Abtak Media Google News

સાધુ વાસવાણી રોડ પરના ત્રણ પ્લોટને બાદ કરતા તમામ પ્લોટ ભાડે અપાયા: કોર્પોરેશનને ૫ લાખની આવક

હાલ કોરોનાકાળમાં લોકો એવી ચર્ચા કરી રહ્યાં છે કે, બજારમાં જોરદાર મંદી ચાલી રહી છે. ધંધા-રોજગાર નથી. જો કે, આ તમામ ચર્ચાઓ જાણે ખોટી હોય તેવું સાબીત થઈ રહ્યું છે. શહેરના નાના મવા ચોક અને સાધુ વાસવાણી રોડ પર આવેલા ખુલ્લા પ્લોટમાં દિવાળીના તહેવારમાં સીઝનલ ધંધા માટે ૩૮ સ્ટોલની ફાળવણી કરવા માટે આજે કોર્પોરેશન દ્વારા જાહેર હરરાજી યોજવામાં આવી હતી. જેમાં ત્રણ પ્લોટને બાદ કરતા તમામ ૩૫ પ્લોટની સફળતાપૂર્વક હરરાજી સંપન્ન થઈ હતી અને ૧૦ દિવસ આ સ્ટોલ ભાડે આપવાથી મહાપાલિકાને અંદાજે ૫ લાખ રૂપિયાની આવક થશે.

શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર નાના મવા સર્કલ પાસે આવેલા પ્લોટમાં કુલ ૨૩ સ્ટોલ અને સાધુ વાસવાણી રોડ પર આવેલા મહાપાલિકાના ખુલ્લા પ્લોટમાં ૧૫ સ્ટોલ સહિત કુલ ૩૮ સ્ટોલની હરરાજી કરવા માટે આજે સવારે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે જાહેર હરરાજી યોજવામાં આવી હતી. જેમાં ૧૩ પાર્ટીઓએ ભાગ લીધો હતો. સાધુ વાસવાણી રોડ પરના પ્લોટમાં ૩ સ્ટોલને બાદ કરતા તમામ ૩૫ સ્ટોલ માટે બોલી લગાવવામાં આવી હતી અને ૫ થી લઈ ૧૦ હજાર સુધીનું ભાડુ આપવા પાર્ટીઓએ તૈયારી દર્શાવી હતી. આ પ્લોટ દિવાળીના તહેવારમાં સીઝનલ ધંધો કરવા માટે આગામી ૫ નવેમ્બરથી લઈ ૧૪ નવેમ્બર સુધી ભાડે આપવામાં આવશે. ૩૫ સ્ટોલની હરરાજી સફળતાપૂર્વક થતાં મહાપાલિકાને રૂા.૫ લાખની આવક થવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની સરખામણીએ આવકમાં થોડો ફટકો પડ્યો છે પરંતુ કોરોનાકાળમાં પણ ૩ પ્લોટને બાદ કરતા મોટાભાગના પ્લોટની સફળતાપૂર્વક ફાળવણી થઈ જવા પામી છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું હોય ધીમે ધીમે ધંધા-રોજગાર પણ થાળે પડી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.