Abtak Media Google News

સરકારની જાહેરાતને પોણા બે વર્ષ જેટલો સમય વીતવા છતાં કોઈ કાર્યવાહી નહી

ગત વિધાનસભાની ચૂંટણી યોજાય તે પહેલા ચારેક માસ અગાઉ મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતભરમાં જ્યાં જરૂર છે ત્યાં ડી.વાય.એસ.પી. કક્ષાના પોલીસ અધિકારીની ઓફિસ કાર્યરત કરાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. તેમાં અમરેલી જિલ્લાના રાજુલા, ધારી અને લાઠી તાલુકાઓનો સમાવેશ થયો હતો. સી.એમ. તરફથી થયેલી આ મહત્વપૂર્ણ જાહેરાત પછી આ ત્રણેય તાલુકાની આમ પ્રજાએ હવે કાયદો અને વ્યવસ આપણા વિસ્તારની જડબેસલાક થશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. સરકાર તરફથી આ જાહેરાતને પોણા બે વર્ષ જેવો લાંબો સમય પસાર થયા પછી પણ આ કચેરી ક્યારે શરૂ થશે તેના કોઈ વાવડ  મળતા નથી. ત્રણેય તાલુકાની આમ જનતા હવે એવું માનવા માટે પ્રેરાઈ છે કે આ જાહેરાત માત્ર ચૂંટણીલક્ષી જ હતી.

રાજુલા, જાફરાબાદ દરિયાકાંઠે આવેલા છે અહીં બે મરીન પોલીસ સ્ટેશન કાર્યરત છે જો રાજુલામાં ડી.વાય.એસ.પી.કક્ષાના અધિકારીની પોસ્ટીંગ કરી મંજૂર થયેલી ડી.વાય.એસ.પી.ની કચેરી કાર્યરત કરવામાં આવે તો રાજુલા-જાફરાબાદની દરિયાઈ પટ્ટી ઉપર ડી.વાય.એસ.પી. સીધી દેખરેખ રાખી શકે અને દેશદ્રોહીઓ આ દરિયાઈ પટ્ટીનો લાભ ન લઈ શકે તેમજ રાજુલા-જાફરાબાદ શહેર અને તાલુકાના ગામોમાં પણ ડી.વાય.એસ.પી.નું સતત મોનીટરીંગ રહે.

રાજુલામાં જો આ કચેરી કરવાની સરકારની નેમ હોય તો અહીંથી બદલાયેલી ડેપ્યુટી કલેકટરની કચેરી અને મામલતદારની કચેરી ખાલીખમ છે. આ બન્ને કચેરીઓ નવા બિલ્ડીંગમાં હાલ કાર્યરત છે. એટલે સરકારને નવી બિલ્ડીંગ બનાવવાનો ખર્ચ પણ નથી. રાજુલા શહેરનો વિકાસ થઈ રહયો છે. તાલુકામાં મહાકાય ઉદ્યોગો કાર્યરત છે. અહીં ટ્રાફિકનો પ્રશ્ન માના દુ:ખાવા સમો બન્યો છે તો અહીં ટ્રાફિક પોલીસ સ્ટેશન જો શરૂ કરવામાં આવે તો આ પ્રશ્ન કાયમી ધોરણે હલ થઈ જાય, રાજુલા ખાતે મહિલા પોલીસ સ્ટેશન પણ શરૂ કરવાની તાતી જરૂરીયાત છે કે જેથી કરીને રાજુલા પંકની મહિલાઓને પોતાના પ્રશ્નો, ફરિયાદો રજૂ કરવા છેક અમરેલી સુધીનો ધક્કો ન થાય. અમરેલીના એસ.પી.નિલ્પિત રાય કડક અને બાહોશ પોલીસ અધિકારી છે તે કોઈની શેહ શરમ રાખતા નથી તેઓ પણ આ પ્રશ્ને અંગત રસ લઈ ઘટતું કરાવે તેવી માંગણી ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.