Abtak Media Google News

મોરબી શહેરના શોભેશ્વર રોડ પાસે, સો ઓરડી નજીક જિલ્લા સેવાસદનના પ્રાંગણમાં નવનિર્મિત જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગનું ગુરુવાર, 3જી જૂનના રોજ સવારે 10.30 કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે.કોરોના કાળમાં પણ રાજ્ય સરકારની વિકાસ યાત્રા વણથંભી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2015-16 માં ગુજરાત રાજ્યના તમામ નવરચિત જિલ્લાઓની જેમ મોરબી જિલ્લામાં પણ નવરચિત જિલ્લા પંચાયત ભવનના બાંધકામ માટે આશરે રૂ.29.40 કરોડની રકમ ફાળવવામાં આવેલ જેના સામે 27.46 કરોડ ના ખર્ચે મોરબી શહેર ખાતે જિલ્લા સેવા સદનના સંકુલમાં વિશાળ જગ્યામાં પાર્કીંગની સુવીધા ધરાવતું જિલ્લા પંચાયત મકાનનું તમામ જરૂરી સુવિધા સાથે નિર્માણ કરવામાં આવ્યું છે.

કલેકટર કચેરી, જિલ્લા પંચાયત અને પોલીસ અધિક્ષકની કચેરી એક જ કમ્પાઉન્ડમાં નિર્માણ થયેલ છે જેથી મોરબી જિલ્લાની જનતાને એક જ સંકુલમાં સરકારની વિવિધ યોજનાના લાભો એક જ જગ્યાથી મળી રહે તેવો સરકારનો ઉમદા હેતુ સાર્થક બની રહેશે.નવનિર્મિત જિલ્લા પંચાયત રૂ.27.46 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે.

નવનિર્મિત જિલ્લા પંચાયત ભવન આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર (ભૂકંપ અવરોધક) ડીઝાઇન સાથેનું ગ્રાઉન્ડ ફ્લોર + 2 માળ પ્રકારનું બાંધકામ કરવામાં આવેલ છે. નવનિર્મિત જિલ્લા પંચાયતમાં ભોયતળીયુ, પ્રથમ માળ તેમજ બીજો માળ એમ કુલ મળી આશરે 11,540.00 ચો.મી. (1,24,200.00 ચો.ફુટ) નું બાંધકામ કરવામાં આવેલ છે.

નવનિર્મિત જિલ્લા પંચાયત આશરે 6500 ચો.ફુટ નો વિશાળ પાર્કિંગ એરીયા સાથે આશરે 60 થી વધારે ફોર વ્હીલ તથા 100 થી વધારે દ્વિચક્રી વાહનો સમાવવાની ક્ષમતા ધરાવે છે.નવનિર્મિત જિલ્લા પંચાયતમાં ભોયતળીયે પ્રમુખ, ઉપપ્રમુખ તથા તમામ સમિતિના અધ્યક્ષો માટેની બેઠક વ્યવસ્થા તદ્દઉપરાંત કેન્ટીન, સભા ખંડ, કોન્ફરન્સ રૂમ તેમજ નાગરીક સુવીધા કેન્દ્રની જોગવાઇ કરવામાં આવેલ છે.જિલ્લા પંચાયત ભવનના પ્રથમ તથા બીજા માળમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના તમામ શાખા અધિકારીઓ તથા લગત શાખાના કર્મચારીઓની બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલી છે. આ ઉપરાંત વીડિયો કોન્ફરન્સ રૂમ, મિટીંગ હોલ વગેરે વ્યવસ્થા કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.