Abtak Media Google News

ટેક્નોલોજીના યુગમાં પણ ચોક્કસ વર્તારા આપવામાં હજુ પણ અસમર્થતા : 24 કલાકની આગાહી પણ સાચી નથી પડતી તેવી સ્થિતિમાં છ મહિના પૂર્વે જાહેર કરાયેલ આગાહી કેમ સાચી માનવી ?

સ્કાયમેટએ આ વખતે ચોમાસુ સામાન્યથી ઓછું રહેવાની આગાહી આપી, જ્યારે હવામાન વિભાગે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી જાહેર કરી, માનવું કોનું ?

હવામાન વિભાગની આગાહી અનેક વખતે ખોટી ઠરતી હોય, લોકો માટે ઘણી વખત આ મુદ્દો રમૂજ પણ બનતો હોય છે ત્યારે સમગ્ર દેશમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આપણે હવામાનની સચોટ આગાહી ક્યારે આપી શકીશું ? જો કે હાલ ટેક્નોલોજીનો યુગ છે તેવામાં હજુ પણ આપણે સચોટ આગાહી આપવામાં અસમર્થ છીએ તે વાસ્તવિકતા છે.

ગુજરાતમાં તો ભર ઉનાળામાં પણ કમોસમી વરસાદે પીછી નથી છોડ્યો. ત્યારે હવામાનની આગાહી કરતી પ્રાઇવેટ એજન્સી સ્કાઇમેટે આ વખતે કેવો વરસાદ પડશે તે અંગેનું પહેલું અનુમાન આપી દીધું છે. સ્કાઇમેટ પ્રમાણે, આ વખતે વરસાદ સામાન્યથી ઓછો રહેશે. આ વખતે સામાન્ય વરસાદ થવાની માત્ર 25 ટકા જ સંભવના છે. સાથે તેને 94 ટકા વરસાદ થવાનું અનુમાન લગાવ્યું છે. દુષ્કાળની પણ 20 ટકા સંભાવના છે. હકીકતમાં લા નીના પુરૂં થઇ ચૂક્યુ છે અને આગામી દિવસોમાં અલ નીનોને કારણે વરસાદ નબળું રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

બીજી તરફ હવામાન વિભાગ દ્વારા મંગળવારે આ માહિતી આપવામાં આવી છે. એક દિવસ પહેલા ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે દેશમાં સામાન્ય કરતા ઓછા વરસાદની આગાહી કરી હતી. સ્કાયમેટે કહ્યું હતું કે દેશના ઉત્તર અને મધ્ય પ્રદેશોમાં ઓછો વરસાદ થવાની સંભાવના છે ત્યારે હવામાન વિભાગે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. સાથે 96 ટકા વરસાદ પડવાની આગાહી કરી છે.

ભારત એ કૃષિ આધારિત દેશ છે. જ્યાં હવામાન અંગેની આગાહી ઘણું મહત્વ ધરાવે છે. તેવામાં આગાહીનું સચોટ હોવુ પણ ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે ખેડૂતો આગાહી ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. તેઓ આગાહી પ્રમાણે જ તૈયારીઓ કરતા હોય છે. જેમકે ચોમાસુ નબળું પડવાની આગાહી આપવામાં આવી હોય તો ખેડૂતો ઓછા પાણીની જરૂર પડે તેવા પાક તરફ વળે છે. જ્યારે સારા વરસાદની આગાહી હોય ત્યારે ખેડૂતો વધુમાં વધુ પાણી જોઈએ તેઓ પાક પસંદ કરતાં હોય છે.

પવનની સ્થિતિ અને દિશા આગાહી માટે પડકારરૂપ!

કોઈ સ્થળ કે સમયે પવનની સ્થિતિ અનુસાર હવામાન બદલાય છે.  આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે અને આ પવનની સ્થિતિઓ દ્વારા હવામાનની આગાહી કરવી એ ખૂબ જ પડકારજનક કાર્ય છે.  હવામાનની આગાહી કરવાની પ્રક્રિયા વિવિધ પરિસ્થિતિઓ પર એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે કરવામાં આવે છે અને તે ડેટાનો અભ્યાસ કરીને અંદાજો બનાવવામાં આવે છે.  હવામાનની આગાહી એ વર્તમાન પરિસ્થિતિ અને તેના ફેરફારો પરના માત્રાત્મક ડેટાનું વિશ્લેષણ છે.

આગાહી માટે અનેક પરિબળોને ધ્યાને લેવાય છે

જે પરિસ્થિતિઓમાંથી ડેટા એકત્ર કરવામાં આવે છે તેમાં ગ્રાઉન્ડ ઓબ્ઝર્વેશન, એરક્રાફ્ટમાંથી અવલોકન, રેડિયો સાઉન્ડ, ડોપ્લર રડાર, સેટેલાઇટ વગેરેનો સમાવેશ થાય છે.  આ માહિતી પછી હવામાન કેન્દ્રને મોકલવામાં આવે છે, જ્યાં વૈજ્ઞાનિકો આ ડેટાના આધારે આગાહી કરે છે.  જો કે, હાઇ-સ્પીડ કોમ્પ્યુટર, અપર એર મેપ વગેરેનો પણ આમાં મહત્વનો ભાગ છે.  ડેટા અને આ નકશા દ્વારા અંદાજો બનાવવામાં આવે છે.

આગાહી માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે?

હાઇ-સ્પીડ કમ્પ્યુટર્સ, હવામાનશાસ્ત્રીય ઉપગ્રહો અને હવામાન રડાર હવામાનની આગાહીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  આના દ્વારા સચોટ ડેટા મેળવવામાં મદદ મળે છે અને ધીમે ધીમે આ ટેક્નોલોજીમાં સુધારો થઈ રહ્યો છે.  આ સાથે તાપમાન, દબાણ, ભેજ વગેરે પવનની દિશા દ્વારા જાણી શકાય છે.  તેની સાથે આમાં ડોપ્લર રડાર ડેટાનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને ત્યારબાદ ડેટા એનાલિસિસ સાથે હવામાનની આગાહી કરવામાં આવે છે.

આગાહીમાં +- 5 ટકા એ તો લોભામણી સ્કીમમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જેવું!!

હવામાનને લગતી જે કોઈ આગાહી કરવામાં આવે છે. તેમાં વરસાદની સ્થિતિમાં +- 5 ટકા પણ આપવામાં આવે છે. એટલે કે જો આગાહી 95 ટકા વરસાદની કરવામાં આવી હોય તો તે આગાહીને 90થી 100 ટકા વરસાદ સમજવાનું રહે. આ +-ની સિસ્ટમ જાણે કોઈ લોભામણી સ્કીમમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ રાખવામાં આવી હોય તેવી છે.

ચોમાસાની આગાહીને કૃષિ ક્ષેત્ર સાથે સીધો સંબંધ

ખેડૂતો ચોમાસાની આગાહીને ધ્યાને લઈને જ આગળના પગલાં લેતા હોય છે. ખેડૂતો માટે ચોમાસુ સૌથી મહત્વનું હોય છે. કારણકે પાણી વગર ખેતી શક્ય નથી. અને આપણા દેશમાં ખેતીએ મોટાભાગના વિસ્તારોમાં વરસાદના પાણીને જ આધીન છે. તેવામાં જો આગાહી સચોટ ન હોય તો તેની સીધી અસર કૃષિ ક્ષેત્ર ઉપર પણ પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.