Abtak Media Google News

ભારતના બંધારણની જોગવાઇનો અમલ કરાવવામાં તંત્ર ઉણું ઉતર્યુ

રસ્તા પર ગાય, ભેસ અને કુતરા જેવા પશુના કારણે મોત થાય તો તંત્ર પોતાના દોષનો ટોપલો મૃતક પર

રસ્તા પર ખાડા પડવાના કારણે મોત થાય તો પણ મૃતકની જ બેદરકારી?

પશુ અત્યાચારના કાયદાનો અમલ તો બંધારણ મુજબ ‘માનવ જીંદગી’ની કાળજી કેમ નહી?

વિવિધ ટેકસ ઉઘરાવતા તંત્ર સામે કેમ કોઇ કાર્યવાહી નહી?

ભારતની લોકશાહી વિશ્વ અન્ય રાષ્ટ્રની લોકશાહીની સરખામણીએ શ્રેષ્ટતાનું બિરરૂ મેળવ્યું છે. ભારતના બંધારણમાં મનુષ્યથી લઇ પશુની જીંદગીને રાષ્ટ્રની સંપતિ ગણવામાં આવી છે. મનુષ્ય પોતાની જાતે આપઘાતનો પ્રયાસ કરે તો પણ તેને બચાવવાની તંત્રની જવાબદારી રહી છે. રાષ્ટ્રની સંપતિના જતન માટે તંત્ર દ્વારા એટલા માટે જ વિવિધ પ્રકારના ટેકસ વસુલ કરી વધુને વધુ સારી સગવડ અને સવલત આપવાની જવાબદારી પણ તંત્રની રહી છે. તેમ છતાં દરરોજ હજારોની સંખ્યામાં માનવ જીંદગી તંત્રની બેદરકારીના કારણે ગુમાવતા હોય છે. તેમ છતાં અત્યાર સુધીમાં તંત્ર સામે કોઇ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી અને મૃતક સામે જ બેદરકારીનો ગુનો ઠોકી તંત્ર પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લાચાર અને નિસહાય બનેલા મૃતકના વારસદારને ખોટી હૈયા ધારણા આપી મુર્ખ બનાવવામાં આવી રહ્યા છે.

જો મનુષ્ય બંધારણની જોગવાઇ મુજબ રાષ્ટ્રની સંપતિ ગણવામાં આવતી હોય તો તેના જતનની જવાબદારી પણ તંત્રની રહે છે. મનુષ્યને સારી સગવડ આપવા માટે તંત્ર દ્વારા વિવિધ ટેકસનું ઉઘરાણું કરવામાં આવે છે તો તે ટેકસ યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય તો રસ્તામાં ખાડા ન રહે કે માર્ગ પર ગાય, ભેસ કે કુતરા જેવા પશુઓ રખડતા અટકાવવામાં આવે તો અનેક માનવ જીંદગી બચી શકે તેમ છે.

માર્ગ પર પડેલા ખાડાના કારણે વાહન અકસ્માતમાં કે પછી રસ્તા પર રખડતા પશુના કારણે વાહન ચાલકનું મોત થાય ત્યારે તંત્રને જવાબદાર ગણવાના બદલે મૃતકને આરોપી ગણી તેને બદરકારીથી વાહન ચલાવ્યું હોવાથી મોત નીપજયાનો ગુનો નોંધી રાષ્ટ્રની સંપતિ કહેનાર તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે.

આ રીતે જ ગઇકાલે ગોંડલ-કોટડા સંગાણી રોડ પર બન્યો છે. ગોંડલ નવી પોલીસ લાઇનમાં રહેતા પોલીસમેન રફીક મામદભાઇ એરડીયાના એકના એક પુત્ર અરમાન બાઇક લઇને આવી રહ્યો હતો ત્યારે કુતરો આડો ઉતરતા તે પડી જતા ગંભીર રીતે ઘવાતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું છે.

૧૬ વર્ષના પુત્ર અરમાન ધોરણ ૧૧માં અભ્યાસ કરે છે. મુસ્લિમ પરિવારના એકના એક આશાસ્પદ તરૂણના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. તંત્ર દ્વારા અરમાન સામે બેદરકારી અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.

કુતરાની જેમ રસ્તા પર રખડતા પશુના કારણે પણ દરરોજ માનવ જીંદગી મોતના મુખમાં ધકેલાઇ રહી છે. આમ છતાં હજી સુધી કોઇએ તંત્ર દ્વારા રાષ્ટ્રની સંપતિ ગણતા તંત્ર સામે કેમ કાળજી નહી, તંત્ર સામે કોઇ કેમ ગુનો નહી અને તંત્ર પણ પોતાની જવાબદારી કયાસે સ્વીકારી વસુલ કરેલા ટેકસ મુજબ સગવડ આપશે તેવા સવાલ થઇ રહ્યા છે.

જો કે તાજેતરમાં જ ધોરાજીના એક જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકાના જવાબદાર અધિકારી, પદાધિકારી અને કોન્ટ્રાકટર સામે માનવ જીંદગી જોખાય તે રીતે માર્ગ પર ખાડા કર્યાની અને તેની જરૂરી ચેતવણીના બોર્ડ ન મુકી બેદરકારી દાખવ્યા અંગેનો ગુનો કોર્ટના આદેશથી પોલીસમાં નોંધાવ્યો છે.

લોકો દ્વારા સ્વયંમ જાગૃત બની તંત્ર સામે કાર્યવાહી કરવા આગળ આવે તો દરરોજ રસ્તા પર રખડતા ઢોર અને ખાડાના કારણે થતા મોત અંગે તંત્ર સામે અનેક ફરિયાદ નોંધાવી શકાય તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.