાઓ બંધ છે ત્યારે વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઙ્ગઅભ્યાસની તક મળી રહે તેવા હેતુ સાથે શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત હવે દર શનિવારે ધોરણ ૩ થી ૮ ના બાળકો માટે વિકલી લર્નિંગ મટીરીયલ અંતર્ગત જરૂરી સાહિત્ય સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવશે.

શિક્ષણ મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એક સંદેશમાં જણાવ્યું છે કે રાજય ના સીઆરસી, બીઆરસી દ્વારા વોટ્સએપના માધ્યમથી જયારે વિદ્યાર્થીઓને આ અભ્યાસ સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ વાલીઓ ના માર્ગદર્શન સાથે તેનો ઉપયોગ કરે તે ખૂબ જરૂરી છે. આ સાહિત્યના ઉપયોગના કારણે રજાઓના દિવસોમાં પણ વિદ્યાર્થીઓને અભ્યાસની તક મળી રહેશે.

૨૮ માર્ચથી શરૂ કરી આગામી દિવસોમાં ચારથી પાંચ શનિવારે ક્રમિક રીતે આ વિકલી લર્નિંગ મટીરીયલ ઙ્ગઆપવામાં આવશે. જે શનિવારે આ સાહિત્ય આપવામાં આવશે તેના પછીના શનિવાર સુધીમાં તેનું તમામ કામ પૂર્ણ થાય તેવો પ્રયાસ કરવાનો રહેશે, જેથી આગળના શનિવારના અભ્યાસમાં આગળ વધી શકાય.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને આ દિવસોમાં ઘરે બેઠા શૈક્ષણિક અભ્યાસની તક મળી રહેવાથી આગામી શૈક્ષણિક વર્ષમાં એટલે કે જૂન ૨૦૨૦થી બાળક જે ધોરણ માં આવવાનું છે તે ધોરણ મુજબનું સાહિત્ય અને તેનો અભ્યાસ અત્યારથી જ થઈ ગયો હોવાથી આગામી સમયમાં તે નવા ધોરણમાં વિદ્યાર્થી સરળતાથી જોડાઈ શકશે.

અભ્યાસના આ સમયમાં વાલી પોતાના સંતાનોને સંપૂર્ણ સહયોગ આપે તેવી શિક્ષણ મંત્રીએ વાલીઓને પણ અપીલ કરી છે. વાલીઓ ઉપરાંત શિક્ષક સમુદાય પણ આ અંગે નેતૃત્વ લઇને વોટ્સએપના માધ્યમથી આ અભિયાનનું સતત મોનિટરિંગ કરશે. ઉપરાંત વાલીઓ તથા બાળકોને માર્ગદર્શન આપશે અને આ સૌના સહકારથી રાજયના પ્રાથમિક શાળામાં ભણતા બાળકો નું ભણતર ખૂબ જ આગળ વધે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.