Abtak Media Google News

રાજકોટ સહિત રાજ્યની છ મહાપાલિકાઓ માટે ગઈકાલે ઉમેદવારોના નામની ઘોષણા કરાયા બાદ આજે 576 ઉમેદવારોએ એકી સાથે ફોર્મ ભર્યા હતા.

દરમિયાન આજે સવારે ‘અબતક’ સાથેની ખાસ વાતચીત દરમિયાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજકોટમાં ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ કેવો માહોલ છે તેની વિગતો જાણી હતી. ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સમક્ષ ‘અબતક’એ પણ શહેર ભાજપમાં હાલ જોવા મળી રહેલા માહોલ અંગે અક્ષરસ: વિગતો આપી હતી. ઉમેદવારોના નામની ઘોષણા બાદ બે વોર્ડમાં થોડો અસંતોષ જોવા મળ્યો હતો. પરંતુ તેની સામે ગણતરીની કલાકોમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ લાલ આંખ કરી તેને પક્ષમાંથી પાણીચુ પકડાવી દીધું હતું.

આ ઘટનાની કાર્યકરોમાં સારી એવી નોંધ લેવામાં આવી છે. હાલ એકપણ વોર્ડમાં ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા બાદ કોઈ ખાસ રોષ જોવા મળતો નથી.

રાજકોટમાં ભાજપ આ વખતે 50થી વધુ સીટો જીતશે તેવી શકયતા પણ ‘અબતક’એ પ્રદેશ ભાજપ પ્રમુખ સમક્ષ વ્યકત કરી હતી. રાજકોટમાં પક્ષમાં તંદુરસ્ત માહોલ અને પરિસ્થિતિ જાણી સી.આર.પાટીલ પણ ખુશખુશાલ થઈ ગયા હતા.

તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભાજપમાં પ્રથમવાર ગઈકાલે એવી ઘટના બની છે કે, એક સાથે છ મહાપાલિકાના ઉમેદવારોના નામ એક જ દિવસમાં જાહેર કરાયા હોય અને આજે વધુ એક ઈતિહાસ રચાયો કે તમામ મહાપાલિકાના 576 ઉમેદવારો શુભ વિજય મુહૂર્તે કેશરીયો ખેસ ધારણ કરી ઉમેદવારી નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.