Abtak Media Google News

વોટર વર્કસ કમિટીના ચેરમેનપદે કેતન પટેલની વરણીની સંભાવના, ડો.દર્શનાબેન પંડ્યાને આરોગ્ય સમિતિનો હવાલો સોંપવાની વિચારણા

રાજકોટ મહાનગરપાલિકામાં મેયર, ડે.મેયર અને સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન સહિત મુખ્ય 5 હોદ્દેદારોની ગઈકાલે વરણી કરી દેવામાં આવી છે. દરમિયાન 15 પેટા સમીતીઓ અને ઓફીસર્સ સિલેકશન કમીટીની વરણી કરવા માટે આગામી મંગળવારે સવારે 11 કલાકે ખાસ બોર્ડ બેઠક મળશે. અગાઉ સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પદ માટે જે પ્રબળ દાવેદાર હતા તે દેવાંગભાઈ માંકડને સ્ટેન્ડિંગ કમીટીના સભ્યપદે પણ નિયુક્ત કરવામાં આવ્યા ન હોય આવામાં તેને સમાજ કલ્યાણ સમીતીના ચેરમેન બનાવવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. બીજી તરફ અશ્ર્વિન પાંભરને બાંધકામ સમીતીનો હવાલો સોંપાય તેવી સંભાવના પણ સુત્રો દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.

મહાપાલિકામાં આગામી મંગળવારે મળનારા ખાસ બોર્ડમાં બાંધકામ સમીતી, સેનીટેશન સમીતી, સમાજ કલ્યાણ સમીતી,લાઈટીંગ સમીતી, વોટર વર્કસ સમીતી, કાયદો અને નિયમોની સમીતી, માર્કેટ સમીતી, પ્લાનીંગ સમીતી, હાઉસ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ કલીયરન્સ સમીતી, ડ્રેનેજ સમીતી, બાગ બગીચા અને ઝુ સમીતી, શીશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામકદળ સમીતી, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગીક શિક્ષણ સમીતી તથા એસ્ટેટ મેનેજમેન્ટ સમીતીના ચેરમેનની વરણી કરવામાં આવશે. સમાજ કલ્યાણ સમીતીના ચેરમેન પદ માટે દેવાંગ માંકડને સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે તો બાંધકામ સમીતીના ચેરમેનની ખુરશી અશ્ર્વિન પાંભરને સોંપવામાં આવે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. અગાઉ વોટર વર્કસ સમીતીના ચેરમેન પદે રહી ચૂકેલા કેતન પટેલને ફરી આ સમીતીની ખુરશી અપાય તેવું હાલ લાગી રહ્યું છે તો વ્યવસાયે ડોકટર એવા વોર્ડ નં.8ના નગરસેવીકા ડો.દર્શનાબેન પંડ્યાને આરોગ્ય સમીતીના ચેરમેન બનાવવામાં આવે તેવી દેખાય રહ્યું છે. મુખ્ય પાંચ હોદ્દેદારોની વરણીમાં ઉપલા કાંઠાના એક પણ વોર્ડના નગરસેવકોને સ્થાન આપવામાં આવ્યું નથી. આવામાં પેટા સમીતીમાં ઉપલાકાંઠાના વધુ મહત્વ આપવામાં આવે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. ખાસ બોર્ડમાં 15 પેટા સમીતી ઉપરાંત ઓફીસર્સ સિલેકશન કમીટીના સભ્યોની પણ વરણીકરવા માટે નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.