જે દેવતાઓ નથી આપી શકતા તે પિતૃકાર્ય કરવાથી મળે છે…  જાણો શ્રાઘ્ધનું મહત્વ

અબતક, રાજકોટ

મનુષ્ય જયારે જન્મ લ્યે છે ત્યારે ત્રણ ઋણમાં બંધાય છે. દેવ ઋણ, પિતૃઋણ અને મનુષ્ય ઋણ તેમાં દેવ ઋણમાંથી છુટવા માટે જપ, તપ, પુજા યોગ અને પિતૃઋણમાંથી છુટવા માટે શ્રાઘ્ધ કરવામાં આવે છે.

શ્રાઘ્ધના અનેક પ્રકાર છે કુટુંબમાં કોઇ મનુષ્ય અવગતિએ ગયેલ હોય તો તેના માટે પ્રેતબલી શ્રાઘ્ધ કરવામાં આવે છે. અને મોક્ષ માટે નારાયણબલી શ્રાઘ્ધ કરવામાં આવે છે.

લગ્ન પહેલા મૃત્યુ પામેલ હોય તે પુરૂષો પાછળ નિલોદ્રાહા એટલે કે લીલ પરણાવવામાં આવે છે.

આપણી ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કાર મહત્વના છે. જો મૃત્યુ પહેલા ન થયા હોય તો જીવ અવગતિએ જાય છે આમ કોઇપણ માણસ લગ્ન પહેલા મૃત્યુ પામે ત્યાં લીલ પરણાવવામાં આવે છે અને સ્ત્રી લગ્ન પહેલા મૃત્યુ પામે તો તુલસી વિવાહ કરવામાં આવે છે.

તે ઉપરાંત પણ શ્રાઘ્ધમાં પંચબલી મહાશ્રાઘ્ધ જે કુટુંબના બધા જ સભ્યોને મોક્ષ આપનારું છે. માણસ મૃત્યુ પામે એટલે ત્રીજા વર્ષે ભાદરવા વદમાં પિત પક્ષમાં શ્રાઘ્ધમાં ભેળવામાં આવે છે જેને મહાલય શ્રાઘ્ધ કહેવાય છે.

જેમાં પિતૃતર્પણ, વિષ્ણુ પુજન, પિન્ડદાન કરવામાં આવે છે. જેની મૃત્યુની તિથિ ખબર ન હોય તેના માટે ભાદરવા વદ અમાસ ના દિવસે શ્રાઘ્ધ કરવું.

પુરાણમાં જણાવ્યા અનુસાર જે આપણને દેવતાઓ આપી નથી શકતા તે આપણને પિતૃઓ આપી શકે છે. આથી જ પિતૃકાર્ય મહત્વનું છે. દર ત્રણ વર્ષે એક વાર પિતૃ કાર્ય કરવું જોઇએ. શ્રીરામચંદ્ર ભગવાને પણ શ્રાઘ્ધ કરેલું તેનો ઉલ્લેખ રામાયણમાં છે.

સંકલન:- શાસ્ત્રી રાજદિપ જોષી